#401 Thelessemia major & Rahul

By Faces of Rajkot, December 24, 2019

મોટા ભાગના લોકો લગ્ન પહેલા કુંડળી તો મેળવી જ લ્યે છે. જો ગ્રહો મેચ થાય તો જ સંબંધ થાય નહીતો ફોક. અને જો કુંડળી મેચ થયા બાદ પણ લગ્ન ટકશે એની કોઈ ગેરેન્ટી ખરી? કુંડળી કરતાં પણ ખૂબ જ જરૂરી છે થેલેસિમિયાનો રિપોર્ટ મેચ કરવો. સ્કૂલ, કોલેજોમાં તો સરકાર અથાગ પ્રયત્નો કરીને જાગૃકતા લાવે છે પરંતુ એ લગ્ન મંડપ સુધી નથી પહોંચતી. સામાન્ય લોકોને તો કદાચ ખબર પણ ન હોય કે થેલેસિમિયાનો રિપોર્ટ ન કરાવો તો શું ગંભીર અસર કોઈના જીવન પર પડી શકે.

મારું નામ રાહુલ ભરતભાઈ, ઉંમર માત્ર 22 વર્ષ અને હું છું થેલેસિમિયા મેજર, મારી જિંદગીના કદાચ ૮ – ૧૦ વર્ષ જ વધ્યા હોય પણ મેં મારી સંપૂર્ણ જિંદગી સામાન્ય નાગરિકની જેમ જ વિતાવી છે. સિવાય કે મારે દવાની દરરોજ 7 ટીકડીઓ ગળવી પડે છે અને દર વીસ દિવસે લોહીની જરૂર પડે છે. નાનપણમાં પણ સામાન્ય બાળકોની માફક ભાગદોડ કે રમત ગમત માં ભાગ નહોતો લઇ શકતો. પણ હવે, હું RMCમાં સેનેટરી ઇન્સ્પેકટરની જોબ કરું છું અને 8 કલાક કામ કરતા લોકોને પણ શરમાવીને એનાથી પણ વધુ સમય નોકરી કરું છું. મને રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડ પણ મળ્યો છે જે રાજકોટ માટે ગર્વની વાત છે. એ એટલા માટે કે આખા ગુજરાતમાંથી માત્ર મારી જ પસંદગી થયેલી.

મેં ક્યારેય મારી જાતને બિચારી ગણાવી નથી કે લોકોને દયા દાખવવી પડે એવું થવા દેતો નથી. મારુ કામ જાતે જ કરું છું અને કોઈ પણ કમજોરી કે થેલેસિમિયાનું બહાનું કરી ને નથી કરતો. રાજકોટને અને ખાસ કરીને યુવાનોને કહીશ કે કામ કરવાથી જ નામ થશે, સાંજ પડ્યે રિંગરોડ પર બાઇકના ચક્કર કે ચાની ચુસ્કી ક્ષણિક આનંદ જરૂર આપશે પણ જો જીવન જીવ્યાનો સંતોષ જોઈતો હોય તો કંઈક અલગ કરી છૂટવું. મારી તો કદાચ ઉંમર ઓછી પડે નહીંતર હજી પણ રાજકોટને ભારતના નકશામાં ઉપસાવીને જ રહેત છતાં પ્રયત્નો તો કરીશ જ. બીજી અગત્યની વાત એ કે વિના સંકોચ કે શરમ થેલેસીમિયાનો રિપોર્ટ જરૂર થી કરવો. આના કોઈ બાહ્ય લક્ષણ નથી હોતા કે જોઈને ખબર પડી જાય પણ તમારા સંતાનોના લાંબા અને સારા ભવિષ્ય માટે આ જરૂરી છે. અને જો તમને લાગતું હોય કે આવું કહેવાથી કે કરવાથી સામેવાળા ના પાડી દેશે તો તમે બચી ગયા સમજો. જે વ્યક્તિને પોતાના સંતાનોના ભવિષ્ય કરતા સામાજિક રીત રિવાજો ને લોકલાજ વધારે મહત્વના હોય એની સાથે રહેવાનો શું અર્થ?