ઝવેરચંદ મેઘાણીની અમરકૃતિ “ચારણકન્યા” જો વાંચી ન હોય તો જરૂર વાંચજો, શેર એક લોહી ચડી જશે અને જો વાંચી હશે તો નજર સમક્ષ બાળપણ રમતું થઇ જશે. સૌરાષ્ટ્રની માટી કૈક અનોખી જ છે જેથી ઝવેરચંદ મેઘાણી જેવા ધુરંધર શાયરોએ એના ગામડે-ગામડાં ખેડી નાખ્યા અને પાંચ-પાંચ સૌરાષ્ટ્ર્રની રસધારો આપી. આ વાત એટલે યાદ આવી કે રાજકોટની એક એવી કન્યાને મળવાનું થયું જે મને “ચારણકન્યા”ની યાદ અપાવી ગઈ.
હિના ચાવડા, માત્ર ૧૫ વર્ષની ઉંમરથી સાપને રેસ્કયુ કરવાનું શરુ કરી દીધું, ૧૭ વર્ષની ઉંમરે ભણવાની સાથે નોકરી શરુ કરી દીધી. મારા દાદા ફોરેસ્ટ રેન્જર હતા અને એમણે જ મને શીખવ્યું કે દરેક પશુ-પ્રાણી-પક્ષીનો ધરતી પર એટલો જ અધિકાર છે જેટલો આપણો. લોકોના ઘરમાંથી સાપ નીકળે એટલે જોયા જાણ્યા વિના પહેલા લાકડી ઉપાડે અને મારી નાંખે. ભલા માણસ જરા જુવો તો ખરા કે સાપ ઝેરી છે? નુકસાન કરે છે? એને મારવા સિવાય કોઈ રસ્તો જ નથી? એક માત્ર ફોન કરવાથી રાજકોટમાં ગમે ત્યાં હો, અમારી ટીમનાં સદસ્ય સાપને બચાવવા દોડી જાય છે. અજગર અને ઝેરી-બિનઝેરી સાંપોને બચાવી અને એમને સુરક્ષિત જગ્યાએ છોડી આવવાનો શોખ અને જવાબદારી.
ઘણી માન્યતાઓ જેવી કે સાંપ દૂધ પીવે, બીન વગાડો તો ડોલે લીધે એમને ઘણી યાતનાઓથી પસાર થવું પડે છે. માટે આવી માન્યતાઓ થી દૂર રહેવું. કાળોતરો, ખડચીતરો, ફુરસો જેવા અનેક સાંપોની પ્રજાતિઓ રાજકોટમાં જોવા મળે છે. જો સાંપ કરડે તો સિવિલ હોસ્પિટલમાં જ જવું જ્યાં ઝેરી સાંપ ઇન્જેક્શન મળશે જ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં મળવા મુશ્કેલ હોય. ઉપરાંત જે વ્યક્તિને સાપ કરડ્યો હોય એને સુવડાવી રાખવી અને હલનચલન તદ્દન ન થવા દેવું જેનાથી ઝેર શરીરમાં ફેલાતું ધીમું પડે.
મારાં મમ્મી-પપ્પા એ ક્યારેય મને કોઈ પણ સમયે સાંપ રેસ્ક્યુ કરવાં જતા રોકી નથી, ક્યારેક તો મારા પપ્પા પણ મારી સાથે આવે છે. સ્કૂલ,કોલેજમાં જઈને લોકોને માહિતી પુરી પાડું કે સાંપ દેખાય તો શું કરવું અને શું ન કરવું. રાજકોટમાં એક માત્ર હું છોકરી છું જે સ્નેક રેસ્ક્યુનું કામ કરું છું અને મને એમાં ખૂબ જ મજા આવે છે.
જો રાજકોટની રસધાર લખાય તો એમાં હિનાનું નામ જરૂર આવે, ગરોળી જોઈને બે ફૂટ ઉછળી પડતા છોકરા-છોકરીઓએ થોડુંક શીખવા જેવું ખરું!
વૃક્ષને પુછયું અમસ્તું, શું નવું છે?
પાંદડુ કહે ,બોલ ખરતા શીખવું છે?
એક ઝરણું કાનમાં આવી કહે,
ચાલ અંહીથી જ કુદવું છે?
~કૃષ્ણ દવે — with Hina Chavda.
Recent Comments