#371 Abhimanyu Modi

By Faces of Rajkot, January 27, 2019

જો સફળ થવું હોય તો કૈંક અલગ કરવું પડે નહીંતર ગાડરિયા પ્રવાહ માં તણાઈ જવાનો ભય રહે છે.

શાળાકીય વર્ષો જ્યારે બહુ ઉજ્જવળ રીતે પસાર થયા હોય ત્યારે આપણી કારકિર્દી અને સરવાળે આપણી જિંદગી પાસેથી સ્વજનોની મૂક અપેક્ષાઓ ઘણી વધી જતી હોય છે. ઔદ્યોગિક શહેર મોરબીમાં શાળાકીય શિક્ષણ પછી રાજકોટ ખાતે ફાર્મસીમાં બેચલર અને માસ્ટર્સની ડીગ્રી મેળવી. આ થયો ગાડરિયો પ્રવાહ કે જો તમારે સારી નોકરી જોઈતી હોય તો ડિગ્રી અને ડબલ ડિગ્રી તો જોઈએ જ. હવે કરીયે કંઈક અલગ અને સફળ થવાની વાત.

કોલેજકાળ દરમિયાન જ ત્રેવીસ વર્ષની ઉંમરે ગુજરાત રાજ્યના પ્રથમ પંક્તિના અખબાર ‘સંદેશ’માં બુધવારે કટાર લખવાનું શરુ કર્યું; જેના નામ- ‘ટિન્ડરબોક્સ’માં પણ ઉપરોક્ત ઉલ્લેખેલી તાલાવેલી પડઘાતી હતી. તેના થોડા સમય પછી વર્લ્ડ સિનેમા ઉપર ‘સંદેશ’ની જ શુક્રવારની પૂર્તિમાં ‘મૂવિ રિકોલ’ કોલમ ચાલુ કરી. જો ધારત તો આત્મીય કોલેજની પ્રોફેસરની નોકરી સ્વીકારીને 9-5ની નોકરી કરીને દર વર્ષે વિદ્યાર્થીઓનું માસ પ્રોડક્સન કરતો હોત. પરંતુ, જિંદગીની જીદ્દ તો કંઈક નવું કરવાની હતી.

ગુજરાતના મેઈનસ્ટ્રીમ સામયિકમાં આવેલી ગુજરાતી ભાષાની પ્રથમ હાર્ડ કોર સાયન્સ ફિક્શન નવલકથા લખવાનો મોકો મળ્યો. ‘ધ મંડલમ્’ નવલ ‘અભિયાન’ મેગેઝીનમાં આઠથી નવ મહિના સુધી ચાલી અને તેને ગુજરાતીઓનો પ્રોત્સાહન આપતો પ્રતિસાદ આજ સુધી મળી રહ્યો છે. એશિયાના સૌથી જુના અખબાર ‘મુંબઈ સમાચાર’માં શનિવાર અને રવિવારના દિવસોની પૂર્તિમાં એકસાથે બે કોલમ લખવાનું શરુ કર્યું. ઈતિહાસમાં દોરાયેલા મહાન ચિત્રો-પેઈન્ટીંગનો રસાસ્વાદ કરાવતી કોલમ ‘ચિત્રોદગાર’ શનિવારે અને વૈશ્વિક પ્રવાહોના અજબ રંગોની વાત કરતી કોલમ ‘મોન્ટાજ’ રવિવારે. મુખ્ય પ્રવાહોના અખબારમાં ‘ચિત્રોદગાર’ પ્રકારની કોલમ કદાચ અનન્ય છે. પ્રીમિયમ મેગેઝીન ‘કોકટેલ ઝિંદગી’ અને ‘ફીલિંગ્સ’ જેવા અન્ય સામયિકો કે બીજા અમુક પ્રકાશનોમાં લખવાનો આનંદ તો અલગ. યુટ્યુબમાં ઉપલબ્ધ છે એવી અવોર્ડ વિનિંગ શોર્ટફિલ્મ ‘રેડિયોબમ્પ્સ’નો સ્ક્રીનપ્લે હોય કે જીપીએસસી-યુપીએસસીના વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું હોય કે પછી સૌરાષ્ટ્રમાં સ્ટેન્ડ અપ કોમેડી માટેનું વાતાવરણ ક્રિએટ કરવાની વાત હોય કે એક અલગ પ્રકારનું નાટક લખવાનું હોય, જ્યાંથી જે આનંદ મળ્યો, તે લુંટ્યો. છેલ્લા ચાર વર્ષમાં ૬૦૦ થી વધુ લેખો અને ૩૦૦ થી વધુ વ્યાખ્યાનો દ્વારા કેટલું શીખડાવી શકાયું એ તો બહુ ખબર નથી પણ શીખવા ઘણું મળ્યું એ હકીકત છે.

આ નાનીશી યાત્રામાં રાજકોટનો ફાળો અપ્રતિમ છે. રાજકોટ જન્મભૂમિ બની એને યોગાનુયોગ કહીએ પણ એ કર્મભૂમિ બની એ તો ગૌરવભરી વાત છે. ગાંધીજીના રાજકોટની હવામાંથી તાકાત મેળવીને ગુજરાત માટે, ભારત માટે અને કોઈ પણ ખૂણામાં વસતા પ્રત્યેક મનુષ્ય માટે કંઇક એવું કરી શકવું જેથી કોઈની જિંદગીઓમાં થોડી પણ ખુશી આવે એ જ નેમ જીવનપર્યંત રહેશે.

સરવૈયાની ઐસીતૈસી, સરવાળાની ઐસીતૈસી.
જીવની સાથે જીવી લીધું, ધબકારની ઐસીતૈસી.

પગમાં કાંટો લૈને છેલ્લા ગામ સુધી ચાલીશું જોજે;
એ જો મારી વાટ જુએ તો લવકારાની ઐસીતૈસી.

– અશરફ ડબાવાલા