#382 Jumabhai Rickshaw wala

By Faces of Rajkot, May 6, 2019

મસાણની રાખને ચાળીને જોઈ લે જો, જો તમને એમાં ક્યાંય બ્રાન્ડેડ કપડાં, અભિમાન, મોભો, ઘમંડ કે ધન-દૌલત જોવા મળે તો. બધું અહીં જ રહી જવાનું તમારા વિના તો પછી જિંદગીમાં આટલી ધમપછાળ શેની છે?

જુમાભાઈ, ઉમર 70 વર્ષ, હું ત્યારથી રીક્ષા ચાલવું છું જ્યારે પેટ્રોલનો ભાવ ૧ રૂપિયે લિટર હતો. રાજકોટ, ગુજરાત અને દેશ ની ચડતીપડતીનો અડીખમ મૂક શાક્ષી. જીવનમંત્ર એક જ કે હંમેશા ખુશ રહેવું અને બીજાને ખુશ રાખવા. સંતાનોમાં ત્રણ પુત્રો છે. પૈસાની ખેંચને કારણે એમને વધુ ભણાવી ન શક્યો પણ ગણાવ્યા જરૂર કે દુનિયામાં ભણતરનું માન કેટલું છે! એમણે એમના સંતાનોને કોલેજમાં મુક્યા છે અને સૌ ખુશીથી રહે છે.

મારી રીક્ષા ગણેશ વિસર્જન વખતે પણ પેસેન્જર લઇ જાય છે અને રમઝાન-રોઝા રાખનારને પણ લઇ જાય છે, મેં દરેકમાં ખુદા જોયો છે જે મારા પરિવારને દાળ-રોટલી પુરા પાડે છે. એક નફરત જ છે જે લોકો પળવારમાં સમજી જાય છે પણ મોહબ્બત સમજતા વર્ષો નીકળી જાય છે. હવે એટલા વર્ષોં ખર્ચ્યા બાદ એની મહેનત પાણીમાં તો ન જ જવા દઉં. પરિવારને ખુશ રાખું છું અને હંમેશા સંતોષથી જીવતા રહેવાનું કહું છું. કોઈ જાતના ખોટા માન – મોભા કે દેખાડા થી મારા પરિવારને દૂર રાખું છું. મારા કોલેજ જતા પૌત્રોને પણ સમજાવું કે કોલેજ એ જ્ઞાનનો ભંડાર છે કોઈ ફેશન પરેડ નથી માટે જે વસ્તુ જેના માટે નિર્મિત છે એટલો જ ઉપયોગ કરવો.

પેલું કહેવાય છે ને કે ફાટેલ/સાંધેલ લુગળે/કપડે અને દુબળે માવતરે શરમાવું નહિ અને મહેનત કરવાથી પાછળ હટવું નહિ. એજ એક લક્ષ્ય રાખશો તો કોઈ પણ કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો. લોકો મને ઘણી વાર પૂછે છે કે જુમાભાઈ તમે હંમેશા હસતા હસાવતા રહો છો, કઈ રીતે? મારો એક જ જવાબ રહે છે, રાજકોટનું પાણી અને મીઠી વાણી, જો સાક્ષાત કરી શકો તો જગ જીતી લેશો.

થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ –
ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી !

એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ-
બાજીઓ હારી હશે,હિંમત હજી હારી નથી..
-શૂન્ય પાલનપુરી