#399 Mochi dada

By Faces of Rajkot, December 2, 2019

“એ….દાદા, રામ રામ “
અવાજ સાંભળતાં જ બોખું મોઢું જાણે મોઢામાં પતાસું આવી ગયું હોય એમ ખીલી અને ખુલી ઉઠે અને હાથમાં ચોકલેટનો ડબ્બો લઈને સામે ધરી દે.

એક પછી એક નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની છોકરીઓ નિશાળના દરવાજામાંથી બહાર આવતી જાય, રામ રામ બોલતી જાય અને ડબ્બામાંથી એક એક મનપસંદ ચોકલેટ લેતી જાય. મને આ અદ્દભુદ દ્રશ્ય જોઈને એમના વિશે વાંચેલું હતું છતાં ખુબ જ આશ્ચર્ય થયું કે આ શું થઇ રહ્યું છે! થોડી વાર થઇ બધી જ છોકરીઓ જતી રહી પણ ન તો ચોકલેટનો ડબ્બો ખાલી થયો કે ન ખુટ્યું એ બોખા મોંઢાનું સરસ મજાનું હાસ્ય. મેં જઈને દાદાને રામ રામ કર્યા અને પૂછ્યું કે આ શું હતું?

મારું નામ મનસુખભાઈ, સાડા સાત સદીઓ પુરી કરી ચુક્યો છું અને આજે પણ કામ કરું છું. જીવનની જરૂરિયાતોમાં કશું જ નહિ બસ ખાલી ૨૦ રૂપિયા રિક્ષાનું ભાડું ઘરે આવવા જવા માટે અને એક ટાઈમની ચા, એક આ મૂવું તમાકુનું બંધાણ બસ. સ્કૂલની બાળકીઓ કે વાલીઓ ચપ્પલ, બૂટ રીપેર કરાવે, દફતર સાંધી આપું માત્ર દસ રુપિયા અને એ પણ વર્ષોથી એકજ ભાવ. નાના ભૂલકાઓને ચોકલેટ લેવામાં કાંઈ વાંધો નથી હોતો પણ મોટી દીકરીઓને એમજ તમે ચોકલેટ આપવા મંડો તો કોઈ જ ન લે ઉલ્ટાની તમારી પર શંકાઓ કરે. જમાનો જ એવો છે એમાં કોઈનો વાંક નથી. પણ આટલા વર્ષોનો ભરોષો અને વિશ્વાસ કમાઈને આજે અહીં સુધી આવ્યો છું. તમારા જેવા કોઈ એ થોડા સમય પહેલાં મારા વિશે મોબાઇલમાં લખ્યું ત્યારથી મોટી દીકરીઓ અચકાયા વિના ચોકલેટ લઈ જાય છે. એ લેખ વાંચીને બીજા ઘણા લોકો કુતૂહલ સંતોષવા આવે છે. અને કેટલાય હવે તો બાળકોને આપવા માટે ચોકલેટ પીપર આપી જાય છે.

મારા કામ પછી ભાવ સાંભળીને ઘણાં લોકો પૂછે કે દાદા તમે અડધાથી પણ ઓછો ભાવ લો એવું કેમ? જો હું બાળકીઓના નાસ્તો લેવાના કે ભણવાનાં સાધનો લેવાના પૈસામાંથી વધુ પૈસા લઇ લઉં તો એ શું ખાય? એટલે માત્ર દશ જ રુપિયા લેવાના એવો નિયમ.

પુત્ર પૌત્રોથી ઘર સંસાર હર્યોભર્યો રહે છે, કમાણીની કોઈ એવી જરૂર નથી કે સંતોષથી જીવી ન શકું. મારું અને મારા ઘરનું ગુજરાન તો મોજ થી ચાલે છે. કોઈ જ કમી નથી અને ઉપરથી મારી દોલત આ નિશાળની બાળકીઓનું રામ રામ બસ એનાથી વધુ કાંઈ ન જોઈએ. ઉપરવાળાએ તો ખરેખર નીચું જોયું ને નજર મારા ઉપર જ પડી એવું લાગે છે.

દાદા ફરી ગ્રાહકોમાં વ્યસ્ત થઇ ગયા અને હું મૂઢ બની ને જોતો જ રહ્યો કે આ દાતારની દાતારી તો જુઓ. દશ રૂપિયાની કમાણીમાં પણ બાળકીઓને પીપર ચોકલેટો ખવડાવીને પણ ખુશ રહે છે. ન કોઈ ફરિયાદ કે ન કોઈ અણગમો. એમણે જે મને છેલ્લું વાક્ય કહ્યું એમાં બધું જ આવી ગયું કે “બાળકોના મોં પરની ખુશી થી મોટો કોઈ ધર્મ નથી”

તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું
મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું..

– રમેશ પારેખ..