#362 Kunal Pandya and Ncrypted Technologies

By Faces of Rajkot, November 4, 2018

હમણાં જ સમાચારમાં વાંચ્યું કે રાજકોટના જ ત્રણ વિદ્યાર્થીઓએ વડાપ્રધાન ઓફિસમાં ફરિયાદ કરી કે રાજકોટની કોલેજ તગડી ફી વસૂલવા છતાં સારી ક્વાલિટીનું ભણતર પૂરું પાડતી નથી, પી.એમ.ઓ.થી ગુજરાત સી.એમ. ઓફિસ અને ત્યાંથી રેલો પહોંચ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સુધી. ફરિયાદ રીતસર ની ઓન પેપર આવી અને કાર્યવાહી થઇ. વીસ હજારની માતબર ફી લેતી કોલેજ માં માત્ર 4 પ્રોફેસર 8 વિષયો ભણાવતા.

 

ચાલો એક વાર માની પણ લઈએ કે ફી ઓછી હોય કે ફ્રીમાં પણ ભણાવે તો પછી શું? આ વિધાર્થીઓ જયારે બહાર પડે ત્યારે એમને નોકરી મળવાની શક્યતાઓ કેટલી? મલ્ટીનેશનલ કંપનીઓમાં રાજકોટના આ સ્ટુડેંટ્સ ઇન્ટરવ્યુ દેવા જાય તો એની શું હાલત થાય?

 

હું કુણાલ પંડ્યા, જયારે આજ થી બાર વર્ષ અગાઉ સ્ટાર્ટઅપ સોફ્ટવેર કંપની રાજકોટમાં શરુ કરી ત્યારે મારી પાસે કોઈ એમ્પ્લોયી જ નહોતા, અને જે મળતા, એની હાલત આ હતી. માટે જ મારી કંપનીમાં પસંદ કરાયેલ કર્મચારીને ત્રણ મહિનાની ફરજીયાત ટ્રેનિંગ અપાવીએ, એનો પાયો મજબૂત કરીએ અને એમને એ શીખવીએ જેની માર્કેટમાં ડિમાન્ડ છે. જી.ટી.યુ. ના આઈ. ટી. ના કોર્ષમાં એક પણ વિષય એવો નથી જે આજના જમાનાની ડિમાન્ડ પુરી કરી શકે. જે ખોબા જેટલું શીખવીને વિદ્યાર્થી બહાર આવે એ બહાર દરિયો જોઈને જ હિંમત હારી જાય. આજ થી પાંચ-દશ વર્ષ અગાઉની ટેક્નોલોજી આજે એન્જીયરીન્ગ માં ભણાવાય છે. જેનો કોઈ જ ઉપયોગ નથી.

 

રાજકોટમાં આઈ.ટી. ફ્રેશર ને નોકરી મેળવવી એટલે જ મુશ્કેલ બને છે. અમારી કંપની, NCrypted Technologies , એ નવી શરૂઆત કરી છે. રાજકોટની કોલેજો સાથે મળીને શોર્ટ ટર્મ કોર્ષ બનાવ્યા છે જેનાથી સ્ટુડન્ટ્સને આજના જમાનાની ટેક્નોલોજી નો પરિચય થાય એ લોકો જયારે કોલેજ પુરી કરે તો એમની પાસે ડિગ્રી સાથે નોલેજ પણ હોય. ડિગ્રી કે સારા માર્ક્સ તમને ખાલી ઇન્ટરવ્યુ સુધી પહોચાડી શકે, પરંતુ ઇન્ટરવ્યૂ એજ પાર કરી શકે જેની પાસે નોલેજ હોય.

 

ભણતરની ગુણવત્તા ઉપર ભાર દેવાની જરૂરિયાત એક આઈ.ટી. કંપનીને શું કામ પડી? પ્રોફેશનલ એમ્પ્લોયી જ એક કંપનીને સાચો અને સારો ગ્રોથ અપાવી શકે છે. જેની સાબિતી છે અમારા દેશ-વિદેશમાં મળેલા કવોલિટી માટેના એવોર્ડ્સ. જિનેવા, લંડન, વિયેનામાં પણ આ રાજકોટની કંપની ડંકો વગાડીને એવોર્ડ્સ લઇ આવી છે અને કારણ માત્ર અને માત્ર એક જ છે, ‘કવોલિટી’.

 

આવી બેઝિક વસ્તુઓ પર રાજકોટમાં સ્ટ્રગલ કરવી પડે છે જયારે મારી કંપની દેશ-વિદેશમાં કામ કરી રહી છે. અને વિદેશ જ શું કામ? રાજકોટની બરાબર એવા શહેર પુના ની જ વાત કરીએ તો ત્યાં અને અહીં ના ભણતરમાં કેટલો તફાવત છે. આ વસ્તુ અત્યંત જરૂરી છે અને તત્કાલ બદલાવ માંગે છે. એના ભવિષ્યના પરિણામો જોવા જઈએ તો નઝર પણ ન પહોંચે. રાજકોટમાં એમ્પ્લોયી બહારથી લાવવા પડે, રાજકોટ ના જ લોકોને નોકરી ન મળે, એમને બહાર જવું પડે,ભણતર અને ડિગ્રી હોવા છતાં બીજા કામ કરવા પડે, કે પછી ઓછા પગારમાં નોકરી કરવી પડે.

 

રાજકોટમાં કંપની સ્થાપી ત્યારે ખબર તો હતી જ પરંતુ એમ હાર સ્વીકારી લઈએ તો રાજકોટ આજે આ લેવલ પાર ન જ પહોંચ્યું હોત, વિકાસ ધીમો છે એમાં ના નહિ પરંતુ થશે એમાં પણ ના નહિ. કદાચ અમદાવાદ ની કક્ષામાં રાજકોટ 10 વર્ષ પાછળ હશે પરંતુ હંમેશા થોડા પાછળ રહીશું?

 

Kunal Pandya

https://www.ncrypted.com/kunal-pandya