#354 Nikhil Patel

By Faces of Rajkot, August 12, 2018

એક સરળ સાદી કોઈ ને પણ જાણ કર્યા વિના જીવી જવાતી જિંદગી અને એક મસાલાથી ભરપૂર જીવાતી જિંદગી વચ્ચેનો તફાવત સમજવો હોય તો નિખિલ પટેલને જાણો. સમી સાંજે શેરીની ડેલીને ટેકો દઈને વાત કરતા લોકો સાંભળ્યા હશે કે “મને તો શ્વાસ લેવાનોય સમય નથી” પણ, પોતાના શોખ કે ગમતું કરવા માટે તો સમય ફાળવવો પડે.

નિખિલ પટેલ, માત્ર ૨૫ વર્ષની ઉંમરે પોતાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું અને પોતાની સાથે બીજા લોકોની જિંદગી પણ વણી લીધી. રાજકોટની આત્મીય કોલેજમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ગુજરાત યુનિવર્સીટી માં ત્રીજો રેન્ક આવ્યો અને પોતાનો બિઝનેસ શરુ કરવામાટે મૂડી જમા કરવા માટે ટ્યૂશન શરુ કર્યા. રાજકોટ ડિજિટલ માર્કેટીંગ નામની એજન્સી શરુ કરી અને રાજકોટમાં ઓનલાઇન માર્કેટિંગ, ડિજિટલ મીડિયા માર્કેટિંગ શરુ કર્યું. હવે એમ થાય કે રાજકોટમાં તો રોજ હજારો માણસો પોતાનો બિઝનેસ શરુ કરતા હશે એમાં મસાલાવાળી જિંદગી શું?

હું રાજકોટના વિદ્યાર્થીઓને ફ્રી ડિજિટલ કોન્ટેન્ટ સર્વિસ આપું છું જે એમના પ્રોજેક્ટમાં મદદ રૂપ થાય છે. “માસ્ક સર્વર” નામનું એક ગ્રુપ છે જે રજાનાં દિવસોમાં રાજકોટના રિમોટ વિસ્તારોમાં જઈને બાળકોને કપડાં અને જમવાનું આપે છે. ઉપરાંત, ગુજરાતી મીડીયમ સ્કૂલ માટે સરળ રીતે અંગ્રેજી શીખવા માટેનો પ્રોગ્રામ કોઈ પણ જાતની ફી લીધા વિના તૈયાર કર્યો છે જે વિધાર્થીઓ તેમજ શિક્ષકોને ખુબ જ મદદરૂપ થાય છે. જલ્દી જ રાજકોટમાં મધરહૂડ નામની પ્રિ-સ્કૂલ શરુ કરી છે જેમાં એક વિધાર્થીના ખર્ચે બે વિધાર્થીઓ ભણી શકે. આ એક નવો કોન્સેપટ છે.રાજકોટમાં અલગ અલગ જગ્યાએ જઈને “બૂક ટોક” એટલે કે કોઈ એવી બૂક હોય જે બીજી ભાષામાં હોય જેમ કે અંગ્રેજી અને તમને અંગ્રેજી ના આવડતું હોય કે આખી બૂક વાંચવાનો સમય ના હોય તો કોઈ બુકનો મર્મ સમજાવે એને કહેવાય “બૂક ટોક”. આ કામને સમય અને ધીરજ બંને ની જરૂર પડે છે. મારી વેબસાઈટ પર જોશો તો આ ઉપરાંત તમને પેઇન્ટિંગ થી લઈને ટ્રેકિંગ, હેલ્પએજ ઈન્ડિયાથી લઈને ગ્રીન ઓલિમ્પિયાડ જેવા અનેક સર્ટિફિકેટ્સ ની ભરમાર છે. અમેઝોનમાં મારી 5 બુક્સ છે, મારો પોતાનો બ્લોગ્સ છે અને યુટ્યુબ પર મિલિયન વ્યૂઅર્સ પણ છે.

આને કહેવાય જિંદગી નો મસાલો, સ્વાદથી ભરપૂર અને ક્યારેય પણ પાછુંવાળીને જુઓ તો સંતોષ અને અમીનો ઓડકાર આવે જ આવે. બાકી સમય નથી એવી ફરિયાદો કરતા લોકો મોબાઈલ ઉપર 4-5 કલાક વેડફી નાખતા પણ જોયા છે. નવું કરવાની લ્હાય નથી જે જૂનું ને જાણીતું છે ચાલો પહેલા એ કરી લઈએ.