#340 Malini Shah and Manjul

By Faces of Rajkot, March 18, 2018

136 બાળકોની મંજુલ માતા એટલે માલિની શાહ. મંજુલ એ માલિનીનો બીજો પરિવાર.

 

માલિની, ગોલ્ડ મેડાલીસ્ટ ઈન એમ.બી.એ. અને રાજકોટની પ્રખ્યાત એસ.એન.કે. સ્કૂલમાં નોકરી કરે. લગ્ન પછી પોતાની દીકરીની સારસંભાળ માટે નોકરી અને કેરિયર છોડી દીધાં. પણ, મનમાં હંમેશા કશુંક ખૂટતું હોય એમ લાગે, કંઈક અધૂરું લાગે કે ભણ્યા ગણ્યા પણ કંઈક કરી છૂટવાની અદમ્ય ઈચ્છા અંદરોઅંદર મૂંઝારો કરે.

 

એક દિવસ વિક્રમભાઈ સાંગાણી કે જે મારા MBA વખતના મેન્ટોર હતા એમને ફોન કરી ને પૂછ્યું કે તમે મંજુલ કરશો? મંજુલ શું છે? આર્થિક અને સામાજિક રીતે પછાત ગણાતો વર્ગ કે જેમને સારી સ્કૂલમાં જવાનો મોકો નથી મળતો એમના માટે એક પ્રી સ્કૂલ છે. મંજુલનાં બાળકો હું ગર્વ સાથે કહી શકું કે સારી સારી ડોનેશન લઈને ભણાવતી સંસ્થાઓથી આગળ છે. મારી સ્કૂલના ત્રણ વર્ષના ટેણીયાને યુ ટ્યુબ પરથી વિડિઓ ડાઉનલોડ કરતા આવડે. એ ટેબ્લેટ પર તમને કઈ વસ્તુને અંગ્રેજીમાં શું કહેવાય એ ઊચ્ચાર સાથે બતાવે. કેટલાક લોકો મને કહે છે કે એટલા નાના બાળકોને તમે ગેજેટ્સ પકડાવી દો છો, તમે એનું બાળપણ છીનવી રહ્યા છો. પણ, આ મંજુલ છે, અહીં ગેજેટ્સનો વિવેક પૂર્વકનો ઉપયોગ એના ફાયદા અને ગેરફાયદા બંને શીખવાય છે. મંજુલનાં ચાર-પાંચ વર્ષના બાળકો જે તમને કોમ્પ્યુટરમાં એમની ટપુકડી આંગળીઓ રમાડતા જોવા મળે, એ તમને થોડી વાર પછી મેદાનમાં રમત રમતાં પણ જોવા મળે.

 

શેરી રમતો જે એકદમ નાશપ્રાયઃ થઇ ગઈ છે, આજકાલની સ્કૂલમાં જોવા તો શું, કોઈ ને પૂછો તો ખબર પણ ન હોય એવી રમતો મંજુલમાં જોવા મળે. નોટબુકના લંબચોરસ પાનાની બહારની જિંદગી અને ઉત્તરવહીમાં લાગતાં લાલ ચક્કરની ઉપર લઇ જઈને જિંદગીના પાઠ ભણાવવાનું અમે અહીં શીખવીએ છીએ અને બાળકોને ખાતરી આપીએ છીએ કે દુનિયાનું કોઈ પણ પ્રશ્નપત્ર તમારી આવડત માપવા સક્ષમ નથી.

 

તદ્દન ફ્રી, આર્થિક રીતે પણ અને માનસિક રીતે પણ મફત ભણતર અને ગણતર પૂરું પડતી મંજુલ સંસ્થા રાજકોટનું ગૌરવ છે. રોટરી મિડટાઉન અને વિક્રમભાઈ જે સૌરાષ્ટ્રની સૌથી જૂની અને જાણીતી સોફ્ટવેર કંપનીના ડાઈરેકટર છે, એમને મન મંજુલ એ સપનું છે, જેમાં એ લોકો મંજુલનાં બાળકોને હાર્વડ અને ઓક્સફર્ડ જેવી યુનિવર્સીટીમાં જતા જુવે છે. કદાચ અત્યારે તમને વાંચીને હસવું આવે પણ, એ દિવસો પણ દૂર નથી એની ખાતરી હું રાજકોટને આપું છું અને એક દિવસ ગર્વ સાથે બતાવીશ.આત્મવિશ્વાસ, મનોબળ અને સંકલ્પના આ ત્રણ તીર જેના ભાથામાં હોય એ અર્જુનની જેમ તરતી માંછલીની આંખ જેવું નિશાન વીંધી શકે.

 

જેટલા પણ ગેજેટ્સ મળે, ટેક્નોલોજી મળે, સારા શિક્ષકો મળે, મંજુલ હંમેશા તત્પર રહે છે. થોડા સમય પહેલા વિક્રમભાઈ, રોટરી ક્લ્બ અને વૉશિન્ગટનની સંસ્થા વુલ્ફ ટ્રેપ ના ટ્રેનર ક્રિસ્ટિના ફેર્રેલ છેક અમેરિકાથી અહીં ફક્ત મંજુલ માટે આવેલા. એમને બાળકોને અત્યાધુનિક પરંતુ ગમ્મત સાથે જ્ઞાનની વાતો શીખવી. મંજુલાના શિક્ષકો, સ્ટાફ મેમ્બર્સ એ ટ્રેઇનિંગ પ્રમાણે બાળકોને શીખવે છે.

— with Vikram Sanghani, Bina Sanghani, Jignesh Amrutiya and 15 others.