#366 Palash Dholakia
By Faces of Rajkot, December 16, 2018
કદાચ સૌને ન સમજાય પણ, સમજાય તો બેડો પાર, આજે ફેસિસ ઓફ રાજકોટને શોભાવવા માટે રાજકોટનું એક અનમોલ રત્ન પલાશ ધોળકિયા જે માત્ર 24 વર્ષની ઉંમરે સંગીત પ્રત્યે અપાર પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધા નું અદ્ભુત સંગમ છે.
સંગીતમય પરિવારમાં જન્મ થયો એ મારુ અહોભાગ્ય, દાદા ઈન્દુભાઈ ધોળકિયા, ભાઈ નિરજ ધોળકિયા સાથે હું કુમળા અંકુરની જેમ પાંગરતો ગયો. યુવક મહોત્સવમાં રાજ્ય કક્ષાએ પ્રથમ. એવું ઘર કે જ્યાં “મા” શબ્દ પહેલા “સારેગામા” બોલતા શીખવું સ્વાભાવિક હોય ત્યાં મારી સૈદ્ધાંતિક તાલીમ આતામહમ્મદખાં સાહેબે શરુ કરી. ભારતરત્ન શ્રી પં. રવિશંકર મહારાજનો હાથ મારા માથા પર ફર્યો હોય અને એમની દાદા સાથેની મિત્રતાની નિશાની એમની સિતાર આજે પણ અમારા ઘરમાં કાળજીપૂર્વક સચવાયેલી છે.
દાદા અને ભાઈ સંગીત ક્ષેત્રે નામ ગજવતાં ત્યાં મને ગાયકીનો રંગ લાગ્યો, એમાં પદ્મશ્રી અજય ચક્રવર્તીજી નો પારસમણિ સ્પર્શ થયો અને આજ સુધી પાછું વાળીને જોયું નથી. સંગીતના આરોહ અવરોહ જેમ ગાયકી, સંગીત, રાગ શીખતાં ઘણા ઉતાર ચડાવ આવ્યા, અજયજી સાથેની સફર એ એક અલગ જ જિંદગી સમાન હતી પરંતુ એ બાદની જીંદગી શુદ્ધ, સાત્વિક અને સંગીતમય બની રહી. આજે પણ એમની પાસેથી કંઈકને કંઈક નવું શીખતાં જ રહીયે છીએ.
એટલું જ નહિ એમની સાથે એમની સંગીત રિસર્ચ અકાદમી કોલકતા માં પં. રાજન સાજન મિશ્રા,પં ઉલહાસ કશાલકર, ઉ.રાસીદ ખાન, વિદુષી ગિરિજા દેવી,પં. અજય ચક્રવર્તી સન્મુખ ગાયન રજુ કરી આર્શીવાદ મેળવ્યા છે. આ બધા નામોની કીર્તિ એક વાર ગૂગલને પૂછશો તો એ પણ થનગની ઉઠશે.
એક ખાલી ઉદાહરણ આપું તો સૌથી પેહલી વખત અજયજી સન્મુખ ગાતી વખતે હજુ તો શબ્દ “સા” ગાયો અને એમણે કહ્યું “રુકો, તુમ્હે એસીડીટી કી તકલીફ હૈ”..! આટલી બારીકાઇ, આટલી મહારથ કે જે એક શબ્દ પરથી તમારી તાસીર પારખી લે એમની પાસે જ્ઞાનનો કેટલો ભંડાર હશે! મને પણ એ ગાયકીના દરિયામાં મન મૂકીને ડૂબકીઓ મારવાની પૂરતી તકો મળી.
પરિણામ સ્વરૂપ, આજે હું સંગીત વિશારદ ગાયક છું , બીપીએ વોકલ સાથે યુવક મહોત્સવમાં સર્વ પ્રથમ, આકાશવાણી, દૂરદર્શન પર મારા કાર્યક્રમો સ્ટેજ ગજવી ચુક્યા છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આયોજીત કાર્યક્રમોમાં રાજકોટ,જામનગર,પાલનપુર વગેરે જગ્યાઓ એ પ્રસ્તુતિ આપી છે. આ બધું સાચા ગુરુની દેન છે. કેમ બોલવું, ચાલવું, ઉઠવું કે સૂવું એવી બારીક આદતો સંગીતની સાથે ગ્રહણ કરી છે.
એક વખત એક જગ્યાએ કાર્યક્રમ કરતી વખતે મને એક સાથી કલાકારે કહ્યું, “માવો ખાવ છો ?” એ વાત મને એટલી તુચ્છ લાગી કે સુગમ સંગીત એ એક ગરિમા છે. એક એક રાગમાં તમે જિંદગી નીકળી જાય. ક્લાસિકલ સંગીતને એક પૂજા, ઈબાદત સમાન માન્યું છે જ્યાં શુદ્ધ થયા વિના ન જવાય.
અમે બંને ભાઈઓ એક યુનિક જોડી છે જે ગાયકી અને સંગીતનો સંગમ છે. સામાન્ય રીતે તમે સંગીત બેલડી જોઈ હશે પરંતુ મારા મોટાભાઈ તબલા વગાડે અને હું રાગ અલાપુ ત્યારે અદ્ભુત નશો ચડે છે. પંજાબી અને સિંધી સમાજને શબદ ગાવાની સાથે શીખવું છું. ઉપરાંત રાજકોટના બાળકોને સંગીત શીખવું છું. રાજકોટના યુથને ક્લાસિકલ સંગીત સાથે જોડવું જરૂરી છે. એ વ્યવસાયિક હોય કે પછી નિજાનંદ માટે હોય, જીવનમાં સંગીતની હાજરી શ્વાસ જેટલી જ જરૂરી છે.
ડુબી છે પરંતુ સાગર ના અસ્તિત્વને એણૅ તાર્યુ છે,
તોફાન છતાંયે નૌકાએ મઝધારમાં માથું માર્યુ છે.
– ગની દહીંવાલા
Related
Recent Comments