#334 Valjibhai and his philosophy of life
By Faces of Rajkot, January 14, 2018
શિયાળાની સવારે ગાંઠિયા ઝાપટવાને બદલે આજે કેમેરો લઇ ને ઇન્દિરા સર્કલ પાસેથી મોજમાં ચાલતો જતો હતો. મને થયું મારાંથી સુખી જીવ દુનિયામાં કોઈ નથી પણ, મારી નજર પડી ટૂંટિયું વળીને રોડની સાઈડ પાર હસતા આ ભાઈ પર. એણે હસતાં હસતાં મારા સામે હાથ ઊંચો કર્યો. અલા ભાઈ, આ કોણ? જૂની સદીનો માણસ કે શું? ઓળખાણ વિના અહીં કોઈ સામે પણ ના જોઈ અરે ઓળખાણ હોય એ પણ આડું જોઈને જતા રહે છે ને આ ભાઈ સવાર સવારમાં મારી સામે જોઈને હસે છે.
પાસે ગયા વિના કેમ રહેવાય? હાસ્ય વધારે મોટું થયું એમના ચેહરા પર. મેં પૂછ્યું, “કાકા, મને ઓળખો છો?”
“ઓળખાણ તો ઉપરવાળાની, આપણે તો માણસ માત્ર”
આ લઘર વઘર માણસ, રોડ ઉપર સૂતો છે અને મને આટલી મોટી વાત કરી જાય? મેં એને વધારે પૂછ્યું.
વાલજીભાઇ સોલંકી, કામ પતંગની દોર પાવાનું. 14 વર્ષથી અમદાવાદથી રાજકોટ આવે, આજ જગ્યાએ બેસે અને દોર વેંચે. જે પણ કમાણી થાય એમાં ભરપૂર સંતોષ. પણ, આમ અજાણ્યા માણસોને બોલાવો, સામે જોઈને હસો, હાથ હલાવો એવું કેમ?
વાલજીભાઈએ કીધું કે આજે જમાનો અતિશય બદલાઈ ગયો છે, નાક બંધ હોય કે ઈન્ટરનેટ એક સરખી ગુંગણામણ અનુભવે, હવે એટલા દંભી અને એકદમ સ્વાર્થી વાતાવરણમાં જો કોઈ એક પણ જાતના સ્વાર્થ કે અપેક્ષા વિના સામેથી હસીને હાથ ઊંચો કરે તો રણમાં મીઠી વીરડી જેવું લાગે. એટલે જ હું તો જે મારી સામે જોય એને એક સ્મિત વિના તો ન જવા દઉં. દુનિયાને આટલું તો આપીને જ જઈશ. સિઝનનાં 14 દિવસ કામ રાજકોટમાં જ રહે. કાચ કૂટીને દોરને મજબૂત બનાવે પરંતુ ક્યારેય એવી દોર નથી બનાવી જેનાથી કોઈના ગળા કપાઈ જાય. એ માત્ર ચાઇનીસ દોરથી જ થાય. અને જો આ ચાઇનીસ દોર સામ સામે પેચ લડાવે તો બે માંથી એક ને જરૂર નુકસાન થાય. ચાઇનીસ દોરના આગમન પહેલા ક્યારેય સાંભળેલું કે બાઈક સવારને અકસ્માત થયા કે પછી પક્ષી મરી ગયા? આજે ચાઇનીસ દોર પરનો પ્રતિબંધ તો દૂર પરંતુ તહેવાર પર પ્રતિબંધ મુકાઈ ગયો છે સવારે અને સાંજે પતંગ ન ઉડાડવી.
વાલજીભાઈની વાત તો મને તમાચા જેવી વાગી. મને યાદ નથી કે મેં કોઈ સામે દિલથી ક્યારે હસેલું, કારણ વિના. કે પછી કોઈ અજાણી વ્યકતિને મેં ક્યારે પૂછેલું “કેમ છે?” આપણે તો પતંગ જેવી ચાલાકી જ આવડે ગળે મળીને ગળા કાપવાનું. આ દોર વેંચતા સામાન્ય માણસની અસામન્ય વાતોએ દિલમાં ચીક્કી જેવી મીઠાશ ભરી દીધી.
Related
Recent Comments