2019નું વર્ષ ચાલે છે અને જો એમ કહું કે લગ્ન પછી છોકરીને એના સાસરા પક્ષ આગળ ભણવા દે તો? કે નોકરી કરવા દે તો? પચાસ ટકાથી વધુ લોકો ના પાડી દેશે. પણ મને 1962ની સાલમાં લગ્ન થયા ત્યારે મારા સસરાપક્ષના લોકોએ આગળ ભણવા માટે સામે ચાલીને પ્રોત્સાહન આપેલું અને નોકરી કરવાની પણ છૂટ આપેલી. એ ખરેખર રાજકોટનો સતયુગ કહીશ તો ખોટું નહિ લાગે.
કંચનબેન કામદાર, ૮૯ વર્ષની ઉંમરે, પાંચ પાંચ દાયકાઓથી આંકડા અને કાયદાની આંટીઘૂંટીઓ ઉકેલતા અડીખમ ઉભા છે. સૌરાષ્ટ્ર અને રાજકોટનાં સર્વ પ્રથમ સી.એ. રમણીકભાઇ સંઘવીના બહેન, મારા ભાઈની ઓફિસમાં જ એકાંઉન્ટ્સ શીખી અને એમ.એ. અને એલ.એલ.બી. ની ડિગ્રી પણ હાંસિલ કરી. ત્યારેથી લઈને આજ સુધી ફરીને પાછું નથી જોયું. ઘર અને પરિવારની વચ્ચે મારી જાતને ઉજાગર કરી અને એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
રાજકોટની જનતાને જરૂર કહીશ કે બધાને મારા જેટલી સગવડો ન મળે સાસરાવાળાનો સપોર્ટ કે ભાઈની ઓફિસ ન હોય તો પણ પ્રયત્ન કરવાનું ક્યારેય ચૂકવું નહિ. જિંદગીમાં કોઈ અફસોસ ન રહેવો જોઈએ કે જો આમ કર્યું હોત તો આમ થઇ જાત. બનતું કરી છૂટવું. મને જયારે વૃદ્ધાશ્રમો , ટ્યુશન ક્લાસીસ, વેલેન્ટાઈન્સ ડે, રોઝ ડે અને મોંઘુદાટ પ્રાથમિક શિક્ષણ જોઉં ત્યારે નિઃસાસો નીકળી જાય છે કે આપણી આવી હાલત કેમ છે? આપણા જમાનામાં એક જ ચોપડાના સેટમાં બધા ભાઈ બહેનો ભણી જતા પરંતુ આજે તો દર વર્ષે અભ્યાસક્રમ બદલાય છે છતાં પ્રજા કેમ નમાલી થતી જાય છે. શિક્ષણનું સ્તર ઉપર જઈ રહ્યું છે કે તળિયું શોધી રહ્યું છે ક્યારેક સમજાતું નથી..
પોતાનું મન સન્માન જાળવીને ભણવું અને નોકરી કરવી એ ખરી આઝાદી છે, નહિ કે અસ્તવ્યસ્ત કપડાં પહેરીને સ્કૂટી પર દોસ્તો સાથે જઈને ગુલાબ અને ચોકલેટોની લેતી દેતી કરવી. પશ્ચિમી સભ્યતાનું અનુકરણ કરવું ખોટું નથી પરંતુ આપણે એની પાછળનો ખરો અર્થ સમજવામાં નિષ્ફળ રહ્યા છીએ અને ખાલી બાહ્ય દેખાડો કરવો છે.
ઇચ્છાઓની કાવડ લઈને,
હોવાનો બોજો ઉંચકું છું.
ઇન્દ્રધનુષ્યો ભૂંસી નાખો,
મારો શ્રાવણ હું ચીતરું છું.
– શ્યામ સાધુ
Recent Comments