હું સાત ચોપડી પાસ છું અને મેટોડાના એક કારખાનામાં કામ કરું છું. વાંચનનો ખૂબજ શોખ પણ એક લાઈબ્રેરીમાં વાંચવા ગયો તો મને કહેવામાં આવ્યું કે જો તમે મેમ્બર હોય તો જ વાંચવા મળે. મને થયું વાંચવામાં વળી બંધન શાના? વાંચન તો વહેંચવાથી વધે, ઘસાઇ થોડું જાય? હશે લાઈબ્રેરીના પણ કોઈ કાયદા કાનૂન હોય શકે.
એમ માની મેં મારી પોતાની ઘરે જ લાઈબ્રેરી શરુ કરી. મેમ્બર બનવાની કડાકૂટ નહિ. પાંચ હજાર થી વધુ આર્ટિકલ્સ અને 200 થી વધુ મેગેઝીન્સ મારા કલેકશનમાં છે. ફૂલછાબ જેવા નામી અખબારની રફ્તાર પૂર્તિની 2000 આવૃત્તિઓ છે. ચિત્રલેખા, અભિયાન, જૂનું પરમાર્થ મેગેઝીન ઉપરાંત 1972 નું પ્રચલિત જૂનું જી મેગેઝીન અને 1955 માં ઝવેરચંદ મેઘાણીના પુત્ર એ શરુ કરેલું મેગેઝીન ” મિલાપ ” પણ ખરું.
મારું નામ કાંતિભાઈ વડોલીયા, ગજબનો શોખ રાખવાનો મને ગજબનો શોખ. બુધવારે રાજકોટના કારખાનાઓ રાજા પાળે એટલે શું કરવાનું? એ દિવસે હું સારી સારી હસ્તીઓને મળવાનો પ્રોગ્રામ બનાવું અને મળું. તેમના પર લખાયેલા કે તેમના દ્વારા લખાયેલા આર્ટિક્લસ લઈને એમની પાસે જાઉં, વાત કરું. પૂજ્ય સંતોમાં મોરારી બાપુ, રમેશ ભાઈ ઓઝા, પ્રમુખ સ્વામી, નમ્ર મુનિ, રામદેવજી મહારાજ, જિલેશ દાદાને મળી ચુક્યો છું. આસીત મોદી,અનિલ કપૂર, નીલ નીતિન મુકેશ,જોન અબ્રાહમ, ભીખુદાન ગઢવી, દિવાળીબેન ભીલ, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ, ગુણવંત શાહ, કાંતિ ભટ્ટ, સુનિલ ગાવસ્કર, સંજય માંજરેકર અને તારક મેહતા સીરીઅલના લગભગ દરેક કલાકારોને વ્યક્તિગત મળી ચુક્યો છું. હું એમને એમના જુના ફોટોસ, આર્ટિકલ્સ બતાવું છું, એ લોકો પણ એ વિશેનો ભૂતકાળ મારી જોડે શેર કરે, પુરષ્કાર આપે, ફોટો પડાવે અને મને ખુબ જ આનંદ થાય.
મારા જેવો કારખાનામાં કામ કરતો સાત ચોપડી ભણેલો માણસ જયારે કોઈ વ્યકતિને મળે, ત્યારે ઘણું બધું જાણવા શીખવા મળે. હું એમની કક્ષા એ કદાચ ન પહોંચી શકું પણ એમને મળીને હું પણ બે પળ માટે એમની જિંદગી જીવી લઉં.
બસ ફક્ત અને ફક્ત શોખ, ન કોઈ નામના ની ઈચ્છા કે ન કોઈ પૈસા પુરસ્કારની લાલસા. મનને આનંદ મળે એ કરવું એ જ મોજીલા રાજકોટની નિશાની. — with Kanti Lal Prajapati.
Recent Comments