#353 Bharatbhai Dudakia, Motivational Speaker

By Faces of Rajkot, July 29, 2018

WhatsApp માં પેલા કેન્સરના સચોટ ઈલાજવાળો મેસેજ તો મળ્યો જ હશે ને? આદુ , લીંબુ, અજમો ને એવું ઘણું મિક્સ કરીને રસ પીવો કેન્સર સદાને માટે જતું રહેશે. એમાં કોઈ ભાઈ નો નંબર પણ આપ્યો હૉય છે જે ક્યારેય લાગતો નથી. અને હોંશે-હોંશે એ મેસેજ ૨૦ જણાને ફોરવર્ડ પણ કરી દીધો હોય અને એ ૨૦ જણાએ બીજાને. એમાં જ WhatsApp વાળાનો ધંધો ચાલે અને આપણે કહીયે કે સમય નથી મળતો.

 

હવે હકીકતની વાત, ભરતભાઈ દુદકીયા, ઉંમર ૬૦ વર્ષ પણ એક ૨ વર્ષના બાળક જેવું કાલું ઘેલું બોલું, કારણ? અડધી જીભ કેન્સરને કારણે કપાવી પડી. મોટિવેશનલ સ્પીકર અને બોડી લેન્ગવેજ ઇન્સ્ટ્રકટર, બોલવું જેમનું મુખ્ય કામ અને આજીવિકાનું સાધન હોય ત્યાં જીભ વિના કેમ ચાલે? ડોકટરે ઓપેરેશન પહેલા જ કહી દીધું કે હવે આ બોલી નહિ શકે. એજ ઓપરેશન પછી મેં પહેલો શબ્દ એમને લખીને આપ્યો ” Thank you ” અને નીચે લખ્યું કે ૬ મહિનામાં હું તમને બોલીને બતાવીશ. આજે ૨૦૦ થી ૨૦૦૦ સુધીના શ્રોતાઓ વચ્ચે બબ્બે કલાક બોલીને માત્ર ૪૫% બચેલી જીભથી સતત પ્રેરણા પુરી પાડું છું.

 

મારા પિતાજી દરજીકામ કરતા રોજના ૮ રૂપિયા કમાતા અને હું નિશાળે જતો ત્યારે દસમા ધોરણમાં પરીક્ષાની ફી ભરવાની થઇ. ૧૨૫ રૂપિયા. નિશાળે જવાનું છોડી દીધું. એક મિત્રએ પૂછ્યું કે પરીક્ષા નજીક છે નિશાળે કેમ નથી આવતો? ત્યારે માત્ર રડી પડાયું. ચોધાર આંસુમાં બાપુજીની કમાણી, ભણવાની લાલસા અને ફી ન ભરી શકવાની લાચારી બહાર આવી ગઈ. એ મિત્રએ એમના બાપુજીને વાત કરી અને મારી ફી ભરાઈ ગઈ. એ પછી ભણીને ગ્રેજ્યુએટ બન્યો, પૈસા કમાયો, મોટિવેશનલ સ્પીકર બન્યો ,પરંતુ, એ ૧૨૫ રૂપિયા પરત કરવા જેટલું ક્યારેય નથી કમાઈ શક્યો. એ ૧૨૫ રૂપિયા ન હોત તો હું આજે આ જગ્યાએ ન હોત. એ પૈસાનું મૂલ્ય કે ઋણ ઉતારવાનું મારુ ગજું નથી એ મારી જિંદગીથી પણ ઉપર છે.

કેન્સરને લગતા કોઈ પણ મેસેજ મને ફોરવર્ડ કરે એટલે પહેલું કામ એને ડીલીટ કરવાનું કરું અને પછી એ વ્યક્તિને ફોન કરીને એમને પણ ડીલીટ કરાવું કેમ કે એ બધું કેન્સર પહેલા કદાચ કામ લાગી શકે પણ પછી તો માત્ર અને માત્ર આપણું સાયન્સ જ મદદ કરી શકે. અને આજે આપણું મેડિકલ સાયન્સ એટલું સક્ષમ થઇ ગયું છે કે કેન્સરનો ઈલાજ પણ કરી આપે છે. લોકો કેન્સર નું નામ પડતાં હેબતાઈ જાય. હું અને મારી પત્ની એવા લોકોને ઘેર જઈએ, એમને પોઝિટિવ વિચારો આપીએ અને જિંદગી જીવવા માટે મોટીવેટ કરીયે. ઘણીવાર સગાં-સંબંધી કેન્સર પીડિત વ્યક્તિને જોવા જતા હોય ત્યારે એમના દુઃખમાં ઉમેરો કરીને આવતા હોય કે કેન્સરમાં એવું થાય ને અમારા પેલા ભાઈને આમ થઇ ગયુંઅને રડારોળ પણ કરે. અરે ભાઈ હજી જીવતા છે. શું કામ એવું કરવું?

કોઈને સારા શબ્દો ન કહી શકીયે તો ખરાબ તો ન જ કહેવા. મારી જિંદગીમાં એટલા વાવાઝોડા પછી પણ હું અડીખમ ઉભો છું એ પોઝિટિવ થીંકીંગ નું ઉદાહરણ છે. કેન્સરના ઓપેરશન પછી પહેલી વાર ૨૦૦ વિદ્યાર્થીઓની વચ્ચે બોલવા જતા પહેલા ઘણા લોકોએ મનાઈ કરેલી કે મજાક ઉડાવશે, નહિ બોલાય, જો એમની વાત માનીને બેસી રહ્યો હોત તો આજે તમને આ વાત ન કહેતો હોત. મુશ્કેલીઓ તો બધાના જીવનમાં હોય છે, લડતા રહેશો તો અને તો જ ઉપર આવશો બાકી માણસો આખી જીભ હોવા છતાં આવી ને જતા રહે તો દુનિયાને ન તો ખબર પડતી કે ન તો કોઈ ફરક પડતો.

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના

– અમૃત ઘાયલ

— with Bharat Dudakia.