મનુભાઇ જગજીવનદાસ વિઠલાણી
મેં એક વખત એક સ્કૂલની મુલાકાત વખતે એક બાળકને પૂછ્યું કે ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી વચ્ચે શું તફાવત? અને કલ્પના બહારના જવાબો મળ્યા. પગ નીચેથી જમીન ખસી ગઈ. પણ, ધીરે ધીરે આંખ આડા કાન કર્યા અને હવે આદત પડી ગઈ.
માત્ર ૧૮ વર્ષની ઉમર અને ઘરમાં લક્ષ્મીની રેલમછેલ, પાણિયારે ઊભીને પાણી માંગુ તોય ૧૦ જણ પાણી આપવા દોડે એવી દોમદોમ સાયબી છોડીને આઝાદીની ચળવળમાં જોડાયેલો. મેંદરડામાં ઓઇલ મિલના માલિક હોવાને લીધે ઘણા મહાનુભાવોની ઘેર આવજાવ રહેતી, રાજકોટથી ઢેબરભાઈ, જૂનાગઢથી વિનુભાઈ રાણા, કેશોદ થી રતુભાઇ અદાણી, નાથુરામ શર્મા, ચિત્તરંજન રૂગનાથ અને બીજા અનેક લોકો આવતા અને આઝાદીની ચળવળના કાર્યક્રમો બનતા. એ જમાનામાં વર્તમાનપત્રો તો આંગળીની વેઢે ગણાય એટલા અને સોશિઅલ મીડિયા કે ટેલિફોન હાથવગા નહોતા એટલે જાતે જ જઈને મળવું પડતું. ઓઇલ મિલ અને પેઢીની આડ લઈને અંગ્રેજોથી બચીને ભૂગર્ભોમાં મિટિંગો થતી. ગમે ત્યારે ગમે તેની ધરપકડ થતી, કોઈ સજાની લિમિટ કે કારણ દર્શાવવું પણ જરૂરી ન સમજતા અને ધરપકડના કોઈ રેકોર્ડ પણ નહોતા, થર્ડ ડિગ્રીની સજા તો જાણે પાણીની જેમ અપાતી. તેમ છતાં ખેડૂતોને સમજાવવા, અંગ્રેજો પર નજર રાખવી, અહિંસક આંદોલનો કરવા, ગામે ગામ ફરીને લોકોને જાગૃત કરવા માટે ગાંધીજી, ઝવેરભાઈ મેઘાણી અને સરદાર પટેલ જોડે કામ કર્યું. મેંદરડા જેવા નાના ગામમાં અને એ પણ ઓઇલ મિલના માલિકનો પુત્ર એટલે જેલમાં જવું પડે તો ઘરનાને નાનમ લાગતી અને શરમાવું પડતું. પણ, મેં આઝાદીની લડતનું કામ ન જ છોડ્યું.
કદાચ તમને ખબર નહિ હોય પણ ગાંધીજી ઉપર જીવનું જોખમ હતું અને બબ્બે વખત એમનો જીવ બચાવેલો. મુંબઈના માધવ બાગમાં ૩૦૦-૪૦૦ જેટલા લોકોને ગાંધીજી વિરૃદ્ધ તૈયાર કરાતા.
આઝાદી મળ્યા પછી પણ અમને આઝાદી ન મળી કારણકે જૂનાગઢના રાજા મહોબત ખાને પાકિસ્તાનની તરફેણ કરી. “આરઝી હુકુમતની લડાઈ” ના નામે ફરીથી જૂનાગઢની લડતમાં જંપલાવ્યું. સરદારને દેશી રજવાડાને દિલ્લીમાં તેડાવીને મંત્રણા કરવાનું કામ સોંપાયું અને નેહરુજીને કાશ્મીરના વિલીનીકરણનું કામ સોંપાયું. એ પછી જે થયું એ દેશનું ભાગ્ય અને સૌનું ભવિષ્ય બની ગયું.
સરદારે કૂટનીતિ અપનાવીને જૂનાગઢના રાજા મહોબતસિંહને રાતો રાત પાકિસ્તાન ભેગો કરી દીધો. એને કુતરા પાળવાનો જબરો શોખ હતો અને એની રાણીને સોનુ જમા કરવાનો. કેશોદ એરપોર્ટ પરથી ભાગતી વખતે એ પોતાની સાથે 60 જેટલા કુતરાઓ અને એની રાણી કેટલાય કિલો સોનુ સાથે લઇ ગયેલા.
જેની સાથે જૂનાગઢને ભારતમાં ભળવાનું સૌભાગ્ય મળ્યું.
સ્વર્ગીય અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદી, વજુભાઇ વાળા, પ્રતિભા પાટિલ ઉપરાંત બીજા ઘણા રાજ્યો અને સરકાર તરફથી સન્માન મળ્યા છે પરંતુ ઘણા લોકો પોતાના નામો સરકારની યાદીમાં સામેલ ન કરી શક્યા એવા આઝાદીના લડવૈયા આજે દયનિય સ્થિતિમાં જીવી રહ્યા છે. એમને તમારા પૈસા કે એવોર્ડની જરૂરત નથી પરંતુ ફક્ત સન્માનની જરૂર છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આનંદી બેન પટેલે સત્યાગ્રહીઓને સારું સન્માન આપ્યું અને જાળવી રાખ્યું છે.
દેશને એટલી જ વિનંતી છે કે અમારું કામ અહીં પૂરું નથી થતું, હજુ તો ઘણું આગળ જવાનું છે. અંગ્રેજો ૧૫૦ વર્ષ આ દેશનો વિકાસ અટકાવીને બેઠેલા એને સરભર કરવાનું કામ હાજી બાકી છે. આ જવાબદારી ફક્ત નેતાઓની જ નહિ પણ આપણી સહિયારી છે.
भीड़ बढ़ रही है दुनिया मैं, नए मकां बन रहे हैं
घर को ये शिकायत के….. लोग कम हो रहे है।
Recent Comments