નામ મંત્ર પણ કામ મંત્રમુગ્ધ કરી દે તેવું. મનોદિવ્યાંગ હોવા છતાં આજે નોર્મલ બાળકોને પણ પાછળ મૂકીને રાજકોટનું નામ દેશભરમાં રોશન કર્યું છે.
જયારે મંત્રને સ્કૂલે બેસાડવાનું થયું ત્યારે કોઈ પણ સ્કૂલ એને એડમિશન આપવા તૈયાર નહોતી, નોર્મલ બાળકોની સ્કૂલમાં એના ધીમા માનસિક વિકાસ સાથે બહુ જ મુશ્કેલીઓ થતી. એટલે મેં ખુદ આવા સ્પેશિયલ બાળકો માટે સ્કૂલ શરુ કરી. આ સ્કૂલનો અભ્યાસક્રમ આજે ગુજરાત સરકારે માન્ય કર્યો છે અને એ મંત્ર અને એના જેવા બીજા બાળકોને આગળ આવવામાં ખૂબ જ મદદરૂપ બને છે.
મંત્ર આઠ વર્ષનો હતો ત્યારથી જ એને સ્વિમિંગ નો અદ્ભૂત શોખ પણ શીખવે કોણ? હું પણ માનું છું કે મનોદિવ્યાંગ બાળકને સ્વિમિંગપૂલમાં સાચવવો એ આસાન કામ નથી હોતું. સતત અટેન્શન અને કેર માંગી લે અને થકવી દે. પરંતુ વિપુલભાઈ ભટ્ટે મંત્રની ક્ષમતાઓ સામે જોયું ન કે ક્ષતિ અને સ્વિમિંગ શીખવવાનું શરુ કર્યું. તેમની અને મંત્રની મહેનત રંગ લાવી પરિણામ સ્વરૂપે રાજકોટ, ગુજરાત અને નેશનલ લેવલ પર મંત્ર ગોલ્ડ મેડલ લઇ આવ્યો છે. માર્ચ 14-22 દરમિયાન અબુધાબીમાં થનાર સ્પેશ્યલ ઓલમ્પિકમાં રાજકોટ કે ગુજરાત જ નહિં પરંતુ ઇન્ડિયા લેવલે માત્ર મંત્રની પસંદગી થઇ છે. અન્ય રમતોમાં બીજા 18 ખેલાડીઓ પણ જશે અને સ્વિમિંગ માટે મંત્ર સિલેક્ટ થયો જે આપણા સૌ માટે એક ગર્વ અને ખુદ એક મા તરીકે મારી માટે અભિમાનની વાત છે.
મંત્રએ 5 નેશનલ કેમ્પ કર્યા છે અને 2 નેશનલ ટુર્નામેન્ટ રમી છે જેમાં એને બન્નેમાં બબ્બે ગોલ્ડ મેડલ્સ મેળવ્યા છે. ઉપરાંત, રાજકોટમાં થતી ઇન્ટરસ્કુલ સ્વિમિંગ સ્પર્ધાઓમાં કે જેમાં નોર્મલ બાળકો સાથે કોમ્પિટિશન હોય એમાં પણ મંત્ર 50,100 અને 200 મીટરમાં ફર્સ્ટ આવ્યો છે. હું દરેકને કહું છું અને અહીં પણ કહીશ કે જો ભગવાન તમને કોઈ સ્પેસીઅલ બાળક આપે છે તો લોકો કહે છે કે પાછલા કર્મોનું ફળ છે કે એવું જ કાંઈ કડવું બોલે છે. પરંતુ મંત્રની સિદ્ધિઓ જોતા તમે જ કહો કે ભગવાને જરૂર મારામાં કંઈક જોયું હશે જેથી મને મંત્ર જેવો અદ્ભૂત બાળક આપ્યો. લોકો મને મંત્રની મમ્મી કહીને બોલાવે છે ત્યારે મારુ નાક સાતમા આસમાને જઈ ને ટકરાય છે.
ચાલો રાજકોટ આપણે સૌ સાથે મળીને મંત્રને આ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી આવે તેવી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવીએ.
બઘાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે
-દાસ સતાર
Recent Comments