#379 Manilal Khatri & his philanthrophy

By Faces of Rajkot, April 7, 2019

પાટણની કોલેજમાંથી એન્જીનીયરીંગ કર્યા બાદ રાજકોટમાં બી.એસ.એન.એલ.માં સૌથી નીચલી જગ્યાની નોકરી મળી. ઘરની હાલત જોઈને સ્વીકારી લીધી. માત્ર બે જોડી કપડાં સાથે રાજકોટ આવી ગયો. પૂરી ઈમાનદારીથી નોકરી કરી. પહેલી તારીખ ક્યારે આવે એની જ રાહ જોવાતી. પચાસ વારના નાનકડાં ઘરમાં પૈસા ઓછા હતા, ઘર નાનું હતું, સગવડો નહોતી પણ સુખની ભરમાર હતી.

મણિલાલ ખત્રી, એક પાઈની પણ લાંચ લીધા વિના કે પછી હિસાબમાં ગરબડ કર્યા વિના પૂરી મેહનત અને ખંતથી નોકરી કરી. ઘણાં દિવસો એવા પણ ગયા કે આખા પરિવારને ભુખ્યાં સૂઈ જવું પડતું. ગમે તેવી મુશ્કેલીઓ કે દુઃખ સહન થશે પરંતુ ભૂખ સહન ન થાય. છતાં, આત્માનો સોદો કર્યા વિના ઈમાનદારીને વળગી રહ્યો. આજે એ ભૂખના દિવસો યાદ કરું તો ઊંઘ ઉડી જાય એવો કપરો સમય હતો.

ઉપરવાળાની દયાથી ક્યારેય બેઈમાની નથી કરવી પડી. આજે બબ્બે દીકરીઓ મારું નામ ગજાવે છે. એક સરકારી ઓફિસર બનવા જઈ રહી છે અને બીજી દીકરી ઉચ્ચ પગાર સાથે નોકરી કરે છે. ક્યારેય કોઈની સામે નથી નજર ઝુકાવી પડી કે નથી હાથ ફેલાવવા પડ્યા. આજે પણ હું દીકરીઓના ભણતર પર ભાર આપું છું. રાજકોટમાં જ રીટાયર થઈને મને રૂપિયા પચાસ હજાર જેટલું મહિને પેન્શન મળે છે. પરંતુ, હું મારા ગરીબીના કે ભૂખના દિવસો નથી ભુલ્યો. એટલા બધા પૈસાની મારે શી જરૂર? બે ટંક ભરપેટ જમવા મળી રહે એટલે બસ. આથી જ મારા પેન્શનની મોટી રકમ લોકોની મદદમાં જ આપી દઉં છું.

ગામડે ગામડે જઈ ને લોકોને આયુર્વેદ દવા વિષે સમજાવું અને દવા પણ આપું. એટલું જ નહિ લોકોને આયુર્વેદનું જ્ઞાન પણ આપું જેથી હું ન હોવ તો પણ ગામડામાં સહાય મળી રહે. ગરીબ બાળકોને ભણવામાં સહાય કરું અને પરમ સંતોષના પોટલાં બાંધું. કોઈ પણ જાતના કર્મોના ફળ કે પછી વળતરની આશા કે ભાવના નથી રાખતો. જે રાજકોટે મને વર્ષો પૂર્વે આપેલું એમાંથી જ થોડું પાછું વાળવાનો મારો નાનકડો પ્રયાસ માત્ર છે.