#386 Mukesh Doshi & Dikra nu Ghar

By Faces of Rajkot, June 24, 2019

આમ તો હવે વટવૃક્ષ માત્ર વાર્તાઓમાં જ રહી ગયા છે પણ જો કોઈ વિશાળ વટવૃક્ષ નજરે ચડે ત્યારે એક વાર તો મનમાં અહોહો નો ઉદ્દગાર નીકળી જ જાય. પણ, ક્યારેય આ વટવૃક્ષનાં બીજ વિષે વિચાર્યું છે? એક નાનું અમથું બીજ કોઈએ ક્યારેક વાવ્યું હશે જે આજે મહાકાય સ્વરૂપે તમારી સમક્ષ ઉભું છે.
રાજકોટમાં આજે બ્લડબેંક, મોબાઈલ બ્લડબેંક, સ્કૂલ, કોલેજ, વૃદ્ધાશ્રમ જેવી અનેક સંસ્થાઓ વટવૃક્ષ સમાન ફેલાયેલી જોવા મળે છે પણ ચાલો આજે એ બીજ ને રૂબરૂ થઇએ.

મુકેશ દોશી, 1987નું વર્ષ, પીડીએમ કોલેજ પાસેની ચાની દુકાન અને મુઠ્ઠી જેટલા મિત્રો રોજ સાંજે મળીએ અને કંઈક કરવું કંઈક કરવું એવું કહ્યા કરીયે. બધાંના ઘરની અવાક ટૂંકી, કોઈ જ મૂડી નહિ, કોઈ નોકરી નહિ. પરંતુ જો કોલેજ પૂરી થયા પછી છૂટા પડી જઈએ તો ભેગા થવું મુશ્કિલ છે જે ઘણા લોકો જાણતા અને અનુભવી ચુક્યા હશે. એ સમયે રાજકોટમાં એમ્બ્યુલન્સ નહોતી અને નક્કી કર્યું કે રાજકોટને એમ્બ્યુલન્સ દાન કરવી. એ સમયે એમ્બ્યુલન્સની કિંમત એક લાખ પાંસઠ હજાર અને અમારી પાસે એકસોપાંસઠ પણ નહોતા. પણ, મન મક્કમ હતું એટલે રાજકોટમાં ઠેર-ઠેર જઈને ડોનેશન લીધા, બબ્બે રૂપિયાથી માંડી ને લોકોએ દાન આપવાનું શરુ કર્યું અને અમે ક્યારેય કોઈ રકમને નાની નથી ગણી. ત્રણ મહિનાના સતત પરિશ્રમને અંતે દીપચંદ ગાર્ડી તરફથી ખૂટતા 35 હજાર રૂપિયા મળ્યા અને રાજકોટને મળી પ્રથમ સાર્વજનિક એમ્બ્યુલન્સ. આ હતું અમારા મિત્રોનું પહેલું ભગીરથ કાર્ય અને ત્યારે બાદ ક્યારેય પાછું વાળીને નથી જોયું.

એ સમયે રાજકોટમાં કોઈ પ્રાઇવેટ બ્લડબેંક નહોતી, સમય એટલો કપરો કે બી પોઝિટિવ માટે પણ દાતા બોલવા પડતા. એ સમયે મોબાઈલ કે વૉટ્સઅપ ગ્રુપ તો હતા નહિ કે એક મેસેજમાં બધાને માહિતી મળી જાય. એટલે “જીવનજ્યોત” કરીને એક પુસ્તક બહાર પાડ્યું જેમાં બ્લડગ્રૂપ પ્રમાણે નામ અને સરનામાં આપ્યા. પરંતુ, સારા લોકોની સાથે અવળા લોકો પણ મળી રહે એમ એક દર્દી માટે રક્ત મેળવતી વખતે અત્યંત ખરાબ અને અભિમાની વ્યક્તિનો અનુભવ થયો જે સમાજમાં ખુબ જ નામના ધરાવે. પણ મનમાં નક્કી કર્યું કે હું કંઈક એવી વ્યવસ્થા કરી બતાવીશ કે કોઈની પણ મોનોપોલી ન રહે જેથી નાનામાં નાના માણસને કપરા સમયે એવો અનુભવ ન થાય. રાજકોટમાં ડોનેશન એકઠું કર્યું અને વજુભાઇ વાળાની મદદથી બ્લડબેંક ઉભી કરી જે આજની તારીખે બે લાખથી ઉપર બ્લડ યુનિટ્સ, 1250 થી વધુ રક્તદાન કેમ્પ કરી ચૂકી છે અને રાજકોટ જ નહિ ગુજરાતની અનેક બીજી બ્લડબેંકોને બ્લડ પૂરું પડી ચુકી છે. રાજકીય અગમ્ય કારણોસર ૨૦૧૬ માં આ બ્લડબેંક અમને બંધ કરવાની ફરજ પાડવામાં આવી પણ, સેવાનો હેતુ જરા પણ ઓછો ન થયો.

