#398 RJ Jay Sakariya

By Faces of Rajkot, November 25, 2019

રાજકોટ રેડીઓ પર બઘડાટી બોલાવતો હું આર જે જય સાંકરિયા, બાળપણથી જ બઘડાટી બોલાવવાનો શોખ જે કોલેજ સુધી મને દરેક ફિલ્ડમાં આગળ રાખતો. કોલેજના એન્યુઅલ ફન્કશનથી માંડીને ગુજરાતનાં યૂથ ફેસ્ટિવલ્સમાં મેદાન માર્યું છે. કોલેજમાં જયારે એન્જીનીરીંગ કરતો ત્યારે રેડીઓવાળા “ટેલેન્ટ હન્ટ” માટે આવતાં ત્યારે પણ મેં તેમાં સારું પ્રદર્શન કરેલું.

પણ, એન્જીનીઅરીંગ કરેલા વ્યક્તિથી આવા કામ થોડા કરાય! એવી માન્યતા, મારી કહો કે રાજકોટની આ દ્રઢ માન્યતા દરેકનાં મગજમાં ઘર કરી ગયેલી અને હું પણ એમાં બાકાત નહિ. અમદાવાદમાં મોટા ઉપાડે ઇન્ટર્નશિપ કરી પણ દિલ ક્યાંક બીજે જ ચોંટેલું એટલે એન્જીનીઅરીંગ ના આવેગ ધીમે ધીમે ઓસરવા લાગ્યા અને ફરીથી રાજકોટ આવીને રેડ એફ એમમાં ઇન્ટર્નશિપ શરુ કરી અને પછી માય એફ. એમ. માં પણ કરી. સવારના ૭ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી દિલ દઈને કામ કરતો. આજકાલ લોકો એફ.એમ.જોઈન કરે તો એમને એમ કે સીધું હાથમાં માઈક જ અપાય છે. પણ, એક વીકમાં ઘઉં અને ફોતરાં અલગ પડી જાય અને કચરો બધો જ નીકળી જાય. અંતે, રાજકોટની જનતાએ એટલો પ્રેમ આપ્યો કે આજે હું આર જે જય તરીકે ઓળખાઉં છું.

સ્મૃતિ ચિન્હ, એવોર્ડ્સ, 72 કલાક ઓન એર નો વર્લ્ડ રેકોર્ડ અને સૌથી ઉપર રાજકોટનો પ્રેમ આ બધું જ મળ્યું. ૨૦૧૯ ના ઈલેક્શન માટે કેમ્પેઇન કરેલું જે ખાસ્સું ચર્ચામાં રહ્યું અને અનેક લોકોએ પ્રતિસાદ આપ્યો. લોકોનો અદ્ભૂત સહકાર મળ્યો, એક ભાઈ તો એવા પણ મળ્યા કે ઇલેક્શનની મળેલી રજામાં ફરવા જતાં હતા અને રેડીઓ પર મારો મત આપવા માટેનો આગ્રહ સાંભળીને જેતપુરથી પાછા ફર્યા અને મત આપ્યો. કેટલાંય વડીલો મળવા આવતા અને આશીર્વાદ આપતાં અને ઘણીવાર તો લોકોને પાછા વાળવા પડતાં કે ભાઈ બહુ જ મોડું થયું હવે ઘરે જાઓ.

હેલ્મેટ માટે પણ મારો એટલો જ આગ્રહ રહ્યો છે અને એના માટે પણ હું હંમેશા રેડીઓ પર કહેતો જ રહું છું. મને નિયમો અને એનું પાલન થાય એ ગમે છે અને હું રાજકોટને એજ બાબતે નંબર વન પર જોવા માંગુ છું. આ એટલું મુશ્કેલ પણ નથી. પાનની પિચકારી તો જાણે રાજકોટના માથા પર કાળો ડાઘ સમાન છે, ટ્રાફિકમાં વિના કારણે હોર્ન મારવા, કચરો નદી-તળાવોમાં નાંખવો, લાઈનમાં ન ઊભવું આવી ઘણી સમસ્યાઓને આપણે સહિયારી પાર કરવાની છે. અસલી બઘડાટી તો ત્યારે બોલાવીશ અને એ પણ એક પગ પર…

કંઈક તો સારું બધામાં હોય છે,
લીમડાંનો છાંયો ન કડવો પડે.

તું દિવસ જીતી ગયાનો વહેમ છોડ,
સાંજે પડછાયો ઘણો મોટો પડે…
-ગૌરાંગ ઠક્કર — with RJ Jay.