#339 Ashwinbhai Mehta and Cancer Awareness

By Faces of Rajkot, February 25, 2018

“ઘાયલની ગત ઘાયલ જ જાણે” એ તો જાણે જૂનું થયું, અશ્વિનભાઈ મહેતા રાજકોટ માટે કૈક નવું લઇ આવ્યા.
“ઘાયલની ગત સૌ જાણે તો કાંઈક શીખે”

 

ઊનાની સરકારી નિશાળમાં સરકારી માસ્તર, પાન ગુટખા, તમ્બાકુ સાથે જવાનીના દિવસોની જમાવટ. એ જમાવટ ગળા અને જડબામાં જમા થઇ અને થઇ ગયું કેન્સર. ગળાની ગાંઠ અને અડધું જડબું કાઢીને એમાં છાતીની ચામડીથી ખાડો પૂર્યો.

રાજકોટની મેરેથોનમાં માથે ગુટખાના પાઉચ બાંધીને હાથમાં બેનર પકડીને હું દોડ્યો, માત્ર એટલુંજ કેહવા કે પાન ગુટખાથી મારા જેવી હાલત થઇ જશે, હું તો હજી સમયસર જાગી ગયો અને દોડું છું જો તમે સમય જતા નહિ જાગો તો મોડું થઇ જશે.

 

રાજકોટને આ માટે કોઈ ચેહરાની જરૂર નથી, માત્ર સંદેશ જ કાફી છે. જેને મારુ બેનર કે સંદેશ વાંચતા ન આવડે એ ફક્ત મારા ચેહરાને એક વાર ધારી ને જોઈ લે બધું જ સમજાય જશે. જો કોઈ મિત્ર કે સગાં-વ્હાલા કોઈ પણ કહે કે છેલ્લી વાર બસ, ખાલી ચાખ, એક કટકો લઇ લે, ક્યાં પૈસા દેવા છે, કાંઈ નઈ થઇ હું રોજ ખાઉં છું , ટાઈમપાસ થાય કે એવું કાંઈ પણ કહીને ખવડાવે તો મારો ફોટો બતાવી દેજો અને કહેજો ભાઈ, કાંઈ પણ પેટમાં કે મોંમાં જાય એ અસર તો કરે જ, સીધે સીધું બહાર આવી જતું હોય તો દુનિયામાં કોઈ બીમાર જ ના પડે.

રાજકોટનો કોઈ પણ ચેહરો એવો ના બને એના માટે આ ઘાયલ તમને એની ગત જણાવવા માટે આ ઉંમરે પોસ્ટરો અને આ ચેહરો લઇ ને દોડે છે.

 

સમજદાર લોકો ને જ “વસંત” સાથે સંબંધ હોય છે,
બાકી પાગલ તો પાનખર સાથે પણ પ્રેમ કરી લે છે.