બજારમાં જઈએ કે કોઈ ઓળખીતા મિત્ર-સંબંધી જોડે સામાન્ય વાતચીત થતી હોય ત્યારે મંદી નો ટોપિક તો જરૂરથી ચર્ચાય, કદાચ જરૂરતથી વધારે પણ વાત થાય. બહેનો સાંજે શાકભાજી લેવા ભેગા થાય ત્યારે પણ મોંઘવારીની વાત તો કરી જ લેતી હશે. પણ પછી? એજ વ્યક્તિ જે સવારે એના મિત્ર જોડે મંદીની ચર્ચા કરી હતી એ એની જ પત્ની જે મોંઘવારી માટે શાકવાળા જોડે 5 રૂપિયા ઓછા કરવા રક્ઝક કરતી હતી એની સાથે 500 રૂપિયાના પિઝ્ઝા ખાતા જોવા મળશે. કશું જ ખોટું નથી જો તમને પરવળતુ હોય તો, પણ શું બધાને પરવળે છે? મંદી કે મોંઘવારી સૌને સરખી?
ના. મારું નામ પ્રવીણભાઈ બાવાજી, ઉંમર 63 વર્ષ. ગોંડલ રોડ ઓવરબ્રીજ ઉતરીને માલવિયા ફાટક પાસે જસાણી સ્કૂલ નજીક રમકડાં વેંચવાનું કામ કરું છું. એ પહેલા હીરા ઘસવા માટે જતો પણ કારમી મંદીએ બધું જ છીનવી લીધું. ઘરમાં 80 વર્ષનાં મા, બહેન અને ભાઈ સાથે રહીયે છીએ. બહેનનાં બંને પગ ભાંગી ગયેલ છે પણ એ બેસીને બનતી મદદ કરે છે, રસોઈ બનાવી આપે અને નાના મોટા કામ કરી દે. નાના ભાઈને હાથમાં ફ્રેક્ચર છે અને મેટલની પ્લેટ બેસાડેલી છે એથી એ પણ વધુ કામ નથી કરી શકતો. ગરીબાઈને લીધે બંને ભાઈઓમાંથી એકનાં પણ લગ્ન નથી થઇ શક્યા. સાંજે 6 થી 10 વાગે અહીં જ બેસીને રમકડાં વેંચુ છું. ક્યારેક વેંચાય તો ક્યારેક આખો દિવસ બેસીને જ જતો રહે. ક્યારેય કોઈ પાસે પૈસા નથી માંગતો પણ સાંજે મારુ પરિવાર પેટ ભરીને જમે એના માટે બનતા પ્રયત્નો કરું છું. જો ક્યારેય એ બાજુથી નીકળો તો મારી પાસેથી રમકડું લો તો સારું અને ન લો તો પણ બે મિનિટ કઈ વાત ચોક્કસ કરવા આવજો. આનંદ આવશે તમને મળીને.
રાજકોટ લગભગ કોઈને ભૂખ્યા નથી સુવા દેતું, બધાને દાળ રોટલો મળી રહે એમ બધા હળીમળીને રહે છે. જે લોકો મોંઘી હોટેલોમાં જમવા જાય છે એ પણ વધેલું છોડી આવવાને બદલે પેક કરીને સાથે લઇ લે છે અને રસ્તામાં જરૂરતમંદને આપે છે.
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે…..
Recent Comments