#343 Tushar Jivani and his journey of weight loss

By Faces of Rajkot, April 9, 2018

116 કિલોનું શરીર અને 48 ની કમરનો ઘેરાવો લઈને ગિરનાર ચડવા ગયા, દસ હજાર પગથિયાંમાં ખાલી હજાર પગથિયાં થયા ત્યાં સુધીમાં તો હાથ જોડી ને ઘૂંટણ ટેકવી દીધા કે હવે આગળ નહિ જવાય. પણ અંદરથી લાગી આવ્યું. મેડિકલ ફિલ્ડમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ છું એટલે મુસાફરી કરવી પડે પરંતુ જયારે બસ કે ટ્રેનમાં બેઠા હોય તો બાજુવાળા મારા શરીરને લીધે સંકોચાઈ જતાં, બોલી તો ના શકે પણ, મોઢું કારેલા જેવું કરી ને જુવે.

 

આખરે વજન ઘટાડવાનું નક્કી કર્યું અને સીધે સીધા જીમમાં જમ્પ કરવાને બદલે વૉકિંગથી શરૂઆત કરી. સાથે-સાથે ડાયેટ પણ શરુ કર્યું. શરુ શરૂમાં તો વજન મીણની માફક ઓગાળવા મંડ્યું, આપણો જુસ્સો સાતમા આસમાને. અઠવાડિયે 2-3 કિલો ઉતરવા લાગ્યું. દરરોજ રેસકોર્ષના 5 ચક્કર ઝડપી ચાલી ને લગાવતા અને એક વાર રાજકોટ સાયકલ કલબ ના રાઈડર પ્રતીક સોનેજીને મેં સાઇકલ પર એક દમ સ્ટાઇલિસ્ટ લૂકમાં જોયા. મને પણ મન થયું સાઈકલિંગ શરુ કરવું.

 

સાઇકલ લીધી અને રેસકોર્ષના વીસ ચક્કર પાક્કા લગાવતો. કોઈ પણ દિવસ ચૂકાય નહિ અને એક ચક્કર પણ ઓછું ન થાય એવો વણલખ્યો નિયમ.

 

રોટરી મિડટાઉન લાયબ્રેરી આયોજિત રાજકોટ કલબ ઓફ સાયકલિંગ શ્રીમાન દિવ્યેશ ભાઈ આઘેરા ના સહયોગ થી જોઈન કર્યું અને એ લોકો તો દિવસના સો-સો કિલોમીટર આરામથી કાપી નાંખતા પણ મેં શરુ કર્યું રાજકોટ-પડધરી, પડધરી-રાજકોટ શરુ કર્યું. આ ગ્રુપમાં મંથલી કોમ્પટીશન થાય અને લોકો કેટલા કિલોમીટર કર્યા એ અપડેટ થાય. મારો ટાર્ગેટ હજાર કિલોમીટર કરવાનો રાખ્યો. અને એક વ્યવસ્થિત સ્કેડયુલ બનાવીને ફોલો કર્યું. ડૉ.અવ્વલ સાદીકોટ સાહેબે મને ફૂડ પ્લાન બનાવી દીધો અને ઘણી ટિપ્સ આપી જેનાથી શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થવા લાગ્યો અને સાઇકલિંગમાં આગળ વધતો ગયો. અત્યારે વર્ષ 2017 માં પંદર હજાર કિલોમીટર સાયકલિંગ કર્યું. અને સફર હજુ ચાલુ જ છે.

 

હવે જો તમે મને જુઓ તો કહી ના શકો કે મારી કમર 48 ની હતી કે મારુ વજન 116 કિલો હતું અને 27 કિલો ઘટાળ્યું. મારુ જોઈને ઘણા લોકોએ સાઈકલિંગ શરુ કર્યું અને મેં બનતી મદદ કરી કે ક્યારે અને શું કરવું. 94 લોકો એ 15થી 20 કિલો વજન સરેરાશ ઉતારી નાખ્યું. હવે શું? હું પણ બીજા પાસેથી પ્રેરણા લેતો રહું છું રાજકોટ કલબ ઓફ સાયકલિંગ ના ઉષા બેન રાજદેવ જે 69 વર્ષ ની ઉંમરે દરરોજ 30 કિમિ સાયકલિંગ કરે છે એવાજ આ કલબ ના ઘણા સભ્યો તથા રાજકોટ રનર્સ ના ડૉ. ચંદ્રવદન અજમેરા સાહેબ કે જેમને દોડતા જોઈ ને જ તમારા માં સ્ફૂર્તિ જાગી ઉઠે તથા અમદાવાદ ના પિયુષ ભાઈ શાહ, 59 વર્ષના મારા મિત્ર રોજના 21 કિલોમીટર દોડે છે. ચેલેન્જ કરું કે તમે 5 કિલોમીટર 25ની ઉંમરે પણ દોડી બતાવો. વલસાડ ના નરેશ ભાઈ નાઈક રોજના સાઈઠ કિલોમીટર સાયકલિંગ કરે છે અને એમની ઉમર 53 વર્ષની આસપાસ. અને બીજી પ્રેરણા કુદરત. રાજકોટ પડધરી જાવ તમે સવારે 6 વાગે સૂર્યોદય થતો જોવ અને પશુ-પંખીના અવાજો, ઠંડી મિસ્ટ અને જોશ જયારે એક વાર તમે મારી સાથે આવીને જોવ તમે ગામડાના લોકો જે રીતે દિવસ ની શરૂઆત કરે એ જોઈ ને ઈર્ષા આવી જાય.

 

લાબું જીવવું એ ધ્યેય નથી પરંતુ જેટલું પણ જીવીએ સ્વસ્થ જીવીયે અને જિંદગી રહે ત્યાં સુધી હરતા -ફરતા રહીયે.

 

તુષાર જીવાણી આપણને શીખવે છે કે તમારા માટે નહીં તમારા પરિવાર માટે તમારે હેલ્ધી રહેવું ખૂબ અગત્ય નું છે માટે રોજિંદા કામો માં સાયકલ ચલાવી પર્યાવરણ નું જતન કરીએ આગામી પેઢી ને સારા પર્યાવરણ ની ભેટ આપીએ અને આપણે સૌ તંદુરસ્ત રહીએ.

 

ચસોચસ ભીંસતા આકાશમાંથી બ્હાર આવી જા,
મનાવી મન આ કારાવાસમાંથી બ્હાર આવી જા.

 

હવે તો તું જ તારી પીડનો અધ્યાય પૂરો કર,
અને બટકી ગયેલી ફાંસમાથી બ્હાર આવી જા.

 

ઋતુમાં આવશે તું યે,મજાની ફૂટશે કૂંપળ,
હથેળીના આ ઉજ્જડ ચાસમાંથી બ્હાર આવી જા.

 

નહીંતર ચામડીની જેમ એ વળગી જશે વલ્કલ,
ઉતાવળ કર અને વનવાસમાંથી બ્હાર આવી જા.
— પારુલ ખખ્ખર

 

— with Jivani Tushar.