#335 Vishnubhai and his selfless service

By Faces of Rajkot, January 21, 2018

વિષ્ણુભાઈ, રાજકોટનું એવું ઘરેણું કે એનું કામ જોઈ ને ભલભલા હાથ જોડી જાય. જાતે રાજગોર બ્રાહ્મણ પણ ગાંડા -ઘેલા લોકોને વ્હારે દોડી જાય. કોઈ પણ ક્યારે પણ ફોન કરે કે જાણ કરે એટલે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના મદદે દોડે. એની નાત -જાત પૂછ્યા કે જાણ્યા વિના એના મળમૂત્ર સાફ કરે. નવડાવે, કપડાં બદલી આપે, બાલ-દાઢી કરી અને જો કઈ વાગ્યું હોય તો મલમપટ્ટી કરીને પાછા મૂકી આવે.

 

રોજે 500 કુતરાઓને દૂધ રોટલી, પચાસ કિલો માછલીઓને ગોળી, પંખીને દાણા, ગાયને ઘાસચારો નાખે. શરૂઆત થઇ આજથી ઘણા વર્ષો પહેલા એક વાર સડક પાર એક બળદને કોઈએ મારેલો અને એને ઈંટ જેટલો ઊંડો ઘાવ થયેલો, ઉપરથી એમાં ઈયળો પડી ગઈ. બિચારું મૂંગું જાનવર કોને કહે? પણ રસ્તે જતા વિષ્ણુભાઇએ એની અરજ મનોમન સાંભળી લીધી અને ઘાવ સાફ કરવા બેસી ગયા. ત્યાંથી પસાર થતા નરોત્તમભાઇ પોપટ અને ધીરુભાઈ કાનાબારે આ જોયું અને કહ્યું સારું કામ કરો છો પણ, વિષ્ણુભાઈ કહે ભાઈ, હું તો પાપ કરું છું, હું ક્યાં કોઈ ડોક્ટર છું ? જેવું આવડે એવું કરું છું મને ખબર નથી આનાથી એને કેવું લાગે છે? એ ત્રણેય મળીને બળદને જાનવરના ડોક્ટર પાસે લઇ ગયા અને ઈલાજ કરાવ્યો. ત્યાંથી શરૂઆત થઇ “કરુણા ફાઉંડેશન” ની.

 

ઘણા લોકો જોડાતા ગયા અને ટ્રસ્ટ મોટું થતું ગયું. આજે આ ટ્રસ્ટ મહિને સાડા ત્રણ લાખનો ખર્ચ ભોગવે છે પણ કોઈની સામે ક્યારેય મદદ માટે હાથ નથી લંબાવતું.. આ નિર્ણય વિષ્ણુભાઈનો હતો કે ખાલી લક્ષ્મી ન માંગવી, લક્ષ્મીનારાયણની ઈચ્છા રાખવી. એક વાર માર્કેટિંગ યાર્ડમાં એક અશોકભાઈ નામના ફોરેન રહી આવેલા ભાઈ પાગલ થઇ ગયા અને એમને કોઈએ હાથ અને પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા મારી મારી ને. કોઈને પાસે ન આવવા દે.108 બોલાવી તો એને પથ્થરો મારીને ભગાડી મૂકી. પૂજાબેન પટેલે વિષ્ણુભાઈને સાંજે પાંચવાગે ફોન કરીને કીધું કે કાલે આવો તો એમની સારવાર કરીયે. પણ, વિષ્ણુભાઈ જેનું નામ, કાલે શું કામ અત્યારે જ કરીએ. કોઈને નજીક પણ ન આવવા દેતા અશોકભાઈને જઈને ખાલી એટલું કીધું “અશોકભાઈ, અહીં આવી જાવ” અશોકભાઈ શાંતિથી ગાડીમાં બેસી ગયા અને એમને સિવિલ દવાખાને લઇ જઈને સારવાર કરી.

