#360 Parakh Bhatt, the youngest columnist of Rajkot

By Faces of Rajkot, October 14, 2018

કલાકે ૧૪૦ કિ.મી. કાપી નાંખતી રાજધાની એક્સપ્રેસ અચાનક ફંટાઈને મુંબઈને બદલે દિલ્હી જવા નીકળી પડે તો કેવું થાય? હાહાકાર મચી જાય ખરું ને!

એવુજ કૈક થયું મારા જીવનમાં, પરખ ભટ્ટ દસમા ધોરણમાં ૯૮ અને બારમામાં ૯૦ પેર્સેન્ટાઈલ સાથેનો ટોપર છોકરો એન્જીનીરીંગમાં પણ ગયો પરંતુ કરીઅર બની છે એક ગુજરાતી લેખક તરીકે ની. એક અલગ જ વ્યક્તિત્વ નિખરી આવ્યું અને આજે યંગેસ્ટ કોલમિસ્ટ તરીકેની કરીઅર પર મને ગર્વ છે. ૨૨ વર્ષની નાની ઉંમરે સાંજ સમાચાર, ગુજરાત ગાર્ડિયન, ફૂલછાબ, રાજકોટ મિરર અને ફીલિંગ્સ (ઇન્ટરનેશનલ ગુજરાતી મેગેઝીન)માં સ્થાન મળી શકે એ વાત પહેલા તો સાવ કલ્પના બહારની છે.

 

આ કેવું રીતે બન્યું? ૧૯ વર્ષની ઉંમરે મણકાની ગાદી ખસી ગઈ. બધા સપના મૂળ સોતા ઉખડી ગયા હોય એવું લાગ્યું, આશા અને અરમાનો કાચનાં હોય એમ તૂટી ગયા.. સામાન્ય રીતે આ મોટી ઉંમરમાં થાય પરંતુ કદાચ ઈશ્વરને મારામાં વધુ મેચ્યોરિટી દેખાઈ હશે, જે ભવિષ્યમાં સાબિત પણ થયું. ઓપેરશન બાદ ત્રણ મહિનાનો કમ્પ્લીટ બેડ રેસ્ટ અને મારી ઉંમરમાં લોકો ઓનલાઇન ચેટ કે વોટ્સએપમાં ટાઈમ બગાડીને, વિડિઓ, ફિલ્મો જોઈને બે મહિના તો શું, બે વર્ષ કાઢી નાંખે. પરંતુ મારા દુઃખના ભાગીદાર બન્યા એક ડાયરી અને પેન. ઘણા લોકો એમના જીવનમાં કશુંક બનવાની રાહ જોતા રહે છે અને એમાં જ આખું જીવન વીતી જાય છે. તેઓ કશુંક પણ શરૂ કરતાં પહેલાં સામે દેખાતી પડકારભરી પરિસ્થિતિનો જ વિચાર કર્યા કરે છે. કહેવાયું છે કે વાવાઝોડું પસાર થઈ જવાની રાહ જોયા વિના કશું વળવાનું નથી, વાવાઝોડાની સાથે વરસતા ધોધમાર વરસાદમાં નાચતાં-ગાતાં શીખી લઈએ તો જીવન જીવવાનો યોગ્ય માર્ગ મળે.

 

મેં આર્ટિકલ લખવાનું શરુ કર્યું અને મારા બેડ રેસ્ટનાં અંતે મારી પાસે હતા ૪૫ આર્ટિક્લસ. એ લઈને હું ઘણા પબ્લિશર્સ પાસે ફર્યો પરંતુ અડધાથી ઉપરના એ તો મારી ૧૯ વર્ષની ઉંમર જોઈને જ અભિપ્રાય બાંધી લીધો કે આને શું ખબર પડે! લેખનમાં ઉંમર કરતા વધુ અભિવ્યક્તિ જરૂરી હોય છે એવું મારુ માનવું છે. સાંજ સમાચારના પ્રખ્યાત લેખક જગદીશભાઈ મહેતા સાથે મુલાકાત થઇ અને એમણે મારા આર્ટિક્લસ અને અભિવ્યક્તિની કદર કરીને સાંજ સમાચારના તંત્રી કરણભાઈ શાહ સાથે મુલાકાત કરાવી. અને ત્યારથી શરુ થઇ મારી પ્રથમ કોલમ: ‘તેજીને ટકોર’. આ કોલમ એટલી તો પ્રસિદ્ધિ પામી છે કે આજે એની રીતસર રાહ જોવાય છે.

 

દરેક વ્યક્તિના જીવનમાં અડચણો આવે એ સ્વાભાવિક હોય છે, એમાંથી બહાર નીકળવું એટલું મુશ્કેલ પણ હોતું નથી. લાગે છે તો પહાડ અને ખીણ જેવી પરંતુ, આપણે ખીણમાં એટલા નીચે ઊતરવું ન જોઈએ કે શિખર હોય તેનાથી વધારે ઊંચું લાગે અને એટલા ઉપર પણ ચઢવું જોઈએ નહીં કે ખીણ વધારે ઊંડી લાગે.

 

– યાદ નથી આવતું પણ કોઈએ તો લખેલું છે….

 

રગરગમાં તોફાન થયું છે, ત્યારે થોડું ભાન થયું છે,
અધકચરી આ ઊંઘની વચ્ચે, સપનું બહુ હેરાન થયું છે.