#364 Narendra Nitu Ziba, General Manager of Phulchhab News Paper

By Faces of Rajkot, November 25, 2018

એકાદ મર્ડર, ચોરી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિના સમાચાર નહિ છપાય તો ચાલશે પરંતુ કોઈ વ્યકતિ કે સંસ્થાએ જો સારું કાર્ય કર્યું હોય તો એ ફોટો સહીત એજ દિવસે જરૂરથી છાપવું એવો એક વણલખેલો નિયમ. રાજકોટનું ખૂબ જ જૂનું અને જાણીતું અખબાર “ફૂલછાબ” એ મારી ઓળખાણ છે અને મારી માતૃસંસ્થા છે.

 

ફૂલછાબ 98 વર્ષનું થયું અને વર્ષે કરોડથી પણ વધારાની ખોટ ખાઈને પણ સકારાત્મક સમાચાર વિના ચુકે છાપે છે. ફૂલછાબ પછી બીજા ઘણા વર્તમાનપત્રો આવી ગયા અને અનેક લોભામણી લાલચો અને ઓફેરો મળી પરંતુ મને એક ખૂબજ આદરણીય વ્યકતિએ કહેલું જે આજે પણ મારા કાનો માં ગુંજે છે કે “ગાયમાતાનું દૂધ પીવાય કૂતરી નું નહિ” મતલબ કે લાલચમાં આવીને એવી નોકરી ના લઇ લેવી કે અંતરાત્માનો સોદો થઇ જાય. બસ એ દિવસને આજની ઘડી એક પણ ઓફર સ્વીકારી નથી. માર્કેટિંગ સેલ્સમેનથી કરીને આજે જનરલ મેનેજર સુધી ની સફર અત્યંત રસપ્રદ રહી છે.

 

નરેન્દ્ર ઝીબા, રાજકોટ પ્રત્યે મને અનહદ પ્રેમ છે. કાઠિયાવાડની ધરતીનો જાદૂ અનેરો છે કે છટકી ન શકો. ગમે ત્યાં ગયો હોવ પરંતુ જ્યાં સુધી રાજકોટમાં આવી ને ઘરનું પાણી ના પીવું ત્યાં સુધી દિલને ચેન ના પડે. દિવસ-રાત મેહનત કરીને આજે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે, પરિશ્રમ તો સૌ કોઈ કરે જ છે એમાં નવું શું? પરંતુ આજે એ વાત નથી કરવી, ધૂપસળી જેવી કોઈ બીજી વાત કરવી છે કે માત્ર ખુશ્બૂ જ ખુશ્બૂ રહે. ફૂલછાબ સાથે મળીને અનેક મેડિકલ કેમ્પ રાજકોટ અને આજુબાજુ ના ગામો માં કર્યા, રાજકોટના ડોકટરો પણ દિલના દાતાર હોય એમ અમે બોલાવીએ એટલે આવી જાય અને આખો દિવસ તંબુમાં કે કોઈ શાળામાં કેમ્પ માંડી ને જુના જોગીની જેમ બેસી જાય. હજારોની સંખ્યામાં દરદીઓની સારવાર થઇ છે. ઘણીવાર અતિ ગરીબ ઘણા માણસો પાસે પૈસા ના હોય તો એકાદ ફોન કરીયે તો હોસ્પિટલ તથા ડોક્ટર બંને માન રાખીને પૈસા જતા કરે. આપણે જરૂરી કામ હોય અને સંપર્ક કરીએ એને ઓળખાણ કહેવાય પણ કાંઈ જ કામ ના હોય એમ છતાં સંપર્કઃ રાખે એ સાહેબ, રાજકોટનો વહેવાર છે. એમને પણ ખબર હોય છે કે જિંદગીમાં ગુમાવવાનું તો ઘણું હોય છે પરંતુ પામવાનું માપસરનું જ હોય છે. રાજકોટની સરકારી નિશાળોમાં જઈને ત્રણસો જેટલા બાળકોનું હેલ્થ ચેકઅપ કરાવ્યું અને જયારે પરિણામો જોયા તો પગ તળેથી જમીન સરકી ગઈ. એક ટંકનું હેલ્ધી કહી શકાય એવું ભોજન શાયદ જ કોઈને ઘરે બનતું. આ બધા બાળકોને આયુર્વેદ પ્રમાણે દવાઓ શરુ કરીને એમને પૌષ્ટિક આહાર પૂરો પાડીને એમનું હેલ્થ લેવલ ઉપર લઇ આવ્યા. પરંતુ આ તમે કેટલા દિવસ કરો? અંતે એમના વાલીઓ પાસે જઈને સમજાવ્યા કે તમે બને તો બાળકોને સવારમાં સારો નાસ્તો આપો.

 

ચારણપુત્ર છું તો થોડું કર્જ ચારણ જાતિનું પણ ચુકવ્યુ અને ભણતર પ્રત્યેનો અભિગમ વધાર્યો. કહેવાય છે કે અમુક છંદઃ ફક્ત ગઢવીના ગળામાંથી જ નીકળે જા ગમે એટલો પ્રયત્ન કરે તો પણ એ ના જ બને. એના માટે તો ચારણ પેટે જન્મ લેવો જ રહ્યો. એ ઋણ તો ક્યારેય ચૂકવી શકાય નહિ. મારો દીકરો કોમ્પ્યુટર એન્જીનરીંગમાં છે, મારા ભત્રીજા મેડીકલમાં છે તો પણ જયારે એ સ્તુતિ ગાઈ કે પછી દુહા-છઁદ બોલે તો એક વાર તો શરીરમાં ઝણઝણાટી છૂટી જ જાય. કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી, ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે હંસ નથી બની જતો.

 

રાજકોટની જનતાને એટલું જરૂર કહીશ કે રાજકોટ એ વ્યવસાયનો દરિયો છે. પ્રોડક્સન, બેરિંગ, સબમર્સીબલ પમ્પ અને બીજી અનેક બાબતોમાં રાજકોટને કોઈ પહોંચી ન શકે. ભલેને બપોરે એક થી ચાર ધંધો બંધ રાખીએ પણ પછી પાછું વાળીને નથી જોતા. તો જો આવી કર્મભૂમિ મળી છે તો એનો ભરપૂર ઉપયોગ કરો.

 

કોઈને દુઃખ ના લાગે એટલે
મૌન વજનદાર રાખું છું..

નહીતો,
શબ્દો પણ ધારદાર રાખું છું.

 

— with Narendra Nitu Ziba.