#383 Ajaysinh Chudasama

By Faces of Rajkot, May 20, 2019

સ્ટેચ્યૂ ઓફ યુનિટી તો હમણાં બન્યું પણ મારુ સપનું છે કે “સોસાયટી ઓફ યુનિટી” બનાવું. મારી કોલોનીમાં 1થી 40 શેરીઓ છે અને દરેક શેરીમાં એક યુવાનને કામ સોંપ્યું છે કે એ બધા જ પરિવારની બધી જ ડીટેલ રાખે. ઉંમર થી લઈને એજ્યુકેશન સુધી બધું જ મારી પાસે મોજુદ છે. એમાંથી કોઈને કાંઈ પણ તકલીફ પડે તો બધાં જ એકઠા થઇ જઈએ. કોઈને કોઈ ડોક્યુમેન્ટ્સ ઘટતા હોય તો બનાવવામાં મદદ કરીયે.

મારું નામ અજયસિંહ ચુડાસમા , ખોડિયાર કોલોનીમાં રહું, આ કોલોની થોડી પછાત વિસ્તારમાં ગણાય, જો કે મારુ માનવું છે કે પછાત ખાલી માનસિકતા જ હોય છે. મારી સોસાયટીની સ્કૂલમાં 1 થી 7 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓમાં ટોપ 3 નું દર વર્ષે સન્માન કરીયે, કોઈને સરકારી નોકરી મળે એનું સન્માન કરીયે જેનાથી બાળકો અને યુવાનોમાં જુસ્સો વધે. ઉપરાંત રક્તદાન માટેનું એક ગ્રુપ છે જે ક્યારે પણ રાજકોટમાં કોઈને પણ રક્તની જરૂર હોય ત્યારે ફ્રીમાં મળી રહે તેવી વ્યવસ્થા કરી આપીયે.

મારા લગ્ન વખતે રક્તદાન કરવાનું આયોજન કરવાનું હતું પણ જે જગ્યાએ લગ્ન હતા ત્યાં જગ્યાની તકલીફ ઉભી થઇ પણ મન મક્કમ હતું, બાજુમાં જી.આઈ.ડી.સી. ખાતે કોઈએ રક્તદાનનો કેમ્પ ગોઠવેલો, આપણે તો જંપલાવી દીધું, જાન ને વળાવી જી.આઈ.ડી.સી. તરફ અને રક્તદાન કરાવ્યું.

લોકો ફરિયાદ કરતા હોય છે કે ટેકનોજીએ દાટ વાળ્યો છે, સંપર્કો તૂટતાં જાય છે. પરંતુ, એ તો તમે કેવી રીતે ઉપયોગ કરો એના પર આધાર રાખે છે. અમે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગ્રુપ બનાવ્યા છે અને જેના થકી બીજાં લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરીયે છીએ.

આ ગ્રુપમાં જોડાતાં દરેક લોકોના ઘરમાં જેટલા બાળકો હોય એમને આખા વર્ષની અભ્યાસ કીટ આપીએ જેમાં આખું વર્ષ ચાલે તેટલી પેન, પેન્સિલ, કંપાસ, બૂક્સ , બેગ બધું જ અપાય. મારા જેમ અનેક લોકોનું સપનું છે સોસાયટી ઓફ યુનિટી જેનાથી કામ ઘણું જ સરળ બની જાય છે. રાજકોટ છે તો શક્ય છે.

ને તે છતાંય કામ એનું કાબિલે તારિફ નીકળ્યું
બાકી ટેરવાંને શી ખબર કે રડવું શું ચીજ છે?

એક રાધાને ભિતર પ્રગટાવી શકો તો જ સમજાશે
બાવરી આંખોને મોરપિચ્છનું જડવું શું ચીજ છે?

– પ્રણવ ત્રિવેદી — with Ajaysinh Chudasama Ambli Bhal.