#361 Jay Dave

By Faces of Rajkot, October 21, 2018

રાજકોટની માટીના કણ જયારે એની મીઠાશ વેરે છે ત્યારે ખરેખર અધભૂત અનુભવ મળે છે. એ પછી સંગીત હોય, ગાયકી હોય કે પછી મારા જેવી ઉગતો ચિત્રકાર. કહે છે ને કે “ઉગે એને કોઇ નો પુગે..”

 

હું જય દવે, આત્મીય કોલેજમાં સિવિલ એંજિનીએરીંગ પૂરું કર્યું છે અને મને લાઈવ પેઇન્ટિંગ નો બહુ જ શોખ છે. લાઈવ પેઇન્ટિંગ એટલે કોઈ પણ જાત ની તૈયારી વિના કે સ્કેચ બનાવ્યા વિના સામે બેસીને સીધે સીધું બ્રશ અને રંગોથી ચિત્ર તૈયાર કરવું. કોઈ પણ જાતની ટ્રેનિંગ કે કોચિંગ લીધા વિના જ મારી રીતે શીખવાની શરૂઆત કરી. પરંતુ, જયારે શરૂઆત કરેલી ત્યારે ઘણા કડવા અનુભવો થયેલા, લોકો તરત ઉતારી પાડે, ખામીઓ શોધે.

 

પણ, જયારે મન બનાવી જ લીધું છે તો આવા માણસોથી શું ફરક પાડવાનો? જો મારી ભૂલ શોધવાનું કહું તો જોશમાં આવી જાય અને જો હાથમાં પીંછી પકડાવીને કહું કે ભૂલ સુધારી બતાવો તો હાલત જોવા જેવી થાય. પીંછીની સાથે મોં પણ પડી જાય. રાજકોટને પણ એટલું જ કહીશ કે કોઈ પણ કલાકાર ઉગતો હોય તો એને ડામી દેવાની જરૂર નથી, ફક્ત તમારા બે સારા શબ્દો એને આગળ આવવા માટે ખૂબજ પ્રોત્સાહિત કરી શકે છે.

 

ચારકોલ, ડાર્ક પેન્સિલ, આર્ટ, ફેબ્રિક, એક્રેલિક, ઓઇલ પેઇન્ટિંગ ,રંગોળી બધા પર હાથ અજમાવ્યો છે અને તમે એક વાર મારા ચિત્રો જોશો તો ના નહિ જ કહી શકો. હું કોઈ ને ખુશ કરવા કે પછી પૈસા માટે નથી કરવા માંગતો પરંતુ હું પેઇન્ટિંગ કરું છુ કેમ કે એ મને ગમે છે, એ મારો યોગ-સાધના છે જેનાથી મને શાંતિ અને ઉર્જા મળે છે.

 

મીઠાશ વગરની મોટપ શું કામની?
દરિયાના નસીબમાં પનિહારી નથી હોતી!