#346 Heenaben Vora
By Faces of Rajkot, May 6, 2018
સ્ત્રીને પુરુષ સમોવડી થવા માટે કોઈ સાબિતીની જરૂર છે? અને બરાબરી પણ કોની જોડે કરવી જેને એક સ્ત્રી એ જ જન્મ આપ્યો છે એની જોડે?
આમ જોવા જઈએ તો લંકાપતિ રાવણને રાજા રામચંદ્રજીએ વાનરસેના સાથે લઈને હરાવ્યો હતો પરંતુ સીતા માતાએ એ એકલા હાથે રાવણને બહુ પહેલા જ અશોકવાટિકામાં પોતાના દ્રઢ મનોબળથી હરાવી દીધો હતો, એનો અહંકાર છિન્નભિન્ન કરી નાંખ્યો હતો.
કચ્છના ધરતીકંપમાં અમારી દુકાન ગાયબ થઇ ગઈ. મારા પતિએ રાજકોટ આવી ને નોકરી કરી લીધી પરંતુ પગાર માત્ર પાંચ હજાર, જયારે ઘરનું ભાડું પાંચ હજાર અને ઉપરથી અગિયાર જણ ખાવાવાળા. મેં મારી આવડતને આવકનું સાધન બનાવવાનું નક્કી કર્યું. હિનાબેન વોરા ખાખરાવાળા, રોજના 200 થી 300 ખાખરા બનાવી નાંખે. કહેવું કેટલું સરળ લાગે છે, માત્ર એકજ લાઈનમાં કે 200 થી 300 ખાખરા બનાવે પણ એની પાછળની મહેનત જોવા જઈએ તો સામાન તૈયાર કરવો, સવારે વહેલા ઉઠીને લોટ બાંધવો, હાથ દુઃખી જાય ત્યાં સુધી મસળીને માંખણ જેવો લોટ તૈયાર થાય. પછી ઘરકામ થાય અને એ પછી વણવાનું અને શેકવાનું કામ. સૌથી કપરું છે શેકવાનું કેમ કે જો જરાપણ તાવડીની આંચ ઉપર નીચે થાય કે વધારે વાર રહી જાય તો કામ ખરાબ થઈ જાય.
જયારે ખાખરા બનાવવાનું શરુ કર્યું ત્યારે ઘણા લોકોએ કીધું કે ઘઉંની ગુણવત્તા કે તેલ સસ્તું વાપરવું વધારે નફો થાય પરંતુ આજ સુધી સોનેરી ટુકડા ઘઉં, તિરૂપતિ તેલ અને ભેંસનું ઘી સિવાય કોઈ બીજી વસ્તુ મારા ઘરમાં ન આવે કે ન મારા ગ્રાહકોને પેટમાં જાય. કર્મના ફળ છે જે ફરીને પાછા આવે અને જો હું તમને હલકી ગુણવત્તાવાળું ખવડાવું એ ફરીને મારા સંતાનો કે મારા પેટમાં પણ આવે જ. ભગવાન પણ સાથે જ હોય એમ દુકાનદારોએ પણ એટલી જ મદદ કરેલી કે બહેન તમે શરુ કરો પૈસા બને ત્યારે આપજો. પરંતુ આજ સુધી મહિનાથી ઉપર મારુ ખાતું જવા નથી દેતી. બચતમાંથી સૌથી પહેલું કામ દુકાનદારોના પૈસા ચૂકવવાનું કરું અને પછી જ બાકીના પૈસા ઘરમાં વાપરું.
મારા પતિને અન્નનળીનું કેન્સર થયું અને ખુબ ખર્ચાળ સારવાર છતાં એમનું અવસાન થયું. પણ, રાજકોટની જનતાએ જાણતા અજાણતા જ એમના પેટની સાથે અમારા સૌનું પેટ પણ ભર્યું. આજ ખાખરાના વ્યવસાયથી દીકરાને એલ.એલ.બી.ભણાવ્યો દીકરીને એમ.કોમ.કરાવ્યું અને પરણાવી પણ એજ ખાખરાના પૈસામાંથી. આમ જોવા જઈએ તો ખાખરા બરડ પરંતુ એ જ ખાખરા પર મારુ ઘર અને મારા સંતાનોનું ભવિષ્ય ટકી ગયું.
હાલમાં જ મધર્સ ડે ગયો, જન્મદાતા મા માટેનો એક અલગ જ દિવસ, ખુબ જ સરસ કહેવાય કે એક દિવસ ફક્ત એમનો જ. પરંતુ હિનાબહેન માટે તો કોઈ અલગ જ દિવસ બનાવવો પડે કેમ કે એમણે મા-બાપ બંનેનો ભાગ ભજવી બતાવ્યો છે.
ક્યાંક ને ક્યાંક કર્મોની બીક છે,
નહિ તો ગંગા ઘાટે શેની ભીડ છે?
Related
Recent Comments