આપણે બધાએ નાના હોઈએ ત્યારે સાઇકલ ચલાવી જ હશે અને એના સંસ્મરણો કદી ન ભુલાય. મોટા થઈએ એટલે સાઇકલ દૂર થઇ જાય પણ, આ “સાઈકલની દુનિયા”થી આપણે કદાચ અજાણ છીએ. રાજકોટમાં વિદેશને ટક્કર મારે એટલી સુંદરતા પથરાયેલી છે પરંતુ આપણને કાર કે બાઇકમાં ભાગ્યેજ આજુબાજુ જોવાનો સમય રહે છે. પણ, મેં જામનગરથી માંડીને ઉદયપુર સુધી સાઇકલ ચલાવીને અલગ અલગ ઋતુમાં અને મજા માણી છે. અને આ વર્ષે પેરિસમાં પણ જઈને ત્યાંની સુંદરતા સાઈકલની દુનિયા મારફત માણી.
મારુ નામ વિજય દોંગા , પહેલી વાર જયારે રાજકોટથી ગોંડલ સુધી સાઇકલ ચલાવી ત્યારે જ નક્કી કરી લીધું હતું કે પાછું નથી હટવું અને સાઈકલની દુનિયા કહો તો દુનિયા બની ગઈ. જેમાં પ્રકૃતિની સાથે સાથે નવા મિત્રો, નવી સાઇકલો, નવા રસ્તાઓ અને નવી મંઝિલો જોડાઈ. ગોંડલ બાદ જામનગર સુધી સાઇકલ ચલાવી અને ગુજરાત અને ઇન્ડિયાની સાઇકલ ઈવેન્ટ્સ માં ભાગ લઇ ૧૦૦, ૨૦૦ અને ૬૦૦ કિલોમીટર સુધી સાઇકલ ચલાવી. જેમને જાણ ન હોય એમના માટે કહી દઉં કે આ કોઈ રેસ નથી હોતી પરંતુ અમુક કલાકોમાં તમારે અમુક કિલોમીટર પુરા કરવાના હોય છે. જેમ કે ૧૨૦૦ કિલોમીટર ૯૦ કલાકમાં પુરા કરવાના અને રસ્તામાં તમે આરામ કરો, જમો કે ઊંઘો એ બધું જ એ ૯૦ કલાકની અંદર જ પૂરું કરવાનું. બોલવામાં શાયદ સરળ લાગે પરંતુ, શરૂઆતમાં તો ૧૦ કિલોમીટર સાઇકલ ચલાવ્યા બાદ ૧૦ કલાકની ઊંઘની જરૂર પડતી. આ ઉપરાંત, સીધો સરળ રસ્તો પણ ન હોય, ખાડા ટેકરા, ઢાળ અને પહાડ પણ આવે.
પેરિસની ઇવેન્ટમાં જયારે જવાનું થયું ત્યારે પુરી તૈયારીઓ કરેલી. ત્યાં સાઇકલો માટે અલગ રસ્તાઓ હોય છે પરંતુ એ જંગલો અને પહાડો માંથી થઇ ને નીકળે એટલે અહીં એની તૈયારી કરવા માટે સામાણા, હિંગોળગઢ જેવા પહાડી વિસ્તારોમાં સાઇકલ ચલાવી. પેરિસમાં તો વરસાદ પણ ગમે ત્યારે આવે એટલે એ બધી તૈયારીઓ સાથે એક ગ્રુપ બનાવીને ગયેલા. ગુજરાતમાંથી ૫૮ લોકોએ ૧૨૦૦ કિલોમીટર માટે પેરિસની પ્રખ્યાત Paris–Brest–Paris (PBP) ભાગ લીધો. ૬૮ દેશોમાંથી હજારોની સંખ્યામાં લોકો આવેલા કેમકે આ ઇવેન્ટ પેરિસની શાન છે અને ત્યાંના લોકો અંગ્રેજી ન જાણતા હોવા છતાં ખુબ મદદરૂપ હોય છે કે જાણે એમની પોતાની ઇવેન્ટ હોય. રસ્તામાં દરેક ગામમાં અલગ અલગ જગ્યાએ સ્વેચ્છાએ લોકો સેવા માટે ખાવા, પીવાનું, સાઇકલ માટે મેકેનિક , આરામ કરવાની જગ્યા બધું પૂરું પાડવા માટે ઉભા હોય છે. જેમ આપણે ત્યાં લોકો યાત્રા ના સંઘને રસ્તામાં સેવાઓ પુરી પાડે એટલી જ સાહજિક રીતે ત્યાંના લોકો આ ઇવેન્ટ માટે સેવાઓ પુરી પડતા હોય છે.
ઇવેન્ટ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, થાક લાગે પણ ઊંઘ ન આવે, અતિશય ઊંઘ આવે પણ જયારે ઊંઘવા જઈએ તો ઊંઘ જ ન થાય. 20-25 મિનિટ ઊંઘ કરીને ફરીથી સાઇકલ ચલાવવાની એમજ જમવાનું એના લીધે હું ૩ વખત સાઇકલ પરથી પડી ગયો અને વાગ્યું પણ ખરું. મારી સાઇકલ પણ ખરાબ થઇ ગઈ જે ત્યાંના વૉલન્ટિયરોએ તરત જ બનાવી આપી. અત્યાર સુધી ગુજરાતમાંથી માત્ર એક જ વ્યક્તિએ આ ઇવેન્ટ પુરી કરી હતી પરંતુ આ વર્ષે અમે 3 જણાએ એમના જ માર્ગદર્શન હેઠળ આ ઇવેન્ટ પુરી કરી.
જયારે સાઈકલની અલગ દુનિયા ત્યાં જોઈ ત્યારે ખુબજ અચરજ થયું કારણ કે ૫૦૦ થી વધુ લોકો તો ૬૦ વર્ષની ઉપરના હતા, ઘણા દિવ્યાંગો પણ એટલા જ ઉત્સાહ સાથે એમની અવનવી સાઇકલો લઈને આવેલા. એક પગ હોય એક હાથ હોય પરંતુ ભાગ તો લેવો જ એ જોઈને મારો ઉત્સાહ બમણો થઇ જતો. એટલું જ નહિ આ લોકો જ તમને રસ્તામાં ઉભા રહીને પણ તમારી મદદ એમના ટાઈમ ની ફિકર વિના કરે.
રાજકોટને કહીશ કે બાઈક, કાર ગમે તે ચલાવો પરંતુ ઘરમાં એક સાઇકલ તો હોવી જ જોઈએ અને રજા હોય ત્યારે રાજકોટની સુંદરતા માણવા માટે નીકળી પડવાનું. હું વ્યવસાયે વકીલ છું પણ સાઇકલ અને સ્પોર્ટ્સ ને પ્રાધાન્ય આપું છું જેનાથી હેલ્થ જળવાઈ રહે છે.
ભાવ એક જ પ્રણય ના, ભાગ્ય છે કેવળ જુદા..
કોઇ રાધા થઇ ગયા તો કોઇ મીરાં થઇ ગયા..!
Recent Comments