 

બકુલભાઈ ભટ્ટ નામનાં એક બુઢ્ઢા બાપાને એમના દીકરા હોસ્પિટલે મૂકી, એમની પ્રોપર્ટીના કાગળ ઉપર સહી કરાવીને જતા રહ્યા. ડોકટરો ફોન કરીને થાકી ગયા પણ કોઈ બાપાની સારવાર માટે ફરક્યું નહિ. વિષ્ણુભાઈ આજની તારીખે બકુલભાઈની બધી સગવડ સાચવે છે.

સિવિલમાં એક ભાઈને આખા શરીરે ચાંદા પડી ગયેલા અને આખું અંગ મંકોડા કોતરીને ખાતા હતા, કોઈ એમને હાથ પણ અડાડતુ નહોતુ. વિષ્ણુભાઇએ એમને શરીર સાફ કરી, એના ઘાવમાં મંકોડા દૂર કરીને સાફ જગ્યાએ સુવડ્યાં. એમને જ્યાં અડકો ત્યાં ચાંદા એવા શરીરને એક માણસ કેવી રીતે ઊંચકે? કોઈએ એમને બાજુએ ખસેડવાની પણ મદદ ન કરી. પરંતુ વિષ્ણુભાઈ તો ભગવાનનો અવતાર અને ભગવાનને શેની મદદ? જાતે બધું કર્યું, એ ભાઈને ઠંડક થાય એટલે આઈસ્ક્રીમ ખવડાવ્યો, અને જેવું ગંગાજળ પાયું, એ ભાઈ વિષ્ણુભાઈની સામે મોઢું રાખીને અંતરના આશીર્વાદ દેતા પરલોક સિધાવી ગયા.

 

રાજકોટમાં જાણે સેવાની નિર્મલ ભાગીરથી વહેતી હોય એવા કામ વિષ્ણુભાઈ કરતા જાય. સવારના ઘરેથી નીકળે એ છેક રાત્રે ઘેર આવે. એમના કપડાં અત્યંત મેલા અને બદબૂદાર હોય. એમના પત્ની કોઈ દિવસ કંઈ જ ન બોલે. શાંતિથી એમની સગવડ કરી આપે અને ઉલ્ટાનું કહે કે આપણે મીઠુંને રોટલો ખાશું પરંતુ તમે આ સેવા બંધ ન કરશો.

 

વિષ્ણુભાઈને ગાંડા ઘેલા માટે અત્યંત દુઃખ થાય. એમની સેવા નહિ પરંતુ સારવાર પણ કરાવે. એ સાજા થઇ જાય એવા પ્રયત્નો કરે. દવા લાવી આપે. જ્યાં આપણે મોઢું ફેરવી લઈએ એવા લોકોના મળમૂત્ર સાફ કરે. કરુણા ફાઉંડેશન સાથે જોડાયેલા લોકોની યાદી તો બહુ લાંબી છે પરંતુ જે લોકો પાછળ રહીને પણ સગવડ રૂપી સેવા કરે છે એ છે જે.કે. મોટર્સ ના મલિક ભરતભાઈ બારડ, કાનજીભાઈ સગપરિયા, સુરેશભાઈ ચંદારાણા, લલિતભાઈ વાસાણી, હરેશભાઇ પટેલ, દીપકભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર અને નરોત્તમભાઇ પોપટ. રાજકોટની રખેવાળી કરતી રાજમાતા જેવા પૂજાબેન પટેલ, જે અડધી રાતે પણ કોઈની સેવા માટે ઉભા રહે. આ બધા રાજકોટની ભાગીરથીના રાજઘાટ જેવા છે. વિષ્ણુભાઈને મોદી સ્કૂલની ટ્રસ્ટ તરફથી રીક્ષા મળેલી છે જેમાં એ ગાંડા લોકોને લઇ જાય ને એમની સાફ સફાઈ કરે છે. એ કરીને જગ્યાની સાફસફાઈ કરતાં કોઈ વાર કશું રહી જાય તો લોકો ગાળ આપે. પરંતુ વિષ્ણુભાઈ હાથ જોડીને માફી માંગે અને જાતે સાફ કરી આપે.

 

કહો આમાં ખરેખર પાગલ કોણ છે?