#351 Sejal Modi Desai, Master chef of Rajkot

By Faces of Rajkot, July 1, 2018

આજના જમાનાની સ્ત્રીને જો તમે કહો કે તારું સ્થાન રસોડામાં છે તો ભાઈ, આગ લાગી જાય અને તમને પણ દઝાડી દે. પરંતુ, પાકશાસ્ત્રને હથિયાર બનાવી જાણે એ રાજકોટીયણ, સેજલ મોદી દેસાઈ. રાજકોટની નમણી નાગરવેલ રસોડું ટીવી પર પણ ગજાવી ચુકી છે.

 

હું નાનપણથી જ રસોઈમાં રસ લેતી, મારી મમ્મીએ મને બેઝિક રસોઈ શીખવી અને પછી હું મારી રીતે એમાં અવનવા પ્રયોગો અને વેરાયટી લાવતા શીખી.


દેશ-પરદેશની અવનવી વાનગીઓ ચપટી વગાડતાં જ બનાવી નાંખું. 2010 થી લઈને 2018 સુધી ટેલિવિઝન પર રસોઈ શો કર્યા, વર્કશોપ, ટ્રેનિંગ, અને પ્રાઇવેટ ક્લાસીસ બધું જ કરી લીધું. હવે શું? એમ અટકી જાઉં તો મારી જિંદગીમાં ચટાકો ક્યાંથી આવે? કંઈક નવું તો લાવવું જ પડે.

 

રાજકોટમાં હું મારા જાતે બનાવેલા રેડી ટૂ ઈટ એટલે કે 2 મિનિટમાં તૈયાર થઇ જતી વાનગીઓ લઇ ને આવી છું. ન સામગ્રી ભેગી કરવાની ઝંઝટ કે ન તો સમય ની માથાકૂટ, જયારે જોઈએ ત્યારે તૈયાર. આ ખાસ કરીને વર્કિંગ વીમેન કે સિંગલ્સ માટે એક સારો વિકલ્પ છે. અડધી રાતે જોબ પર થી આવોને થાકી ગયા હોય પણ કકડીને ભૂખ લાગી હોય ત્યારે ઘર જેવો જ સ્વાદ મળી રહે એ માટે ખાસ ધ્યાનથી તૈયાર થયેલ આ પ્રોડક્ટ ટૂંક સમયમાં જ રાજકોટની માર્કેટમાં આવશે.

 

કોઈ પણ વસ્તુ સર કરવા મહેનત તો લાગે જ એમાં કોઈ શંકા નથી પરંતુ સાથે લાગે છે પરિવાર નો સાથ અને સહકાર. મને ક્યારેય મારા સસરા પક્ષ કે પતિ તરફથી કોઈ પણ જાતની રોકટોક નથી થતી ઉપરથી એમનો પ્રેમ અને સપોર્ટ મળે છે. એજ કારણ છે કે ટીવી, રેડીઓથી લઈને હવે એક બિઝનસ વુમન બનવા જઈ રહી છું. વાડ વિના તો વેલો ન થાય, એનેય ઘરનો ટેકો જોઈએ ઉપર આવવા માટે, એટલે જ રાજકોટને મારે કહેવું છે કે તમારા ઘરની સ્ત્રીઓની ખૂબીઓને અવગણવી નહિ પરંતુ પ્રોત્સાહન આપવું.

 

મનફાવતા અર્થો સુધી લઇ જઇ શકે એ શબ્દ હું,
મારા ફલકને સાવ તારા ગજ વડે માપ્યા નકર.

–પારુલ ખખ્ખર