#356 RTI and Adv. Shailendrasinh Jadeja

By Faces of Rajkot, August 28, 2018

ગાજરની પિપૂડી સાંભળ્યું છે ક્યારેય? વાગે ત્યાં સુધી વગાડો અને પછી ખાઈ જાઓ, એવું જ કંઈક હતું જ્યાં સુધી આર.ટી.આઈ. લાગુ નહોતું થયું.


રાજકોટ પાસેનું બેટી ટોલનાકું યાદ છે ? રાજ્ય અને કેન્દ્ર સરકાર ની વહીવટી બેદરકારી ને લઈ ઉભું થયેલ ટોલ નાકુ સતત ૫૭ દિવસ સુધી દિવ્યભાસ્કરની મદદથી આર.ટી.આઈ. વડે એ ટોલનાકું બંધ કરાવ્યું. કોઈ પણ જાતના આંદોલન કે ગોકીરા વિના જ ફક્ત આર.ટી.આઈ.ની મદદથી આ કામ શક્ય બન્યું.

આર.ટી.આઈ.ની તાકાત વિષે જાણવું હોય તો મળો એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજાને, ખાસ કરીને યુવાનોને આર.ટી.આઈ. માટે પ્રેરિત કરે છે જેથી એમને એમના સવાલોના જવાબ સરકાર પાસેથી મળી શકે. બામણબોરના ટોલનાકા ઉપર આર.ટી.આઈ. કરી ત્યારે એમણે ૨૦૦૪નો ટ્રાફિક ફિગર અને ૨૦૧૪નો ટ્રાફિક આકડા ખુબજ નજીકના દર્શાવ્યા ટ્રાફીકતો બમણો થયો પંરતુ સરકારની આવક કેમ ન વધી ? આર.ટી.આઈ.ની મદદથી આ ભોપાળું બહાર આવ્યું અને કાર્યવાહી થઇ. દિવ્ય ભાસ્કરએ એમાં મહત્વનો ભાગ ભજવેલો.

 

વાંકાનેરના રતનપર ગામડેથી એક વૃદ્ધનો પાત્ર આવ્યો કે એમનું પેન્શન નથી આવતું, રાતનપરથી એ બિચારા ૫-૬ વખત બેંકોમાં અને સરકારી કચેરીઓમાં ચપ્પલ ઘસી આવ્યા પરંતુ કોઈ જવાબ ન આપે. બેન્ક કહે કે પેન્શન નથી આવ્યું અને સરકારી ચોપડે પેન્શન મળે છે એવો જવાબ. આર.ટી.આઈ. કરી અને ડિટેલમાં જવાબ આવ્યો કે આ વ્યક્તિના આ બેન્ક એકાઉન્ટમાં આટલા પૈસા જમા થાય છે. એ ભાઈને ખ્યાલ જ નહોતો કે બીજા એકાઉન્ટમાં પૈસા જમા થઇ રહ્યા છે. એક નાની અમથી વાત અને બિચારા 82 વર્ષના ભાઈ કેટકેટલા હેરાન થયા. જવાબ આપવા કોણ નવરું છે? આર.ટી.આઈ. છે ને.

 

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી માં પહેલા વિધાર્થીઓને આર.ટી.આઈમાં તપાસેલી ઉતરવહીઓ આપવામાં આવતી ન હતી જ્યારે રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ તપાસેલી ઉતરવહીઓઓના રુપિયા ૫૦૦ થી ૧૦૦૦ વસુલતી હતી જ્યારે પેપર રિએસેસમેન્ટના વિધાર્થીઓ પાસેથી પર સબ્જેક્ટ ૨૫૦ રૂપિયા લેવામાં આવે . હવે જો પેપર રિએસેસમેન્ટમાં ભૂલ નીકળે તો વાંક કોનો ? વિદ્યાર્થીઓએ ૨૫૦ રૂપિયા શું કામ આપવા? એમાં તો પેપર ચેક કરવાવાળની ભૂલ છે તો પેનલ્ટી વિદ્યાર્થીઓને શું કામ? વર્ષ-૨૦૧૬ માં આર.ટી.આઈ. કરી તો ખબર પડી કે એન્જીનીરીંગના અંદાજે ૨૭,૦૦૦ અને એમ.બી.એ.ના અંદાજે ૫૦૦૦ વિદ્યાર્થીઓએ રિએસેસમેન્ટ માટે અરજી કરેલી જેમાંથી મળતી રેવેન્યુનો હિસાબ કરોડોમાં જાય. હવે રીએસેમેન્ટમાં પાસ થનાર વિધાર્થી કેટલા ? તેના જવાબમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીની અનેક બેદરકારીઓ બહાર આવી હતી અને તો બીજી બાજુ વિદ્યાર્થીઓના પેપર તપાસનારની ભૂલ હોય એવા કેટલા ? એની આર.ટી.આઈ. કરી તો જાણવા મળ્યું કે માત્ર દસ પેપર તપાસનાર પર કાર્યવાહી થઇ. ફરીથી આર.ટી.આઈ.ની મદદથી અરજીઓ અને ફરિયાદ કરી. પરિણામ એ આવ્યું કે ઉત્તરવહીની કોપી આપવાના જે ૭૫૦ રૂપિયા હતા એમાંથી ૧૦૦ રૂપિયા થઇ ગયા.

