#336 Sachinbhai Joker

By Faces of Rajkot, January 28, 2018

તમે જોકર તો જોયો જ હશે ને?”

 

ક્યારેક ટીવી પ્રોગ્રામમાં ક્યારેક કોઈ લાઈવ શો માં કે પછી કોઈ ફન્કશનમાં. હાસ્યાસ્પદ નાટક અને એક્ટિંગ કરતો હસતો હસાવતો ઘણી વાર જોયો જ હશે.

 

પરંતુ, એ હાસ્યની પાછળ જોયું છે? જયારે એ એના પચરંગી કપડાના લાંબા મોટા ખિસ્સા બહાર કાઢી ને હસાવે છે ત્યારે એના મનમાં શું ચાલતું હશે? ૫૩ વર્ષીય કાંતિભાઈ ચિત્રોડા વ્હાલું નામ “સચીનભાઈ જોકર”. વીસ વર્ષોથી જોકર બનીને સૌનું મનોરંજન કરે છે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ મોરબી, વાંકાનેર, આણંદ, જામનગર સુધી એમનો ચાહકવર્ગ છે. બર્થડે પાર્ટી, ક્રિકેટ મેચ, લોકલ ફન્કશનમાં સચિન જોકર હોય તો રંગ જામી જાય. બાળકોના મોં દિવસો સુધી એને યાદ કરીને હસતા રહે અને એમની વાતો કરતા થાકે નહિ. ફરીવાર ક્યારે મળવાનું થાય એની રાહ જુએ.

 

સચીનભાઈ ક્યારેય પોતાના કામનું વળતર ન માંગે. જે આપે એ નસીબ સમજીને લઇ લે. વધારે હોય તો પણ નસીબ અને ઓછું હોય તો પણ આપણું જ નસીબ કહી ને હસતા મોં એ સ્વીકારે. ક્યારેય કોઈ નું પણ મન કોચવે નહીં. જોકરની માફક હંમેશા હસતા જ રહે. હવે બીજી બાજુ જોઈએ એ હાસ્યની. એક વાર એમના દીકરાના ચશ્માં માટે પૈસા ભેગા કરવા ખુબ મેહનત કરી અને જયારે ચશ્માં લેવા ગયા ત્યારે એમના દીકરાના આંખના નંબર વધી ગયેલા.

 

શરુ શરૂમાં ઘરના લોકોને એમના કામથી ખુબ તકલીફ થતી, સમાજ માટે આ એટલું સહજ નથી. પરંતુ, સચીનભાઈ કહે છે હું કોઈ હલકું કામ તો નથી કરતો! જયારે નાના નાના બાળકો મારો રસ્તો રોકીને હસાવવાનો આગ્રહ કરે છે ત્યારે મને એમ થાય છે કે આ તો ઈશ્વરનો આશીર્વાદ છે. મારા ઉમદા કામ ને મુખ્યમંત્રી વિજય રૂપાણી, રવિન્દ્ર જાડેજા, મિતાલી રાજ, શિખર ધવને વખાણ્યું છે.

રાજકોટને મારે એટલું જ કેહવું છે કે તમે એક જ જોક ઉપર વારે વારે હસતા નથી તો એક જ વાત ઉપર વારે ઘડીએ શું કામ રડીએ? બસ, હસતા રહો અને હસાવતા રહો. જયારે જિંદગી પુરી થાય ત્યારે પણ ચેહરા ઉપર હાસ્ય જ છોડી જઈએ…

 

पर्दा गिरते ही ख़त्म जाते है “तमाशे” सारे,
खूब रोते हैं फिर सबको हँसानेवाले !!!