#333, Girish Sharma, Badminton star of Rajkot
By Faces of Rajkot, January 7, 2018
ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીનાં હમણાં જ લગ્ન થયા. મીડિયા અને લોકોએ પળ -પળની ખબર લીધી. મારે વાત કરવી છે રાજકોટના એક આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન પ્લેયરની કે જેને પોતાની રમત ચાલુ રાખવા કેટલો સંઘર્ષ કરવો પડે છે પણ કોઈને લેશ માત્રની પણ જાણ નથી.
માત્ર 2 વર્ષની ઉંમરે મામાને ઘેર વેકેશન ગયેલો ત્યાં રેલવે ટ્રેક પર રમતા રમતા ટ્રેકમાં પગ ફસાઈ ગયો અને ઉપરથી ટ્રેન ફરી વળી. પગ ગોઠણ નીચેથી કપાઈ ગયો પરંતુ ગોઠણ પર ઓપેરેશન ન થાય એટલે ગોઠણ પણ કાપી નાખવો પડ્યો. ટાંકા પાકી ગયા અને પગ ફરીથી કાપવો પડ્યો. 2 વર્ષની ઉંમરે એટલું બધું અને મને સાચવવો ખરેખર તો મારા માતા પિતાને ફેસીસ ઓફ રાજકોટનો એવોર્ડ આપવો પડે.
દસમાં ધોરણની પરીક્ષા પછી નાના ભાઈ જોડે એની ફૂટબોલની પ્રેક્ટિસ જોવા ગયેલો, ત્યાં બાજુમાં બેડમિન્ટન કોર્ટ જોયું અને મને રમતમાં બહુ જ રસ પડ્યો. મેં કોચને મારી ઈચ્છા જણાવી અને મારા પગ સામે જોયા વિના એમણે હા પાડી. મારા મિત્રોએ પ્રેક્ટિસમાં અદ્ભુત મદદ કરી. પડી જવું, લાગી જવું એ તો બહુ જ નોર્મલ છે કારણ કે એક પગ ઉપર બેલેન્સ બનાવીને દોડવું પડે. પણ, મારા કોચ અને મિત્રો મારી પડખે અડીખમ ઉભા રહેતા.
ભરૂચ ખાતે સ્ટેટ ટુર્નામેન્ટ રમ્યો નોર્મલ લોકો સાથે રમ્યો, સુરતમાં ઇન્ડિયા લેવલ પર રમ્યો એ પણ નોર્મલ લોકો સાથે. પુણેની નેશનલ ગેમ વખતે લોકોએ મને રમાડવા માટે ઇન્ટરવ્યૂ લીધો કે તમે કેવી રીતે રમશો? એમણે મને સૌથી પહેલી ગેમ આપી કે જેથી કદાચ છેક સુધી હું ન આવી શકું પરંતુ હું સેમી ફાઇનલ સુધી ગયો. ઓડિશામાં 4 વર્ષના ચેમ્પીયનને ડબલ્સમાં હરાવીને ફાઇનલમાં પહોચી ગયો. 2007માં આંતરરાષ્ટ્રીય લેવલ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો જ્યાં ઇઝરાયેલ માં મેં સિલ્વર મેડલ મેળવ્યો. વર્લ્ડ ગેમમાં થાઈલેન્ડ સામે ક્વાર્ટર ફાઇનલ હારી ગયો. ફરીથી પ્રેક્ટિસ કરી, જાન લડાવી દીધી, નથી દિવસ રાત જોયા કે નથી પગ સામે જોયું, 2008 માં એશિયન ચેમ્પિયનશીપમાં ડબલ ગોલ્ડ મેડલ જીત્યો. સિંગલ્સમાં પણ ગોલ્ડ અને ડબલ્સમાં પણ ગોલ્ડ. સાઉથ અમેરિકામાં પણ મેડલ અંકે કરી આવ્યો. અને હવે 2020ની ઓલમ્પિકની તૈયારી કરી રહ્યો છું અને આ વખતે ભારતને ગોલ્ડ આપવાની જવાબદારી માથે ઉપાડી છે. આ નાની અમથી વાત નથી. જયારે ભારતની શાન તમે હાથમાં લઈને મેદાન પર ઉતરો ત્યારે લોકોની ઉમ્મીદનો ભાર હોય એ ત્યાં હોય એજ જાણે. જીત્યા પછી તિરંગો છાતી પર લપેટીને જયારે જીત બાદ તમે મેદાન પર જાવ ત્યારે દુનિયાની કોઈ તાકાત ખુશીના આંસુ પર બંધ ન બાંધી શકે.
મારે રાજકોટને કહેવું છે કે અત્યારે પેરા ગેમ્સમાં હું માત્ર એક જ પ્લેયર છું એના ઘણા કારણો હોય શકે જેમ કે લાગી જવાનો ડર, હારી જવાની બીક, સપોર્ટ વગેરે. મારી પાસે આવક કોઈ જ નથી. મારે જિમ માટે, રેકેટ માટે, ગેમ્સમાં જઈએ ત્યારે જમવા, ટ્રાવેલિંગ માટેના ખર્ચા પુરા કરવા સ્પોન્સર જોઈએ. રાજકોટમાં સ્પોન્સર્સ નથી મળતા. ઘણી વાર ગેમ જતી કરવી પડે, ફિઝિઓ વિના જાતે ચલાવી લેવું પડે, સસ્તો રસ્તો લેવો પડે જે કઠિન પડે અને ગેમ હારી જવાય જેમ કે સસ્તા રેકેટ કે પછી શૂઝ. રાજકોટને મારી એક વિનમ્ર અપીલ છે કે તમે રમતા ન હો તો કઈ નહિ પરંતુ જે રમે છે એને બનતો સપોર્ટ કરવો.
સામાન્ય રીતે ફેસિસ ઓફ રાજકોટ ક્યારેય કદી આર્થિક બાબતોમાં વચ્ચે નથી આવતું પરંતુ આ એક ખરેખર અગત્યનું છે. અમારી એક વિનમ્ર અપીલ છે કે જો આપણે ગિરીશને બનતી મદદ કરી શકીયે તો રાજકોટના નામે આપણે પહેલો ઓલમ્પિક મેડલ નોંધાવી શકીયે. જેટલી બની શકે એટલી મદદ કરવા આગળ આવીયે અથવા તો રસ્તો ચીંધીએ. કોઈ પણ જાતની આગળની માહિતી માટે ફેસિસ ઓફ રાજકોટનો સંપર્ક કરવો.
किस की तलाश है हमें किस के असर में हैं,
जबसे चले हैं घर से मुसलसल सफ़र में हैं!
अशुफ़्ता चंगेज़ी
Related
Recent Comments