 

આર.ટી.આઈ.એ આજના યુવાનો માટે ખાસ કરીને બહુ જ આગવું હથિયાર છે કોઈ જાતના ઉપવાસ, આંદોલન કે ધરણા કરવાની જરૂર નથી. માત્ર એક સામાન્ય અરજી કરો અને સરકારે તમને જવાબ આપવો જ રહ્યો. અરજી કેવી રીતે કરવી, ક્યાં કરવી, શું ન કરવું એના વિષે એક બુક છે જે હું લોકો ને વહાર્ટસપ પર મોકલતો રહું છું.

 

એક ભાઈને એમના પિતાજી એસ.ટી.માં નોકરી કરતા હતા ને અવસાન થયું. એમની નોકરી એના દીકરાને મળવી જોઈએ પરંતુ એમની ફાઈલ વર્ષો સુધી કચેરીઓમાં ધૂળ ખાતી રહી. એ મારી પાસે આવ્યો અને મેં એને આર.ટી.આઈ. સમજાવ્યું. એને આર.ટી.આઈ. અરજી કરી કે આવા કેટલા લોકો છે એની માહિતી આપો જે એના માતા પિતાના અવસાન બાદ નોકરી મળવાની રાહ જોતા હોય, આર.ટી.આઈ.માંથી તરત જ લિસ્ટ સાથે જવાબ મળ્યો, એ ભાઈએ એ બધાનો કોન્ટેક્ટ કરીને ગ્રુપ બનાવ્યું અને ગાંધીનગરમાં અભિયાન ચલાવ્યું, એ ભાઈની સાથે બીજા બધાની ફાઈલો પણ ખુલવા મંડી.

 

હવે એવું ન સમજવું કે બધા સરકારી લોકો ખરાબ જ હોય, પ્રામાણિક અને પારદર્શી લોકો પણ ખરા, જે તમને માહિતી પુરી પાડે છે અને કામ પણ કરે છે. આર.ટી.આઈ. લાવનાર સરકાર ખુબ વગોવાયેલી શ્રી મનમોહનસિંઘ સરકાર હતી એને ઓનલાઇન કરનાર પણ શ્રી મનમોહનસિંઘ સરકાર જ હતી. ઘણીવાર આપણું કામ ન થતું હોય તો સીધે સીધા નેતાઓને કે સરકારને ભાંડતા હોઈયે છીએ પરંતુ એ નેતાને તો તમારી વાત ની જાણ પણ નથી હોતી. એનો જવાબ છે આર.ટી.આઈ. જેની મદદથી તમે કોઈને પણ સીધો સવાલ કરી શકો. કોઈ વ્યક્તિ, ખાતા કે સરકારની વાત નથી પરંતુ એ ખુરશી પર જે કોઈ પણ બેસે એનાથી કામ છે. એ પછી મોદી સરકાર હોય કે મનમોહનસિંઘ સરકાર, આપણું કામ નિયમ અનુસાર થતું રહેવું જોઈએ.

 

શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો,
એ જ એનો અર્થ છે, સમજાય તો.
પ્રશ્ન છે તો ,ઉત્તરો એના હશે,
સાવ સીધો તર્ક છે, સમજાય તો.

– ઉર્વીશ વસાવડા