કોઈ જુનવાણી માણસ અહીં હશે કે ગામડામાં રહેતું હશે એને કદાચ ખબર હોય કે મોભ વિના ઘર ન બને અને જો બનાવો તો એ વરસાદ, તોફાનની થપાટ ન ઝીલે. ગઈ કાલે એક રેસ્ટોરાંમાં જમવા જવાનું થયું. જોયું કે એક ફૂટડો યુવાન દોડી દોડીને કામ કરતો હતો. હસતો ચેહરો અને ઝડપી હાથ એક બીજાના પૂરક. લોકોની માનસિકતા કે તમને કામ કરતા જુવે એટલે બોલાવે અને વધુ કામ કરાવે કારણ કે તમે કરો છો, કશું જ ખોટું નથી. રાજકોટના થોડા “હટકે” ચેહરાઓ પણ હોય જે બુચકારા ને છીછકારા કરીને બોલાવતા હોય, મેં પણ એને બોલાવ્યો પણ હસીને.
સાગર, સાગર જેવડું જ મોટું સ્માઈલ આપીને ઉભો રહ્યો. અમે ઓર્ડર આપતાં આડીઅવળી વાતો કરી. સાગરે કહ્યું, મારી ઉમર એકવીસ વર્ષ, લગ્ન ગયા વર્ષે થયા અને એક નાનકડું બાળક પણ ખરું. તમને કદાચ આશ્ચર્ય થશે પણ હું જ્યાંથી એવું છું ત્યાં આ નોર્મલ છે. હા, હું નેપાળનો સાગર. નેપાળથી ભારત નોકરીની તલાશમાં રાજકોટ સુધી આવી ગયો. 4-5 વર્ષથી અહીં જ છું અને રાજકોટ જાણે હવે ઘર જેવું લાગે છે. ઘરની વાત કરતા એ હિમાલય પાર નેપાળમાં પહોંચી ગયો. ઘરની વાતો કરવા લાગ્યો. પહાડોની વચ્ચે એનું નાનું ગામ અને એમાં એનું કાચુંપાકું ઘર. ઘરમાં એની પત્ની, માં અને બાળક શું કરતા હશે…!
સાગરે નાનકડી ઉંમરમાં જ ઘરગ્રહસ્થિ અને ઘરની જવાબદારીઓ સ્વીકારી લીધી. આપણે લગ્ન પછી નથી ફાવતું કહીને 1-2 મહિનામાં અલગ થઇ જતા કપલ પણ જોયા જ હશે. એમના પ્રોબ્લેમ્સ કે તકલીફો કંઈક અલગ હોય શકે કોઈને દોષ ન આપીએ પણ, સાગર જેવા લોકોને દાદ તો આપવી જ પડે કે હજારો માઈલ દૂર રહીને પણ, ઘરને બાંધી રાખ્યું છે. એની પત્ની બહાર ફરવા કે ખાવા-પીવા ની જીદ્દ નહિ કરતી હોય? ઘરના કામ ઉપરાંત બહારની જવાબદારી પણ નાની ઉંમરમાં નહિ ઉપાડતી હોય? એ પણ સાગરની જેમ જ ખભે ખભો મિલાવીને ઉભી છે. સાગરની ઈચ્છા છે રાજકોટમાં જ સ્થાયી થવાની પરંતુ એ એટલું સરળ નથી. ઘરે હર મહિને પૈસા મોકલે છે અને દરરોજ વાત પણ કરે છે.
જમવાનું હજમ ન થયું મને પણ મન ચકરાવે ચડી ગયું કે આ માત્ર એકવીસ વર્ષનો સાગર નાનકડા પગારમાં બબ્બે ઘર ચલાવે છે અને છતાં ખુશ છે, હસે છે અને મારી આજુબાજુના લાખો કમાતા લોકો સોગીયું મોઢું કરીને જિંદગીની તકલીફો ગણાવતા ફરતા હોય છે. આમાંથી સાચી કમાણી કઈ?
શૂન્ય એજ ચિંતા વગર નું હોય છે..
બાકી ના આંકડા જ ચિંતા કરાવે છે..!!
Recent Comments