રાજકોટની કઈ એવી શેરી હશે જેમાં ક્રિકેટની રમત ન રમાતી હોય? નાનપણથી મારામાં પણ ક્રિકેટનો કીડો મગજની અંદર સુધી ઘુસી ગયેલો. ક્રિકેટ રમવા કરતા પણ ક્રિકેટના આંકડાઓ અને વિશ્લેષણનું ગજબનું આકર્ષણ જે આજે મારા શૉખ અને આવકનું માધ્યમ પણ બન્યું છે.
ઉમંગ પાબારી, એન્જીનીઅરિંગથી લઈને આજ સુધી કદાચ જ એવી કોઈ ક્રિકેટ મેચ રમાઈ હશે જે મેં જોઈ ન હોય. 2003ના વર્લ્ડ કપમાં સચિને જયારે અપર કટ શોટ માર્યો હતો ત્યારેથી જ ક્રિકેટ જાણે ધર્મ બની ગયેલો. શોટ્સ, નંબર્સ, રેકોર્ડ્સ, માઈલસ્ટોનસ બધું જ જાણે આંગળીના ટેરવે રમતું થઇ ગયું. માત્ર ભારતના જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આંકડાઓ મારા મગજમાં કોતરવા મંડ્યા.
ઓનલાઇન ક્રિકેટના આર્ટિકલ્સ વાંચતા એક વખત મને લખવાનો વિચાર આવ્યો અને મેં આર્ટિકલ્સ લખીને નામાંકિત વેબસાઇટ્સને મોકલ્યા. મારા એક પછી એક 6 આર્ટિકલ્સ રિજેક્ટ થયા, કોઈ પણ વ્યક્તિને નાસીપાસ થવા માટે એટલું પૂરતું હોય છે. પણ, આજી અને ન્યારીનું પાણી પીધેલી પ્રજા એમ ક્યાં પાછી પાડવાની. સ્પોર્ટસકીડા કરીને ફેમસ વેબસાઈટ પર મારો પ્રથમ આર્ટિકલ આવ્યો અને ત્યારથી આજ સુધી પાછું ફરીને નથી જોયું. Firstpost, Cricbuzz, Scroll, ScoopWhoop, Sportskeeda, CricTracker જેવી કેટલી વેબસાઇટો પર મારા આર્ટિકલ્સ આવે છે.
કેનેડામાં માસ્ટર્સ કરવા માટે ગયો ત્યારે એમ હતું કે 9 કલાક થી વધારેનો સમયનો તફાવત મારા શોખને આડે આવશે પરંતુ, એન્જીનીઅરીંગ, પાર્ટ ટાઈમ જોબ અને ક્રિકેટની વચ્ચે બીજું કશું જ ન દેખાયું. ઉંઘના કલાકો ઓછા કરીને પણ મેચ તો જોતો જ અને લાઈવ સ્કોર, લાઈવ બ્લોગ્સ અને મેચ પોઈન્ટ્સ લખતો. રાજકોટના યુથને કહેવા માંગીશ કે જો તમારામાં લખવાની આવડત હોય તો આર્ટિકલ્સ લખીને તમે સાઈડ ઈન્ક્મ બનાવી શકો છો. ઓનલાઇન કેટલીય વેબસાઈટ છે જે દરેક ભાષામાં આર્ટિકલ્સ પબ્લિશ કરે જ છે.
મારા આર્ટિકલ્સ અને ક્રિકેટ પ્રેમને લીધે આજે હું સ્ટાર સ્પોર્ટ્સ પર મેચ રીવ્યુસ પણ કર્યા છે. ટોરન્ટોમાં બે મેચોમાં લાઈવ કોમેન્ટરી પણ કરી છે. કોમેન્ટરી બોક્સમાં બેસીને લાઈવ કોમેન્ટરી આપવાનું મારુ સ્વપ્ન કેનેડામાં પૂરું થશે એવું માનવામાં પણ નહોતું આવતું. હવે મારી ઈચ્છા રાજકોટના સ્ટેડિયમમાં કોમેન્ટરી આપવાનું છે અને જે જલ્દી જ પૂરું થશે. ફિલ્ડમાં કોઈ શોટ ન મારી શકું પણ મારી કોમેન્ટ્રીમાં બાઉન્ડરી મારનાર બેટ્સમેન જેટલો જ ઉત્સાહ હશે.
રાજકોટ માટે એટલું કહીશ કે દુનિયાના ગમે તે ખૂણે જાવ પણ શોખ કદી ન છોડશો. રાજકોટમાં રહો કે કેનેડામાં આપણે પાતાળમાંથી પણ પાણી કાઢી શકીએ છીએ અને છેલ્લે અંગ્રેજી શીખવું લગભગ જરૂરી છે એટલે બનતા પ્રયત્નો કરશો. — with Umang Pabari.
Recent Comments