# 367 Neeraj Dholakia

By Faces of Rajkot, December 23, 2018

દાદાજી ઈન્દુભાઈ ધોળકિયાનો એવો આગ્રહ કે મોજ કે શોખ નહિ તો દવા તરીકે પણ મ્યુઝિક ગર્ભસંસ્કારમાં હોવું જોઈએ. એટલે જ  મારા મમ્મી મ્યુઝિક સાંભળતા અને શીખતાં જેના લીધે આજે હું આ મંચ પર પહોંચ્યો છું. મારી કલાના તાજમાં રાજકોટ સંગીત અકાદમી, પદ્મશ્રી, પદ્મવિભૂષણ જેવી સન્માનિત વ્યક્તિઓ સાથેની સંગત, દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડીઓ જેવા ઘણા જ પીંછાઓ લાગ્યા.

નાનપણમાં તો તબલાનો શોખ લાગ્યો પરંતુ કંટાળું એટલે તબલા લાકડીથી કે હથોડીથી વગાડીને ફાડી નાંખું, દાદા ફરીથી નવા તબલા લઇ આવે અને હું ફરીથી વગાડવાનું શરુ કરું. આ ઘટના વારંવાર બનતી જ્યાં સુધી સાચા ગુરુ ન મળ્યા. ગુરુએ મને તાન લગાવી અને આજે હું વિશારદ, માસ્ટર ઓફ પર્ફોર્મિંગ આર્ટસ, દેશના અનેક સ્ટેજિસ ગજવીને રાજકોટમાં મ્યુઝિક શીખવું છું અને શીખતો પણ રહું છું.

રાજકોટના શ્રી નિતાયજી, શ્રી ગૌ સ્વામીજી અને વડોદરાનાં ડીન સ્વ. શ્રી સક્શેના સાહેબથી શરૂઆત કરી તબલાં શીખવાની અને ત્યારથી આજ સુધી પાછું વાળીને નથી જોયું. એક વખત દ્વારકાના જગતમંદિરમાંથી ફોન આવ્યો કે પદ્મશ્રી અને ગ્રામી એવોર્ડ વિનર શ્રી કાલારામનાથજી આવે છે અને એમના વાયોલિન સાથે મારે તબલાંની સંગત કરવાની છે. રાજકોટમાં ઇન્સ્ટ્રુમેંટનાલિસ્ટ બહુ જ ઓછા એમાં પણ તબલાં અને પખવાજ તો જૂજ. પરંતુ મને ખુશીની સાથે એક ડર પણ લાગ્યો કે આવી મોટી હસ્તી સાથે હું કેવી રીતે વગાડીશ? એટલે મેં એમને ફોન કર્યો તો જાણવા મળ્યું કે એ અમેરિકાથી હમણાં જ આવ્યા અને ત્યાં એમણે ઉસ્તાદ ઝાકીર હુશેન સાથે વગાડ્યું હતું, મારી મુશ્કેલી ઓર વધી ગઈ. હું એમને દ્વારકા જઈ ને મળ્યો અને આગ્રહ કર્યો કે પ્રોગામ કરતાં પહેલા એ મને સાંભળે જેથી કોઈ કસર હોય તો પહેલાથી જ ખબર પડી જાય. મને સાંભળ્યા બાદ કમલરામનાથજી એ પૂછ્યું કે પાંચ તારીખે શું કરે છે? મને તો એમ કે કોઈ ફીડબેક આપશે પણ આ કેવો સવાલ?
એટલે મેં કહ્યું કાંઈ ખાસ નહિ. તો એમણે કહ્યું મારો પ્રોગ્રામ સોમનાથ મંદિરમાં છે અને ત્યાં પણ મારી સાથે તારે જ વગાડવાનું છે. એવો ગજબનો ફીડબેક સાંભળીને હું આશ્ચર્યમાં ડૂબી ગયો.

એમણે જ ફોન કરીને યોગેશજીને મારા ગુરુ બનાવ્યા, સંગીત સાથે એમ.બી.એ. પણ કર્યું, નોકરી પણ કરી. ૐકારનાથ સંગીત સંમેલન, હૈદરાબાદ નેશનલ યૂથ ફેસ્ટિવલ, વડનગરમાં ફેમસ “તાનારીરી” સંગીત સંમેલનમાં પણ પર્ફોર્મન્સ આપ્યા છે.

હું નીરજ ધોળકિયા, મારો નાનો ભાઈ પલાશ જેને તમે ફેસિસ ઓફ રાજકોટમાં ખૂબ જ પ્રેમ આપ્યો અને મારો એવો આગ્રહ હતો કે મારા નાના ભાઈને પહેલી તક મળે અને પછી મારુ નામ આવે. રાજકોટની જનતા ને કહીશ કે ગર્ભસંસ્કારમાં જ મ્યુઝિક હોવું જોઈએ. સંગીત સાથે કોઈ નાતો હોય કે ના હોય જેમ પીપળો ભીંત ફાડીને ઉગી નીકળે એમ સંગીત પણ એની જગ્યા કરી જ લેશે.

આનંદ એવી વસ્તુ છે, જે તમારી પાસે નહીં હોવા છતા, તમે ધારો તો બીજાને આપી શકો છો.