આ બધું એક જ રાતમાં નથી થતું કે આ શબ્દોમાં લખાય એટલુ આસાન પણ નથી હોતું, અથાગ પરિશ્રમ, દોડધામ, માન-અપમાન ગણકારવા પડે છે. આવીજ દોડધામને લીધે હું બીમાર પડ્યો અને અનુભવ થયો કે આપણે પથારીવશ થઈએ તો કોઈની જરૂર તો હોય જ છે. એમાંથી મને વૃદ્ધ લોકોનો ખ્યાલ આવ્યો અને વૃદ્ધાશ્રમનો વિચાર આવ્યો. ધીમે-ધીમે આ વિચાર વિકસતો ગયો અને ઢોલરા ગામનાં “દીકરાનું ઘર” તરીકે આજ સાક્ષી પૂરતો સમાજની સામે ઉભો છે. રાજકોટનાં ભામાષા દીપચંદ ગાર્ડીનો એમાં અત્યંત મહત્વનો ફાળો રહ્યો છે. આ વૃદ્ધાશ્રમમાં થીએટર, મંદિર, ધ્યાનમંદિર, ગાર્ડન જેવી અનેક સગવડો, હોટેલ સમાન રૂમ બધું જ ફ્રીમાં ઉપલબ્ધ છે. એમાં રહેતા વડીલોને દરિયાઈ, હવાઈ મુસાફરી, યાત્રા, અને બીજા અનેક કાર્યક્રમો નો નિયમિત લાભ મળતો રહે છે. મહિને 3 લાખનો ખર્ચ હોવા છત્તા આજે એકવીસ વર્ષ થયા મારે ક્યારેય એનો ખ્યાલ નથી કરવો પડતો અને સાચું કહું તો મને ખબર પણ નથી પડતી ક્યા બિલ ક્યાંથી ચૂકવાય જાય છે. આજ વૃદ્ધાશ્રમમાં વર્ષે દીકરીઓના સમુહલગ્ન પણ લેવાય છે જેમાં દાતાઓ સમગ્ર કરિયાવર તો પૂરો પાડે જ છે પણ જિંદગીભર એ દીકરીની જવાબદારી પણ લે છે. એના સારા-નરસા પ્રસંગે જઈને ઉભા રહેવાની જવાબદારી પણ અમારી જ રહે છે.

મારી મહેનત જોઈને રાજ્ય સરકારે “પ્રાઇડ ઓફ ગુજરાત” એવો સર્વશ્રેષ્ઠ સામાજિક કાર્યકર્તાનો એવોર્ડ પૂ.મોરારી બાપુના હસ્તે આપ્યો. રાજકોટ નગર શિક્ષણ સમિતિનો અધ્યક્ષ બનાવ્યો. રાજકોટની 98 જેટલી સરકારી શાળાઓના પચીસ હજાર વિદ્યાર્થીઓના વિકાસની જવાબદારી મને સોંપી. મેં પૂરી લગન સાથે કામ કર્યું, સમય સમય પર ચેકીંગ, શિક્ષણ કમિટીમાં ચેન્જીસ કર્યા, સમયસર આવવું-જવું એવી કડક વ્યવસ્થાઓ કરી. જેનાથી કેટલાક લોકોને મારુ કામ ન પણ ગમ્યું અને મારા ઉપર આક્ષેપો પણ થયા. પરંતુ, મારે તો ફક્ત મારુ કામ કર્યે જવાનું હતું આવી બાબતોમાં પડવું જ નહોતું.

રાજકોટના 300 થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને દત્તક લીધા છે અને તેમના રક્ત બદલવાની સંપૂર્ણ જવાબદારી એક પણ પૈસો લીધા વિના ઉપાડવાની નેમ આજની તારીખ સુધી અકબંધ છે. એટલું જ નહિ આ બાળકોને ફરવા લઇ જવા, પીકનીક, શોપિંગ, મૂવી, આનંદમેળા જેવી પ્રવૃતિઓ પણ કરવાની જેનાથી એમના જીવનમાં ફક્ત નવું રક્ત જ નહિ પણ નવો જીવસંચાર પણ થાય.

સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ અને કોટેચા સ્કૂલ જયારે બંધ થવાની કગાર પર હતી ત્યારે ટ્રસ્ટીઓએ મને જવાબદારી સોંપી, માત્ર 200 વિદ્યાર્થીઓ બાકી રહ્યા હતા અને શાળાનો સ્ટાફ એમજ બેસી રહેતો કારણ કે કોઈ ક્લાસિસ જ ન રહ્યા. એવા સમયે મેં અને મિત્રોએ પંચ્યાસી લાખ રૂપિયા દાન આપીને સ્કૂલનું કામ ઉપાડી લીધું, આજે કોટેચા સ્કૂલમાં 850 દીકરીઓ ભણે છે એમની તમામ ફી માફ છે અને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં ગુજરાતી મીડીયમ બાદ એટલો બધો પ્રતિસાદ મળ્યો છે કે અંગ્રેજી માધ્યમ પણ શરુ થવાનું છે.

રાજકોટને માત્ર અને માત્ર એટલું જ કહીશ કે કામ કર્યે રાખો, કોઈ અપેક્ષા ન રાખશો. સમય આવ્યે રાજકોટ બધાની કદર કરી જાણે છે. તમારું નાનામાં નાનું કામ પણ રાજકોટના લોકો ભૂલશે નહિ. આ બધા કામો મારા એકલાથી તો શક્ય નથી જ બન્યા એમાં મારા મિત્રો, કાર્યકરો મારી બાજુ બનીને કામ કરી રહ્યા છે. અને રાજકોટે 140 જેટલા સન્માન આપ્યા છે જે સાબિત કરે છે કે તમારો કોઈ પણ પ્રયત્ન વ્યર્થ નથી જતો.

અંતરમનથી આરાધી લે,
પહોંચી જાશે છેક કબીરા.

ઈચ્છાઓના ઢગલા વચ્ચે,
ટૂંકી જીવન રેખ કબીરા.

કાંઈ તને નડતું ના હો તો,
પહેરી લેને ભેખ કબીરા.

-‘શિલ્પી’ બુરેઠા (કચ્છ) — with Mukesh Doshi