#341 Jigar Thakkar
By Faces of Rajkot, March 25, 2018
તમને તરતાં આવડે? સ્વિમિંગ પૂલમાં જ નહિ દરિયામાં પણ? અને જો તમારાં શરીરના બધાં જ અંગો સંપૂર્ણ સક્ષમ ન હોય તો તમે સ્વિમિંગ પૂલમાં પણ જાવ ખરાં ?
રાજકોટનાં જિગર ઠક્કરનું જિગર ખરેખર ગજ્જબનું છે. એટલેજ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત” માં જિગરનું ઉદાહરણ આપેલું અને કહેલું કે સેરેબ્રલ પાલ્સી ના કારણે એના 80% અંગમાં માંસપેશી નથી, પણ 11 ગોલ્ડ મેડલ જીતીને જેણે જિંદગી ઉપર જીદ્દ કરીને જીત મેળવી છે એના જઝબા ને હું સલામ કરું છું.
2007 માં મેં સ્વિમિંગ કરવાની શરૂઆત કરી, 2013માં નેશનલ રમતમાં ભાગ લેવાનું શરુ કર્યું અને ત્યારેજ મેં એક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યાં.
પણ, આ મેડલના રંગ મારી હિમ્મત કે જીદ સાથે મેચ નહોતા થતા, મારે તો ગોલ્ડ જ જોઈએ. ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે ફક્ત ગોલ્ડ જ ગોલ્ડ.
2020 ની પેરા ઓલમ્પિક માટે ઓલરેડી મારા ભરપૂર પ્રયત્નો ચાલુ છે. સવારે રેસકોર્સ અને સાંજે કાલાવડ રોડ પર આવેલા સ્વિમિંગ પૂલમાં દરરોજના 4 કલાક સ્વિમિંગ કરું છું. અને પોરબંદરના દરિયામાં 5 કિલોમીટર સ્વિમિંગ પણ કરેલું છે.
રાજકોટને મારે એટલું જ કહેવું છે કે તરવા માટે ખાલી હાથપગ હોવા જ જરૂરી નથી પણ એક ઝનૂન પણ જરૂરી છે, બીજું કે કોઈ પણ કાંઈ કરતું હોય કે શીખતું હોય તો એને અંડરએસ્ટિમેટ ન કરવું, કોઈને તો શું પોતાની જાતને પણ ન કરવી. તમારામાં પણ એટલી જ ક્ષમતા પ્રભુએ બક્ષેલી છે જેટલી બીજામાં છે. કોઈ પણ ક્ષતિ સાથે જન્મવું એ આપણા હાથની વાત નથી પરંતુ એ ગેરલાભમાં જીવન પૂરું ન થાય એ આપણા હાથની વાત છે. મહાન વેજ્ઞાનિક સ્ટીફન હોકીંગ્સ નું હાલમાં જ અવસાન થયું એ તમને કોઈ બસ કે રેલવેના ફ્રી પાસની કતારમાં જોવા નથી મળ્યા પરંતુ એમને જિંદગી ગજવી નાંખી અને બમણું જીવી ગયા. સ્ટીફન હોકીંગ્સ ન થઇ શકીયે તો કઈ નહિ પરંતુ સ્ટિફનનો અડધો “સ” બનવાની તક મળે તો પણ બહુ છે.
Related
Recent Comments