#352 DJ Akki and Rajkot
By Faces of Rajkot, July 15, 2018
ડી. જે. ની વાત આવે એટલે ધમાલિયું સંગીત અને વિચિત્ર લોકો નાચતા હોય એવું દેખાય, પરંતુ ક્યારેય રાજકોટના ડી.જે. ને મળ્યા છો ?
હું, ધર્મેશ રાઠોડ, મારા સંગીતના તાલે ગુજરાત જ નહિ, મુંબઈ, ગોવા સુધી લોકોને નચાવું છું. લોકો રિલેક્સ થઈને નાચી ઉઠે, બધું ભૂલીને બસ ખોવાઈ જાય એવું સંગીત બનાવીને પીરસું.
રાજકોટમાં હજુ એટલું ક્લબ્સ કે મ્યુઝિકલ નાઈટ્સનું ચલણ નથી પરંતુ, મુંબઈ, અમદાવાદ, ગોવા, પુણે, ક્યારેક સૂરતમાં પણ, ધમાલ કરી આવું છું. લોકો ઘણી વાર પૂછે ખાસ કરીને યંગસ્ટર્સ, કે ડી.જે. કેમ બનવું? કયો સોફ્ટવેર વાપરવાથી ડી.જે. બની જવાય? કેટલા પૈસા મળે? ઘર ચાલે?
આ બધું સાંભળીને ઘણી વાર હસવું આવે અને ક્યારેક દુઃખ પણ થાય કે શું પૈસા જ સર્વસ્વ હશે? પોતાની જીદ્દ, પેશન કે આવડત જેવું કાંઈ જ નહિ? ડી.જે. બનવા માટે મેં કોઈ સોફ્ટવેર નથી વાપર્યો પણ જિંદગીના 12 વર્ષો વાપર્યા છે. જયારે રાજકોટમાં ડી.જે.ના નામે બેન્ડવાજા વાળા રાજકોટના ધોરીમાર્ગો ઉપર ધમાલિયું અને કર્કશ સંગીત વગાડતાં, ત્યારે હું મુંબઈની ક્લબમાં મ્યુઝિક મિક્સ કરતો, નવી ટેકનિકો શીખતો. અને રહી પૈસાની વાત તો, રાજકોટમાં હજી પણ લોકો ડી.જે. પર ડાંડીયાની જ ડિમાન્ડ કરે છે પરંતુ તમને ડી.જે.માટેનું અસલી ક્રાઉડ મેટ્રોમાં જ મળે. એનો અર્થ એ નથી કે રાજકોટમાં મ્યુઝિકની સમજણ નથી. જયારે રાજકોટમાં પ્રોગ્રામ કરું ત્યારે અહીંના લોકોને પસંદ પડે એવું કંઈક વગાડું.
જેમ એટલા વર્ષોથી મ્યુઝિકમાં કંઈક ને કંઈક નવું આવતું અને ઉમેરાતું રહે છે એમ મારા ફિલ્ડમાં પણ અવનવું આવતું જ રહે છે. ક્યારેય બધું આવડે છે એમ માનીને બેસી નથી ગયો. રાજકોટને પણ એજ કેહવું છે કે જો તમને ખરેખર કોઈ ફિલ્ડમાં રસ હોય તો એમાં જ આગળ વધો, અને એવું કરી બતાવો કે દુનિયા તમારી આગંળી પર નાચી ઉઠે.
એક આકાર આપીને જંપ્યો નહિ, હર પ્રસંગે મને એ બદલતો રહ્યો;
ખૂબ વલખાં મેં માર્યાં છટકવાનાં તોય મને ઘડતો રહ્યો ટાંકણે ટાંકણે.
તેં જ સગપણ ને ઇચ્છાઓ આપી પછી સાવ માણસ બધાને બનાવી દીધા;
તારી લીલાનો પરચો છે, નહિતર અહીં સંત જનમ્યા હતા પારણે પારણે.
– અશરફ ડબાવાલા
Related
Recent Comments