#421 Jain Vision Group

By Faces of Rajkot, September 29, 2020

અમે નાના હતા ત્યારે એક રૂમ-રસોડાનાં મકાનમાં 7 જણનું કુટુંબ આનંદથી રહેતું હતું. ડ્રોઈંગરૂમ, સેપરેટ બેડરૂમ જેવું તો સ્વપ્ન પણ નહોતું આવતું.

 

હવે અલગ રુમ તો ઠીક બાથરૂમ પણ અલગ હોય છે. સમય બળવાન છે કહેવાય છે ને કે જે થાય એ સારા માટે જ થાય છે, વિચાર કરો કે એ જમાનામાં આ મહામારી ફેલાઈ હોત તો ક્વોરેન્ટાઇન થવા ક્યાં જાત? એક જ રૂમનાં ઘરમાં ક્યાં ક્વોરેન્ટાઇન થવું અને કોને બચાવું? પણ ઉપરવાળો તો બધું વિચારી વિચારીને જ બાજી રમે છે.

 

રાજકોટમાં હજી પણ એવા સંયુક્ત પરિવારો છે જેમાં ક્વૉરૅન્ટિન જેવી સગવડ ન થઇ શકે એવો જ વિચાર અમને આવ્યો કે ભગવાને આટલું આપ્યું છે કે કોઈ ની મદદ કરી શકીએ તો શા માટે નહિ? મિલન કોઠારી, જૈન વિઝન સંસ્થા આજે રાજકોટમાં ઘણા સમયથી કાર્યરત છે એ લાવી છે આપણા માટે અફલાતૂન ક્વોરન્ટીન હોમ. ઘર જેવું જ વાતાવરણ અને 24 કલાક ડોક્ટર્સ તમારી માટે હાજર રહે છે એટલું જ નહિ દવા, જમવાનું, ફળો, ઉકાળો, લીંબુ પાણી, જ્યુસ, કેસરયુક્ત દૂધ જયારે અને જેટલું માંગો તમારી માટે સેવાભાવી સ્ટાફ હાજર કરી દે છે. ભામાશા તો એક એ જમાનામાં થઇ ગયા પણ અહીં તો આખું ગ્રુપ ભામાશા બનીને રાજકોટ માટે ઉભું રહ્યું છે. આ મહામારીએ જ્યાં દવા, માસ્ક અને સેનિટાઇઝર ના કાળાબઝાર થકી ઘણા અસલી ચેહરાઓ સામે લાવી દીધા છે ત્યાં આ રણમાં એક મીઠી વીરડી સમાન આ સંસ્થા એનું કામ કરે જાય છે.

 

તમે જાણે ઘરમાં હોય એવું જ વાતાવરણ મળી રહે એનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે. એરકંડીશન રૂમ અને એટેચ્ડ બાથરૂમ સાથે 24 કલાક નાસ લેવાના મશીનની સગવડ થી માંડીને બધી જ સગવડ માંગો ત્યાં હાજર હોય છે. હવે તમને એમ થશે કે અમે તો રાજકોટના આ વિસ્તારમાં રહીયે છીએ અને સંસ્થા કદાચ રાજકોટની બીજી સાઈડ હોય તો કેમ પોસાય? પરંતુ, જેને સેવા જ કરવી છે એણે બધી જ તકેદારી લીધેલી હોય છે લોકલ હોટેલ ચેઇન નોવા સ્ટાર સાથે મળીને રાજકોટમાં જાગનાથ પ્લોટ, મોટી ટાંકી ચૉક , માલવિયા ચૉક , રાજશ્રી હોટેલ સામે નોવા હોટેલમાં માત્ર 1100 રૂપિયામાં આ બધું જ ઉપલબ્ધ છે. એમાં કોઈ જ નફો રળવાની વૃત્તિ દેખીતી રીતે નથી.

 

મહાવીર “હોમ” નામ સાંભળીને એવું ન થાય કે આ માત્ર જૈન લોકો માટે જ હોય છે આ દરેક ધર્મ જાતિ માટે ઉપલબ્ધ છે જેમાં કોઈ બાધ નથી, હા જમવાનું તમને ત્રણ ટાઈમ ગરમાગરમ મળશે જે જૈન મેનુ પ્રમાણે તૈયાર થયેલું સાત્વિક ભોજન હોય છે. જમવાનું બધાને સાત્વિક મળી રહે એ માટે અમે અમારા ઘરેથી જ તમને જમવાનું પૂરું પાડીયે છીએ. અમે જે ખાઈએ એજ સૌને ખવડાવીએ એટલે કોઈ જ મતભેદ નથી રહેતો. એવું પણ નથી કે ખાલી રાજકોટના લોકો જ રહે તમે અમદાવાદ, બરોડા, કે કોઈ ગામડા ગામ થી પણ આવીને અહીં સુખેથી રહો, તમને કોઈ પણ તકલીફ ન પડે એની પુરી તકેદારી અમારી જૈન વિઝન સંસ્થા રાખશે.

 

તંત્રની બેદરકારી, હોસ્પિટલ સ્ટાફના બનાવો, પોલીસની કડકાઈ આ બધું હવે કોઠે પડતું જાય છે. શરુ શરૂમાં આ બધું સાંભળીને આશ્ચર્ય થતું હતું હવે લક્ષ જ નથી આપતા. આ કપરા સમયમાં જો કોઈને ખરેખર જરૂર હોય તે તમામ ને આ માહિતી પહોંચાડવા વિનંતી છે. અમારી સંસ્થા અને હું આપના હંમેશા આભારી રહીશું.

 

નક્કર સોનાના આભૂષણ ફિક્કા પાડે
ચમકે શ્રદ્ધાનાં કૈ જડતર માદળિયામાં
એને પહેરી છાતી છપ્પનની લાગે છે
જાણે સંતાડયા હો બખ્તર માદળિયામાં
-લિપિ ઓઝા