#342 Rupal & Manish Rathod & Mango People Parivar
By Faces of Rajkot, April 1, 2018
ફેસિસ ઓફ રાજકોટમાં આપણે એવા ચેહરાઓ જોઈ ગયા જે રાજકોટની ઝુપડપટ્ટી વિસ્તારોમાં એડયુકેશન અને શિસ્તપાલન નું કામ કરે છે. પણ, એમાંય ચાર ચાસણી ચડીને અલગ કરવું હોય તો? તદ્દન ખોટું છે કે માણસ હાથે આવે છે અને ખાલી હાથે જાય છે, માણસ તો “ભાગ્ય” લઇ ને આવે છે અને “કર્મ” લઇ ને જાય છે.
રૂપલ અને મનીષ રાઠોડ, ચાર વર્ષ પહેલા લાલપરી તળાવની નજીક આવેલી એક ઝૂંપડપટ્ટીના બાળકોને જોઈને એક નિશાળ બનાવવાનું મન થયું જ્યાં સૌ કોઈ ભણી શકે. પરંતુ, એટલી મૂડી ક્યાંથી લાવવી? પૈસાની ખોટ પણ નિયતમાં એક તસુભાર ખોટ નહિ. ત્યાંજ ઝૂંપડપટ્ટીના એક વૃક્ષ નીચે જ ભણતરનું કામ શરુ કરી દીધું. શરૂઆત કરી સામાન્ય શિસ્તપાલનથી. નખ કપાયેલા, વાળ કાપેલા, વ્યવસ્થિત ઓળેલા અને માથામાં તેલ નાંખેલું ફરજીયાત, નાહીને જ ભણવા આવવાનું, હાથપગ જમતા પેહલા ચોક્કસ ધોવાના, સાંધેલા કપડે શરમાવું નહિ પરંતુ મેલા કપડાં ના પહેરવા. પણ, ઝૂંપડપટ્ટીમાં આવી બધી રળિયાતો ના પોષાય, રોજ માથામાં નાંખવા તેલ ક્યાંથી કાઢવું જ્યાં ખાવાનાં ફાંફા હોય? વાળ કપાવા માટે તો વાણંદ ને ત્યાં જવું પડે એના પૈસા ક્યાંથી કાઢવા? ચાલો નિશાળે જ નથી જવું એટલે ખર્ચ જ નહિ. આ બધી વાતો તો અગાઉ થી જ નક્કી હતી.
રૂપલ બેન જાતે જ કાતર લઈને બેસી જતા વાળ કાપવા, તેલ નાંખી આપે અને નખ પણ કાપી દે. હવે તો કોઈ બહાનું નથી ને નિશાળે ના જવાનું? શરુ કરો ત્યારે “ક” કલમ નો. આમ થયા શ્રી ગણેશ “મેંગો પીપલ પરિવાર” ના જ્યાં, આજે 700 થી વધારે ઝૂંપડપટ્ટીના બાળકો ભણતર, ગણતર અને સાથે નોકરી પણ મેળવે છે. જે લોકો પાસે કોઈ ડિગ્રી કે ભણતર નથી પરંતુ બહોળો અનુભવ છે એમને નોકરી અપાવે છે. ખાસ કરીને છોકરીઓને પગભર બનાવે છે એમને હાઇજિન અને સ્વાથ્યના પાઠ ભણાવે કે જેથી એ આગળ જતાં એમના બાળકોને અને પરિવારનું પણ ધ્યાન રાખે. સેનેટરી પેડ્સ, બે બાળકો વચ્ચે અંતર, કુટુંબ નિયોજન અને ઘરના પુરુષ સાથે ખભેખભો મિલાવીને કામ કરવું જેથી બાળકોનું ભવિષ્ય બને આવી વાતો પણ શીખવાય છે.
મનીષભાઈ રાજકોટની 5 ઝુપડપટ્ટી ઉપરાંત જામનગર અને છેક આદિપુર કચ્છમાં પણ આ પ્રવૃતિઓ ફેલાવી રહ્યા છે. વાંચતાંતો લાગે કે આ કોઈ જરૂર પૈસાદાર વ્યક્તિ હશે કે જેને આ પોષાય, આપણે સમય કે એટલા પૈસા ક્યાં છે. શરૂઆતમાં જ લખેલું કે નિયતમાં રતીભાર ખોટ નહિ, બંને જણ નોકરી કરે અને એક પગાર પુરેપુરો આ કામમાં જ નાંખી દે. કેટલાક લોકો મદદ કરે અને ભણાવવાની સેવા આપે. કેશ પૈસા કોઈ પાસેથી ન લેવા એવો વણલખ્યો નિયમ એની બદલે, પુસ્તકો આપો, પેન, પેન્સિલ, નોટબુક આપો, કોઈ જન્મદિવસ ઉજવો, કોઈ પ્રોગ્રામ, ઉજવણી, પીકનીક કરાવો એટલે બસ. આ ઝૂંપડપટ્ટીના બાળકોને ફનવર્લ્ડ પાસે માંગતા, કે કાઈ વસ્તુઓ વેંચતા જોયા હશે, ક્યારેય ધ્યાનથી જોયું છે કે એ તમારા બાળકને ફન વર્લ્ડમાં જતા જોઈને અંદરથી કેવું અનુભવતું હશે?
રૂપલ અને મનીષ બંનેએ અનુભવે, બાળકોને ફન વર્લ્ડ, કોસ્મોપ્લેક્સ, પીકનીક જેવી બધી જ ઈચ્છાઓ પૂરી કરે. જન્મદિવસે કેક કાપે, નવરાત્રી, દિવાળી, હોળી જેવા તહેવારો આપણી જેમ જ એમની સાથે ખુશી થી મનાવે.
જયારે બાળક ચોકલેટ કેક જોઈને ખુશીથી ખીલી ઉઠે, એમની આંખો અને મોં ખુલ્લા રહી જાય એ ખુશી તો તમને કોઈ રેસ્ટોરન્ટની 500 રૂપિયાની થાળીમાં ય ના થાય.
ઘણાં શ્રધ્ધા કે આશાવાદને કારણ થયા દુ:ખી
બધા માણસમાં કઇ ચોક્કસપણે ઈશ્વર નથી હોતા
પચાવી જાય શહેરી ઝેર આપો જિંદગી કહીનેે
છે ખોટી ધારણા કે સૂટમાં શંકર નથી હોતા
– ભાવેશ શાહ ‘શહેરી’
Related
Recent Comments