#384 Dr Ritesh Bhatt and School no. 89

By Faces of Rajkot, May 27, 2019

રાજકોટનાં હોઈએ પરંતુ રાજકોટમાં ન હોઈએ તો પણ રાજકોટ માટે કાંઈ થઇ શકે ખરું? આ વિચાર મારા દિમાગમાં ઘણાં સમયથી ઘુમરાતો રહ્યો. મારું નામ ડૉ. રિતેશ ભટ્ટ, ડેન્માર્કમાં રહું છું પણ રાજકોટને હૃદયમા ધડકતું હંમેશા રાખ્યું છે.

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી. નરેન્દ્રસિંહ ઠાકુરની સમક્ષ વાત રજુ કરી અને પ્રાથમિક શાળા નંબર 89 ને અગનપંખ ફાઉન્ડેશન હેઠળ દત્તક લીધી. આ શાળાના 240 જેટલા વિદ્યાર્થીઓનો અને શાળાનો તમામ ખર્ચ મારા શિરે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ને ઉત્તમ શિક્ષણ મળે, આગળ વધવાની તક મળે એવા પ્રયત્નો કરતા રહીયે છીએ. જેવી રીતે ભગવાન દરેક જગ્યાએ ન પહોંચી શકે એટલે એણે “મા” બનાવી, એવી જ રીતે ડેન્માર્કથી હું તો ત્યાં ન પહોંચી શકું એટલા માટે મને રોહિત પંડ્યા અને વિવેક જોશી જેવા સાથીદારો મળ્યા જે શાળાની પ્રવૃત્તિ અને પ્રગતિ પર દેખરેખ રાખે છે. એનો અર્થ એ નથી કે હું મારી જાત ને ભગવાન સાથે સરખાવું છું.

શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીએ અને તેમાં ટોપ 3 બાળકોનું સન્માન કરીએ. મોટા ભાગનાં બાળકો સામાન્ય થી પછાત વિસ્તારોમાંથી આવે છે એમને અને એમના વાલીઓને બોલાવીને કાઉન્સેલિંગ કરીએ, એમને દિશા સૂચન કરીયે કેવી રીતે બાળકોને આગળ લઇ આવવા. જો એમાંથી એક પણ વિદ્યાર્થી ડૉક્ટર બની જાય કે સારા હોદ્દા પર આવી શકે તો મારુ રાજકોટનું ઋણ ઊતરી જાય. ડૉક્ટર બનવું એ જ મોટી વાત નથી, ઘણા લોકો એવું પણ કહે કે ડૉક્ટર – એન્જીનીઅર સિવાય બીજા પણ કરીઅર ઓપ્શન હોય શકે અને તે પણ અમે એમને સમજાવીએ.

ભાવેશભાઈ નીંદોરા શાળા નંબર 89 ના પ્રિન્સિપાલ છે અને એ એટલો જ સહકાર અને ઉત્સાહ દાખવે છે. પ્રયત્ન એવો રહે છે કે બાળકોને ઉત્તમ પ્રકારની સગવડ અને ભણતર મળે અને એક દિવસ તમે મારા વિદ્યાર્થીઓને રાજકોટ ટોપ 10 માં જોઈ શકશો જેમાં મને કોઈ જ શંકા નથી. અને મને જરાય અચરજ નહીં થાય જો વાલીઓ પ્રાઇવેટ શાળા છોડીને મારી દત્તક શાળામાં બાળકોને બેસાડશે. — with Ritesh Bhatt.