“તમાકુના સેવનથી કર્ક રોગ (કેન્સર) થાય છે”. બીડી, સિગારેટ, પાન આપતા પહેલા આ વાક્ય અચૂક બોલું. પણ, સુનતા ભી દીવાના અને કહેતા ભી દીવાના જેવો હાલ.
પાન માટે રાજકોટ કેટલું ફેમસ છે એતો સૌને ખબર જ છે. સંજય દત્ત જેવા કલાકારો માટે રાજકોટથી પાન જાય છે. એવામાં હું રાજકોટમાં પરસાણા નગરમાં સાઇકલ પર ફરીને પાન વેંચું છું.
મોહનભાઇ મારુ નામ, અને પાન, બીડી, સિગારેટ સાઇકલ પર વેંચુ. સતત 35 વર્ષથી દરરોજ એક પણ દિવસની રજા લીધા વિના આજુબાજુનાં વિસ્તારોમાં જઈને પાન બનાવી આપું. ૭૦ વર્ષની ઉંમર છે પણ આજે કદાચ ૨૦ વર્ષના યુવાનને પણ સાઇકલમાં હંફાવી દઉં એની ગેરંટી. ઘરવાળી લોકોના કપડાં સીવે અને એક દીકરો છે જે પાનની દુકાને કામ પર જાય છે. હું મારી જાતને ગુનેગાર માનું છું કે મારી પાસેથી વસ્તુ ખરીદે છે લોકો અને એના સેવનથી કેન્સર જેવી બીમારીઓ થવાનો ખતરો રહે છે. કૌટુંબિક જવાબદારીઓને લીધે એવું કામ કરવું પડે છે, પરંતુ હું મારી ફરજ ગણું છું કે લોકો સમજે આ વસ્તુઓના સેવન હાનિકારક છે એટલે જ આપતા પહેલા અચૂક કહું છું કે આના લીધે કેન્સર થઇ શકે છે. કોઈ હસી કાઢે, કોઈ ગુસ્સો કરે, કોઈ ગણકાર્યા વિના ચાલ્યા જાય, તો કોઈ ગાળ આપીને બોલે તો પછી વેંચો છો શું કામ? હવે એને હું મારી જવાબદારીઓ ગણાવવા બેસું? મને તો વાંધો નથી પરંતુ લોકો પાસે સમય નથી. માટે જ રસ્તાઓ પર થૂંકે, બીડી, સિગરેટ, પણ પાન ખાધા બાદ કચરો જ્યાં-ત્યાં નાખે.
હું મારાથી બનતું કરી છૂટું અને થાય એટલું સાફ કરતો જાઉં પણ, ફેંકવાવાળા હાથ અનેક અને ઉપાડવા વાળા ફક્ત બે, સૂરજ સામે કોડિયું ધર્યા બરોબર કહેવાય. “ચાલો, મારો સમય થઇ ગયો છે હું નીકળું….” એટલું બોલીને મોહનભાઇ સાઇકલ પર સરરર કરતા ટ્રાફિકમાં ખોવાઈ ગયા અને હું એમની ૭૦ વર્ષની અડીખમ લાગણી, ફરજ અને જવબદારીઓથી લદાયેલી પીઠ તાકતો રહ્યો.
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મહેનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…
Recent Comments