#358 Brave lady

By Faces of Rajkot, September 23, 2018

સ્ત્રીનો અહીં એક જુદો જ મિજાજ જોવા મળે છે. કોઈ તકરાર, ફરિયાદ કે નારીવાદનો ઝંડો નથી. સ્ત્રી-પુરુષની સમાનતાનો અહીં મુદ્દો નથી. વાત પ્રેમની છે, સ્ત્રી તરફથી છે, પણ પૂરી ખુમારી અને જોશ સાથે છે. હમણાં જ રક્ષાબંધન ઉજવી નાખી, બહેનને સરસ મજાની ગિફ્ટ આપી અને બહેન પણ સાતમા આસમાને કે ભાઈ છે પછી શું?

 

પણ, ભાઈ ના હોય તો? અચાનક ભાઈ દુનિયા છોડી દે તો? એક બહેન શું કરે? મૂંઝવાઇ ગયા, શું જવાબ આપવો? જડબાતોડ જવાબ આપે છે સુમન રામચંદ્રન. મૂળ મહારાષ્ટ્રની અને રાજકોટના મેળામાં મોતના કુવામાં જ મોતને હંફાવે છે. આપણે તો 15-20 મિનિટ નું મનોરંજન થાય ને વાહ વાહ નીકળી જાય પરંતુ એ 15-20 મિનિટ સુમનની જિંદગી અને મોત વચ્ચેની બારીક રેખા હોય છે.


ભાઈ નું મૃત્યુ થયું અને સુમન પર ભાઈ ના બાળકોની જવાબદારી આવી ગઈ. ધારે તો પોતાની જિંદગી બનાવી શકે, બાળકોને કોઈ અનાથાશ્રમ કે ભગવાન ભરોસે મૂકી ને પોતે પોતાનો સંસાર માંડી લેત. પણ, આ તો બહેનનું હેત, ભાઈના જ બાળકોની મા અને બાપ બની ને જાળવણી કરે છે. ઓછું ભણેલી હોવાથી બીજું તો શું કરવું પણ આ કામ હાથ લાગ્યું એમાં જ લાગી ગઈ.

ભાઈ ના બાળકોને ક્યારેય ખોટ નથી પાડવા દીધી અને એને આ દુનિયા થી અલગ રાખ્યા છે કે એ ભણીગણી ને આગળ વધે. એમને મારા જેવું કામ ન કરવું પડે. સારા ઘરના લોકો તો ભાવ ની દ્રષ્ટિ રાખે છે પણ, મેળામાં તો પચરંગી લોકો આવે, અભદ્ર ભાષા પણ બોલે. સિસકારા, સિસોટી આ બધું રોજીંદુ બનતું જાય છે અને એક સમય એવો આવે છે કે તમે એને ગણકારતા પણ નથી. હા! હિમંત હોય તો મારી સાથે મોત ના કુવામાં ઉતરી બતાવે. એક જ પળમાં સીટી ને સિસકારા બંધ થઇ જાય!

પણ, જેમ મેં કહ્યું કે સારા લોકોની સંખ્યા વધારે છે, જે તમને સન્માન આપે છે અને જેની આંખોમાં કોઈ ત્રાજવા નથી જે સ્ત્રી અને પુરુષની કાબેલિયતને તોળતા જ રહે.

ચાલો, સાંજે મળ્યા ત્યારે લોકમેળામાં, જો મળવાનું થાય તો લાચારી કે લાગણી સહ નહિ પરંતુ આંખોમાં આંખ નાખી ને જ વાત કરવી, મને ગમશે.

જીત નક્કી હોય તો “અર્જુન” કોઈ પણ બની શકે સાહેબ,
પણ જ્યારે મૃત્યુ નક્કી હોય ત્યારે “અભિમન્યુ” બનવા માટે તો સાહસ જ જોઈએ !!

Faces Of Rajkot thank Nirav Mehta and Utsav Pandya for the inputs.