#392 Kaushar Haji

By Faces of Rajkot, September 1, 2019


મો. રફીનો અવાજ એવા અનવર હાજી ભાઈની સ્ટોરી આપણે સહુએ જાણી અને વખાણી અને કહે છે ને કે મોરનાં ઈંડા ચીતરવા ન પડે પણ હાજી ભાઈએ તો ગર્ભસંસ્કરથી જ શરૂઆત કરી દીધેલી.

કૌશર હાજી, જયારે ગર્ભમાં હતી ત્યારે મમ્મી હાજીભાઇ જયારે રિયાઝ કરે ત્યારે જોડે બેસે. હું જન્મી પછી પપ્પા મને અલગ અલગ રાગ ગાઈને સુવાડતાં. આમ મને નાનપણથી જ તાલીમ મળતી ગઈ અને માત્ર 3 વર્ષની ઉંમરે બાલભવનના એક કાર્યક્રમમાં દૂરદર્શનને મારો અવાજ પસંદ પડી ગયો. ઘણા વર્ષો સુધી રાજકોટ સ્ટેશનની શરૂઆત મારા ગાયેલા ગીતથી જ થતી. નાનપણથી જ ભણવામાં ખુબ જ હોશિયાર હતી પણ સંગીતના ભોગે તો કશું જ કરવું નહોતું. ઘરમાં ફિલ્મી સંગીતથી દૂર જ રહેતી.

ફિલ્મી ગીત-સંગીતમાં કઈ ખોટું નથી પણ મારે તો શાસ્ત્રીય સંગીત પર જ ફોકસ કરવું હતું એટલે બીજું બધું જ ગૌણ બની ગયું. મારુ પહેલું સ્ટેજ પર્ફોરમન્સ પૂ. મોરારિબાપુ ની કથામાં અને એ પણ સખત મેલેરિયાની અસર હેઠળ થયેલું. ખુબ જ તાવ અને થાક હતો પણ જયારે આલાપ છડ્યો ત્યારે બસ હું અને સંગીત જ. બીજા દિવસે મોરારીબાપુએ મારા નામ સાથે અને રાગ સંગીત અને ઢાળ સહીત મારો ઉલ્લેખ કર્યો અને મારા આનંદની સીમા ન રહી.

અશ્વિની ભીડેજી જોડે જયારે તાલીમ લેવા માટે ગયેલી ત્યારે એમણે 2 મિનિટ માટે કઈંક સાંભળવા માટે કહ્યું અને શરત એવી કે જો એમને પસંદ પડે તો જ તાલીમ આપે. મેં તો ગભરાતા ગભરાતા ગાયું પણ અશ્વિનીજીએ કહ્યું આજે સાંજે મારા કાર્યક્રમમાં કૌશર મારી સાથે ગાશે. મારા તો હોશ જ ઉડી ગયા કે હું તો તાલીમ લેવા આવેલી અને એમણે તો અમને સાથે ગાવાનું જ કહી દીધું. બસ ત્યાર પછી કદી ગભરાટ કે હતાશા જેવી લાગણી થઇ જ નથી.

રાજકોટને એટલું જરૂર કહીશ કે શોખ હશે તો દુનિયા તમારી કદર કરશે જ ફક્ત જરૂર છે સંપૂર્ણ સમર્પણની. એ માટે રાજકોટ પૂરતું છે તમારે અમદાવાદ કે મુંબઈ ભણી આંધળી દોટ મુકવાની જરૂર નથી.

મોરપીંછની કલગી સાથે રંગ-રંગનાં સમણાં મારાં,
સઘળાં બોલ્યાં ધીરાં ધીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.
રોમ રોમમાં આજ અચાનક લાગ્યું એવું તીણું તીણું,
રણકયાં છાતી વચ મંજીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.
– અનિલ ચાવડા — with Bina Sanghani and Kaushar Haji.