#397 Ravi Chauhan, Zoo education Officer

By Faces of Rajkot, November 12, 2019

દરેક વ્યવસાયમાં રાજકોટ પોતાનો ડંકો વગાડી ચૂક્યું છે. આપણે રાજકોટના ઘણા અવનવા ચહેરાઓને જાણ્યા અને માણ્યા. આ દિવાળીમાં રાજકોટનું પ્રાણીસંગ્રહાલય ન્યુઝમાં હતું કે ત્યાં રેકોર્ડ બ્રેકીંગ મુલાકાતીઓ આ વર્ષે આવ્યા જે આપણા માટે ખરેખર ગર્વની બાબત છે પરંતુ એની પાછળની મહેનત માટે રાજકોટનાં આ ચેહરાને પણ જાણવો જરૂરી છે. હા, રાજકોટ અહીં પણ પાછળ નથી.

રવિ ચૌહાણ, રાજકોટ પ્રાણીસંગ્રહાલયમાં ૨૦૧૫ થી એડ્યુકેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ૨૦૦૮-૨૦૧૫ સુધી સક્કરબાગ ઝૂમાં રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી બજાવી. તમને જાણીને આનંદ થશે કે ઝૂનું કામ માત્ર પ્રાણી પ્રદર્શનનું જ નહિ પણ રિસર્ચ, રિક્રિએશન અને બ્રીડીંગ માટે પણ થાય છે. સરકારનાં માર્ગદર્શન હેઠળ દરેક ઝુને અલગ અલગ પ્રાણીની પ્રજાતિઓ અપાય છે. ખાસ કરીને જે લુપ્ત થવાને આરે હોય છે. ઝૂમાં તેમને ઓબઝર્વેશન હેઠળ ખોરાક, મનોરંજન પૂરું પાડવામાં આવે છે અને તેમની વસ્તી વધે એવા પ્રયાસો કરાય છે.

મેં જયારે ૨૦૧૫ માં હિરપરા સાહેબ હેઠળ રાજકોટ પ્રાણીસંગ્રહાયલ જોઈન કર્યું ત્યારે ત્યાં માત્ર ૩૦ જેટલી પ્રજાતિઓ હતી જે આજે વધીને ૫૭ થઇ છે અને હજુ પણ ગ્રોથ ચાલુ જ છે. હજુ પણ જેમને માહિતી ન હોય એમના માટે જણાવતાં આનંદ થશે કે પ્રાણીસંગ્રહાલય ઝૂમાં બીજી અનેક પ્રવૃતિઓ થાય છે. અહીં બાળક્રીડાંગણ પણ છે જેમાં બાળકોને ખાસ કરીને માહિતી પુરી પાડવામાં આવે છે. તેમને ગમ્મત સાથે જ્ઞાન મળે એવા પ્રયત્નો કરાય છે. આ ઉપરાંત પ્લાન્ટેશન, નેચર કેમ્પ, યુથ ફેસ્ટિવલ્સ જેવા આયોજનો થાય છે. સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે અનેક કાય્રક્રમો થાય છે. અને પ્રાણી સંગ્રહાલયની કોઈ પણ પ્રવૃતિ ટીમ વગર શકય જ નથી. અને મારી સફળતાનો શ્રેય મારી સાથે કામ કરતાં દરેક વ્યક્તિ ને પણ જાય છે.

ઘણા વિદ્યાર્થીઓ વોલેન્ટિએર તરીકે પણ અમારી સાથે જોડાય છે. જે પ્રાણીસંગ્રહાલયમાં અમારી અનેક રીતે મદદ કરે છે. જયારે ખુબ જ ભીડ હોય કે કોઈ વિશેષ કાર્યક્રમો હોય ત્યારે તેમનો સહકાર મળી રહે છે. રાજકોટ ઝૂ હંમેશા વોલેન્ટેયર્સને આવકારે છે અને એ અમારો ઉત્સાહ પણ વધારે છે. પરંતુ, મોટા ભાગે લોકો શરૂઆતમાં શૂરા સાબિત થાય છે અને પછી જતા રહે છે. લોકોની એવી અપેક્ષાઓ હોય છે કે સીધું એને સિંહ સાથે જ રમવા મળે.

બધા જ પ્રાણીઓનાં અલગ અલગ મૂડ અને મિજાજ હોય છે. એમને સમજવા પડે એમની સાથે દોસ્તી કરવી પડે જે ખાસ્સો સમય માંગી લે છે.જયારે કોઈ પ્રાણી અલગ પડે ત્યારે એમને પણ એટલું જ દુઃખ થાય છે જેટલું આપણને આપણા પ્રિયજનથી દૂર થવામાં થતું હોય છે.

મુલાકાતીઓ વિશે તો શું કહું? મોટા ભાગના લોકો પ્રાણીઓ ને જોવા અને એમના વિશે જાણવા આવે છે પણ અમુક તોફાની તત્વો ફક્ત પ્રાણીઓ અને પક્ષીઓને હેરાન કરવા માટે જ આવતા હોય છે. જેનાથી ઝૂ નાં પ્રાણીઓનો સ્વભાવ ચીડચીડીયો થઈ જાય છે. આ ઉપરાંત બહારનું ખાવાનું એમને આપે જેનાથી એમની તબિયત ખરાબ થાય છે. દરેક જગ્યાએ અમે સિક્યોરિટી ગાર્ડ રાખ્યા છે છતાં એમની નજર ચુકવી અને આવું કરનારા દરેક વ્યક્તિઓને વિનંતી છે કે તેઓ આ પ્રકારની પ્રવૃત્તિ ન કરે.

હું માસ્ટર્સ કર્યા બાદ કેપ્ટીવ એનિમલ્સના વિષય પર પી.એચ.ડી. કરું છું જેમાં પ્રાણીસંગ્રહાલયની જાળવણી , કેજ ડિઝાઇનિંગ, એનિમલ બિહેવિયર જેવી અનેક બાબતો વિષે જાણવા મળે છે. રાજકોટ ના યુથ ને એક ખાસ વસ્તુ કહેવા માંગીશ કે તેમને કોઈ બીજાના મોટીવેશનની જરૂર નથી અને સેલ્ફ મોટીવેશન જ એમના ગુરુ છે. મેં આ જાતે અનુભવ્યું છે. ઉદાહરણ તરીકે જો કોઈ તમેને ઝૂ જોઈન કરવાંનુ કહે એના કરતા તેમને પોતાની અંદરથી ઈચ્છા વધુ તીવ્ર હોય તો જ જોડાવું જોઈએ. એક જમાનો હતો જયારે મેડિકલ કે એન્જીનીઅર સીવાય કોઈ ભવિષ્ય જ ન દેખાતું પરંતુ આજે રાજકોટનું યુવાધન તમને દરેક ક્ષેત્રે મેદાન મારતું દેખાય છે. હું પણ એમાંનો એક જ છું.

લાગ્યા તો ખરા એ રંગો,
અંગો પર,
મુશ્કેલી ત્યા હતી,
મન કોરા રહી ગયા.