#349 Swimming couch Vipul Bhatt and training of special children

By Faces of Rajkot, June 3, 2018

કુળદેવી ચામુંડા માતાજી પર અપાર શ્રદ્ધા અને ચાલીને ચોટીલા જવું એવી ઈચ્છા. 35 વર્ષની ઉંમરે 55 km ચાલવું એમાં શું મોટી વાત? અને એ પણ જે રોજ સ્વિમિંગ કરતો હોય અને પૂરતી કસરત થતી હોય એની માટે તો રમત વાત કહેવાય ને? પરંતુ રસ્તામાં એક પગ જાણે ખોટો થઇ ગયો. કાંટા ખુંચાડો કે ચીટીંયો ભરો કોઈ જ અસર ન થાય. જેમ તેમ કરીને ચોટીલા પહોંચી તો ગયો પણ ઉપર કેમ ચડવું?

 

એક દિવ્યાંગ ભાઈ કે જેના બંને પગ નહોતા એણે મને એની ચાલવાની ઘોડી આપી ને હસતાં-હસતાં કહ્યું હું તો હાથથી ચડી જઈશ મને તો આદત છે. મને તો કાપો તો લોહીના નીકળે એવી હાલત. પણ, પેલા ભાઈએ આગ્રહ ચાલુ રાખ્યો અને મને ઘોડી આપીને એતો હાથના જોરે પગથિયાં ચડવા લાગ્યો. મને પણ માતાજીના દર્શનની તાલાવેલી એટલે માતાજીની મરજી સમજીને મેં ઘોડીના સહારે મારી યાત્રા પુરી કરી.

આ પ્રસંગ મનમાં ચોટ કરી ગયો કે મારે આવા દિવ્યાંગ બાળકો માટે કંઈક કરી છૂટવું. વિપુલ ભટ્ટ, છેલ્લા 27 વર્ષથી રાજકોટમાં સ્વિમિંગ કોચ અને હાલ કાલાવડ રોડ સ્વિમિંગ પુલમાં મેનેજર છું. રાજકોટમાં એક પણ સ્વિમિંગપૂલ નથી જ્યાં મેં કામ ન કર્યું હોય. ઉપરના પ્રસંગ પરથી મનમાં ગાંઠ બાંધી લીધી કે મારે આવા બાળકોને સ્વિમિંગ શીખવવું છે. પણ, મનમાં એક ડર એવો પણ હતો કે આવા બાળકોના પગમાં સામાન્ય બાળક જેટલું જોર ના હોય, શાયદ તેમને તકલીફ પડે. પરંતુ, માતાજીનું નામ લઇ ને પુરી શ્રદ્ધા અને નિષ્ટ્ઠા સાથે શરુ કર્યું. એક બાળક જે સંપૂર્ણ પણે ચાલી નહોતો શકતો એનાથી શરૂઆત કરી, ના એણે સ્વિમિંગ શીખ્યું પણ એ ઘોડીની મદદથી ચાલતો પણ થઇ ગયો. મારા આનંદનો પાર ન રહ્યો. બમણા જોશ અને લગનથી બીજા બાળકોને પણ શીખવવાનું શરુ કર્યું. સેરેબ્રલ પાલસી, ડિસ્લેક્સિક, ડાઉન સિન્ડ્રોમ, દિવ્યાંગ જેવા બાળકો સાથે સ્વિમિંગ કોચિંગ કોર્પોરેશન સ્વિમિંગ પૂલમાં શરુ કર્યું. દરરોજના બબ્બે કલાક કોઈ પણ જાતની ફી લીધા વિના તદ્દન ફ્રીમાં બાળકોને આજે પણ શીખવું છું.

 

સામાન્ય લોકોને ડૂબવાનો, પડી જવાનો કે ઇજાનો ડર હોય છે પરંતુ, આવા બાળકો કોઈ પણ જાતના ભય કે ડર વિના બીજા બાળકોથી પણ ઝડપથી ક્યારેક શીખી લે છે. ઘણીવાર ડાઉન સિન્ડ્રોમ કે હાઇપર એક્ટિવ બાળક તોફાની હોય છે જે સામે વાળાને ઇજા પહોચાડી શકે અથવા તો ઝનૂની બની જાય. પરંતુ સ્વિમિંગને કારણે એમના સ્વભાવમાં પણ મેં બદલાવ થતો જોયો છે.

 

જ્યાં સુધી મારું શરીર ચાલશે ત્યાં સુધી મારો આ શ્રમયજ્ઞ કહો કે એક જીદ્દ કહો એ ચાલુ રહેશે. સરકાર કે સંસ્થા આગળ આવે કે ન આવે, કંઈક આવા બાળકો માટે કરે કે ન કરે એની મને ફિકર નથી, હું તો બસ મારુ કામ કરી જાણું.

 

मुकाम वो चाहिए, की जिस दिन भी “हार” जाऊं..
जीत खुद आकर कहे माफ़ करना, मज़बूरी थी..