#365 The Chai Wali, Rukhsana Husein

By Faces of Rajkot, December 2, 2018

શહેરની દિવાલો પર “મર્દાના કમજોરી”ની જાહેરાતોથી ઉભરાય છે અને લોકો કહે છે કે ઔરત કમજોર છે. આજ બાબત ઉપર જોરદાર લપડાક સમાન રાજકોટની પહેલી “ચાય વાલી” રુકશાના હુશેન.

 

હેમુ ગઢવી હોલ પાછળ મારી ચાની કેબીન છે. પિત્તળના વાસણમાં જ ચા બનાવવાનો આગ્રહ રાખું છું અને માટીનાં કોડિયામાં જ ચા પીવડાવું છું. મારો સિક્રેટ મસાલો જે મારા ફેમિલીની દેન છે એ ચામાં નાખું છું, મારી ચાના ચાહકો દૂર દૂરથી મારી તંદૂર સ્પેશ્યલ ચા પીવા માટે આવે છે. માટીની કુલડીને ગરમ કરીને એને પિત્તળના વાસણમાં સ્ટોવ પર મુકવામાં આવે છે. એ કુલડીમાં થી ચા ઉભરાયાને પિત્તળના વાસણમાં પડે એ ચા નો સ્વાદ તમને ચોક્કસ દાઢે ચુંબકની માફક ચોંટી જવાનો.

 

દશેરાના પવિત્ર દિવસે કેબીન શરુ કરી, શરૂઆતમાં તો કોઈને જાણ પણ ન કરી અને 10 દિવસ તો ફોન પણ ન ઉપાડ્યો કેમ કે એક મહિલા ચા ની કેબીન પર બેસે એ કેમ જોવાય? ન તો ઘરના રાજી થાય કે ન તો આસપાસના લોકોને સમજાય. શરૂ-શરૂમાં તો માત્ર અડધા લિટર દૂધની જ ચા બનતી ક્યારેક તો ફેંકી દેવી પડતી. પરંતુ તમે સુગંધને બાંધી થોડા શકવાના! સુગંધની માફક મારી ચા પણ ચારેતરફ ફેલાય અને લોકોને પસંદ પડી. ઘરના પણ ધીમે ધીમે રાજી થયા.

 

રાજકોટને હું તો એટલું જ કહીશ કે સ્ત્રી હોય કે પુરુષ, સપના જોવાનું ન છોડતા. ક્યારેક તો એ જરૂર પૂરું થશે જો તમારી લગન સાચી હશે. મારે પણ રેસ્ટોરન્ટ ખોલવી છે પરંતુ અત્યારે હું મારી કેબીનથી પણ ખુશ છું. જો તમને કોઈ કામમાં રસ હોય તો એ કામ તમારી સિદ્ધિ બની જાય. મેં સબ રજિસ્ટ્રારની કોમ્પ્યુટર ઓપેરટરની નોકરી છોડીને ચાની કેબીન કરી છે, ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ એમાં કોઈ જ બે મત નથી.

 

જિંદાદિલ રહીયે જનાબ,
એ ચેહરે પે ઉદાસી કૈસી?

 

વક્ત તો બીત હી રહા હૈ,
ઉમ્ર કી ઐસી તૈસી…!

 

The Chai wali