#363 Tirthraj Sinh Zala and his art
By Faces of Rajkot, November 11, 2018
સૌથી વધુ પૂછાતો પ્રશ્ન જો ભારતમાં હશે તો એ હશે “દસમાં ધોરણ પછી શું કરવું? સાઇન્સ, આર્ટસ કે કોમર્સ?”
બંને કરવું હોય તો?
હું તીર્થરાજસિંહ ઝાલા, સાઇન્સ તો કર્યું કારણકે એમાં પણ રસ ખરો, પરંતુ નાનપણથી જ રંગો અને પીંછી સાથે દોસ્તી. જો કે આર્ટવર્ક શરુ કર્યું રાધાકૃષ્ણ ના પેઈન્ટિંગ્સ થી, એ પણ ફક્ત ૫ વર્ષ પહેલા અને તમે અત્યારે મારુ પેઈંટીંગ્સ જોશો તો તમને ઘણો જ પ્રોગ્રેસ જણાય. શોખ હોય તો પછી શું ફર્ક પડે કે તમે સાઇન્સ કર્યું છે કે કોમર્સ? તમને જે ગમતું હોય એના માટે તમારે સમય ફાળવવો જ રહ્યો.
“જબ વી મેટ”માં શાહિદ કપૂર એનો બિઝનેસ મૂકીને પણ ગિટાર વગાડવા બેસી જાય છે કારણ એટલું જ કે એ શોખ છે. બાકી સમય નથી મળતો એવું કહેનારા હંમેશા દોડતા જ રહેવાના. મારા પેઈંટીંગ્સ દેશ-પરદેશ પ્રદર્શન માટે જાય છે પરંતુ મેં ક્યારેય વેંચવાની ખુબ કોશિશ નથી કરી અને કરીશ પણ નહિ. જો કોઇને ગમે અને ખરીદે તો ક્યાં કઈ વાંધો છે.
ઓનલાઇન ખરીદ વેંચ માટે ઘણા જ મળી રહે છે પણ મેં ક્યારેય વ્યવસાયિક માનસિકતા સાથે કોઈ પેઈંટીંગ્સ બનાવ્યા જ નથી. એ મને પસંદ છે એટલે કરું છું બાકી રોજગારી માટે તો ફાર્માસ્યુટિકલ કંપનીમાં સારી જોબ છે.
રાજકોટને જરૂરી વાત કહેવી છે કે મોબાઈલમાં સમય જેટલો બગાડશો એટલો ઓછો પડશે પરંતુ એમાંથી એકાદ કલાક ક્રિએટિવ વર્ક પાછળ ખર્ચશો તો આગળ જતા ઘણો જ ફાયદો થશે. જોજો એવું ન બને કે ક્યારેક કબાટના ખૂણામાં પડેલી કોઈ ગિટાર, વાંસળી, કોઈ અધૂરી લખાયેલી કવિતા,કે વણલખાયેલી વાર્તા કે કોઈ રંગો અને પીંછી તમને જોઈને હસી પડે અને કહે કેમ બહુ ઉતાવળ હતી મોટા થવાની?
Related
Recent Comments