#347 Dr. Amish Joshi

By Faces of Rajkot, May 20, 2018

તમે તમારો બાયોડેટા બનાવ્યો હશે તો વધુમાં વધુ કેટલા પેજનો બને? કોઈ સામાન્ય છાપું લેવા જાવ 12 થી 14 પેજનું હોય. પરંતુ, અમિષભાઈનો બાયોડેટા કાયદેસર 25 પેજનો. વાંચતા જ મને તો ચક્કર આવી ગયા તો પછી એ 25 પેજમાં એક એક લાઈન પર કેટકેટલી મહેનત લાગી હશે?

 

અમીષ જોશી, પિતાથી અલગ થયા બાદ માતા અરુણાબેને એકલા હાથે મારો અને નાના ભાઈ (પરિષ) નો ઉછેર કર્યો. લાલબહાદુર હાઈસ્કૂલમાં શિક્ષક હોવાની સાથે એમણે ઘરમાં માતા અને ગુરુનો પણ રોલ ભજવ્યો છે. બારમાં ધોરણમાં પાસ થયા બાદ કોટક સાઇન્સ કોલેજમાં એડમિશન લીધું અને બી.એસ.સી. શરુ કર્યું. ફાઇનલ યરમાં માતા અરુણાબેનને હાર્ટ એટેક આવ્યો અને એ દિવસોમાં એન્જીયોપ્લાસ્ટી એટલું સરળ નહોતું. આ વાત છે 1993 ના સમય ની. અમે મુંબઈ ગયા અને ત્યાં એમનું ઓપેરશન થયું.

 

બી.એસ.સી.માં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા બાદ, મમ્મીએ જ માસ્ટર્સ કરવા માટે પ્રોત્સાહન આપ્યું અને સાથે એમણે એમની જોબ ચાલુ રાખી જેથી મારા ભણતરમાં કોઈ પરેશાની ન આવે. દર વખતે સેમેસ્ટરની પરીક્ષા અને મમ્મીનું ચેકઅપ એક જ સમયે આવતું અને દર વખતે મુંબઈ જવાનું થાય, બંને વસ્તુ સાથે મેનેજ કરીને એમ.એસ.સી. વીથ ફિઝિક્સમાં પણ ફર્સ્ટ ક્લાસ આવ્યો.

 

મેં આગળ ભણવાનો, પી.એચ.ડી. થવાની વાત કરી, એ વખતે મમ્મીના હૃદયની હાલત વધુને વધુ નાજુક થતી જતી હતી. ડોક્ટરેટ થવા માટે બીજા ચારથી પાંચ વર્ષ લાગે પરંતુ, એમણે મને એક હસતા મોંએ આગળ ભણવાનું કહ્યું. એમણે એમની નોકરી ચાલુ રાખીને મારું ભણતર આગળ વધારવાનું નક્કી કરી લીધું.

એ વખતનાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ પ્રો.આર. જી. કુલકર્ણીની સાથે પી.એચ.ડી. અતિવાહકતા. (Superconductivity) શરુ કર્યું. એ દરમિયાન મેં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રિસર્ચ પેપર પબ્લિશ કર્યાં, સમય એવો પણ હતો કે મમ્મીની તબિયત લથડતી જતી અને મારે ભણવામાં દિવસ રાત એક કરવા પડતાં. એમનું બબ્બે વખત ઓપેરશન થયું અને મારુ ભણતર અને ઘરનું પ્રેશર એક બીજા પર હાવી થવા લગભગ ચડાઈ કરતાં. અંતે ખુબ જ સંઘર્ષો બાદ, મમ્મીનું બીજું ઓપેરશન 1998માં પણ સફળ રહ્યું અને 1999 માં મને પી.એચ.ડી. ની ડિગ્રી પણ મળી.

 

એ પછી મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં પોસ્ટડોક્ટરલ ફેલોશીપ મળી, દિલ્હીમાં નેશનલ ફિઝિકલ લૅબોરેટરી (NPL) માં કાયમી પોઝિશન સાથે ઘણાં એવોર્ડ્સ પણ મળ્યા. 2005માં અમેરિકા જવા માટેનો DST (ડિપાર્ટમનેટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી) નવી દિલ્હી તરફથી BOYSCAST ફેલોશીપ એવોર્ડ લેટર મળ્યો. US જવાનું થાય ત્યાર પહેલા જ મમ્મીનું અવસાન થયું, અને બિનશરતી એમના પ્રેમની હદ એવી કે એમની અંતિમ ઈચ્છા એ કે મારે રિસર્ચ માટે અમેરિકા કોઈ પણ ભોગે જવું. અમેરિકાથી પરત ફર્યા બાદ મેં NPL માં ફરીથી મારી જોબ શરુ કરી જ્યાં મને યંગેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ દ યર, NPL 2006 નો એવોર્ડ મળ્યો.

 

આ એવોર્ડ પાછળ મારા માતોશ્રીનો અથાગ પરિશ્રમ હતો. મારી પત્ની દીપ્તિએ દિવસ રાત જોયા વિના મને રિસર્ચ માટે કોઈ પણ જાતની રોકટોક વિના આગળ વધવા પ્રોત્સહન આપ્યું. અત્યારે હું નેશનલ ફીઝીકલ લેબોરેટરીમાં પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ છું, 82 આંતરરાષ્ટ્રીય રિસર્ચ પેપર્સ પબ્લિશ થયા છે અને 1390 સાયટેશન એપ્રિલ 2018 સુધીમાં મારા અંકે બોલે છે. મારુ 25 પેજનું સી.વી. એમાં મારી માતાનો ત્યાગ, બલિદાન, મારી દિવસ રાતની મેહનત અને મારા પરિવારનો સપોર્ટ છુપાયેલો છે.