#402 Mitesh Ruparelia & Ashmika hair elixir

By Faces of Rajkot, January 13, 2020

મિતેષ રૂપારેલિયા, રાજકોટનું પ્રખ્યાત નામ. જમીન લે-વેંચમાં ઘણા પૈસા કમાયા. પોતાનો હેર ઓઇલનો બિઝનેસ અને પડતાં આભને ટેકો આપે એટલાં સધ્ધર વ્યક્તિ. જયારે એ પોતાની કારમાં નીકળે ત્યારે માભો તમે એક વાર તો જોતા રહી જાવ. પણ, રાજકોટનો ચેહરો આમ થોડું બનાય છે? એનાં માટે જિંદગીના કપરા ચાબખાં પીઠ માથે લીધા હોય અને એની ઉપર મખમલી કુર્તો પેહરી બધું બંધ મુઠ્ઠીમાં રાખીને દુનિયા સામે હસતા રહે એને જ અહીં જગ્યા મળે છે. તો એવો આ મુઠ્ઠી આજે ખોલીયે.

દસમાં ધોરણમાં હતો ત્યારે પપ્પા સખત બીમાર પડ્યા, નોકરી અને આવક બંને બંધ થઇ ગયા. સ્કૂલના સાધનો લેવાના પૈસા તો દૂર પણ જો એક મહિનામાં કશું તાત્કાલિક ન કરીયે તો ભૂખ્યા રહેવાનો વારો આવે. પપ્પાની રેઈનબો હોટેલમાં એકાઉટંટની જોબ હતી ત્યાં મને ઓફિસ બોયની નોકરીમાં રાખ્યો. ઘેરથી બસના ભાડાનો એક રૂપિયો મળે. સાંજે 8 વાગે છેલ્લી બસ હોય અને મારા શેઠ દરરોજ 5-10 મિનિટ મોડી રજા આપે. પૂછ્યા વિના તો જવાય પણ નહિ. જેવી રજા મળે કે તરત જ દોડું ને ચપ્પલની છોટી નીકળી જાય. એટલે ચપ્પલ હાથમાં લઈને દોડું પણ બસ આપણી રાહ ઓછી જોય! એટલે ચાલીને કિસાનપરા ચૉક એવું અને ત્યાંથી કોઈ ઓળખીતા મળે એટલે એમને પાછળ બેસાડીને એની સાઇકલ ખેંચું. શેઠની રજા એવી, મારુ દોડવું, ચપ્પલની લાચારી અને ક્યારેક તો નજર સામે જ જતી બસ અને કોઈને એની જ સાઇકલમાં ખેંચતો મજૂર જેવો હું આ મારો નિત્યક્રમ. દિલમાં દાઝ ઉપડે અને આંખના આંસુ કાશ્મીરનાં બરફની જેમ અંદર જ જામી જતાં. આવી દરિદ્રતામાંથી ઉપર આવીશ એવી કલ્પના પણ નોહતી પણ સાહસ પૂરેપૂરું માપી લ્યો.

રેઈનબોમાં જ સેલ્સમેનની નોકરી કરી, છેલ્લે આખી હોટેલ હું જ ચલાવતો, એક દિવસ બેન્કનો કારકુન પણ બન્યો પણ એક જ દિવસમાં સમજાઈ ગયું કે પ્રગતિ પગ વાળીને બેસવાથી નહિ મળે એટલે એક જ દિવસમાં બેન્કને સલામ કરીને ફરીથી રેઈનબોમાં જ ચાલુ રાખ્યું. 1500-1700 રોજ ના કમાતી રેઈનબો ને રોજના પચીસ હજાર સુધી લઇ ગયો. ત્યાં આવતાં દરેક લોકો સાથે પ્રેમથી હસવા બોલવાનો વહેવાર. એમાં જમીન લે-વેંચ માં રસ પડ્યો અને જંપલાવ્યું. નસીબ જોર કરી ગયું અને મહેનતની કોઈ મણા નહિ એટલે ખૂબ પૈસા કમાયો પરંતુ એક વખત એક ભાગીદાર દગો આપીને બધા પૈસા લઈને ફરાર થઇ ગયો. આપણે ફરીથી હતા ત્યાંને ત્યાં. એ પછી ચપ્પલનો હૉલસેલનો ધંધો કર્યો . ત્યાં પણ કંઈજ ના વળ્યું અને હાલત બદથી બદતર થતી ગઈ.. એમાં મુલાકાત એક રાજસ્થાનથી આવેલા એક બાપા જોડે થઇ જે વાળ ઉગાડવા માટેનું તેલ વેંચતા. એ કહેતા કે આ તેલ વાપરીશ તો તારા વાળ કાળા થઈ જશે. મેં પ્રયત્ન કર્યો પણ મારા વાળ માંડયા ખરવા. પણ એ વખતે મગજમાં એક વાત ઠસી ગઈ કે એવું કાંઈક તેલ બનાવવું જેનું પરિણામ આવે અને સચોટ આવે. લોકો, મિત્રો, ઘરનાં બધા જ હસવા મંડ્યા કે આ શું માંડ્યું છે! આયુર્વેદમાં એટલો રસ લીધો, રણછોડદાસ બાપુ પર અપાર શ્રદ્ધા અને આ તેલ બન્યું. પરિવાર અને મિત્રોએ ટ્રાય કરી અને લીલી ઝંડી આપી. ૨૦૧૯ ના માર્ચ મહિનામાં બજારમાં મૂક્યું, નામ રાખ્યું ‘અશ્મીકા’. ટૂંકા ગાળામાં એટલું ફેમસ થયું કે આજે ભગવાનની દયાથી તમારી સામે જ છું જોઈ લો.

આ તેલથી અનેક લોકોને ફાયદો થયો છે એટલું જ નહિ બીજી અનેક આયુર્વેદિક દવાઓ તૈયાર કરી અને લોકોને મફતમાં જ આપતો. ખાજ ખરજવું હોય, કોઈને સ્કિનની તકલીફ હોય એ બધાને મદદ કરું છું. ઉપરાંત ખેડૂતો માટે એવી ફોર્મ્યુલા તૈયાર કરી છે કે જેમાંથી પાકનો ગ્રોથ અને ઉપજ બમણી કરી શકાય. સાવ મામૂલી કિંમતમાં તૈયાર થતું આ લીકવીડ ખેડૂતો માટે આશીર્વાદ બની રહેશે. એટલું જ નહિ પણ ખાતરનો બિલકુલ ઉપયોગ જ નહિ કરવાનો.

સફળતા આટલી આસાનીથી નથી મળતી એ આયુર્વેદના અભ્યાસ પાછળ 8-10 વર્ષો ખર્ચ્યા બાદ આ ફોર્મ્યુલાઓ તૈયાર થઇ છે. ઉપરાંત રેગ્યુલર કામ તો કરવાનાં જ. રાજકોટને જરૂર કહીશ કે નસીબને દોષ આપીને રડતાં ન રહેવું અને તમારો રસ્તો તમારે જાતે બનાવવો. મહેનત કરવાથી પાછળ ન પડવું અને કોઈના કહેવાથી નાસીપાસ ન થવું. તમે નક્કી કર્યું છે એ કરીને જ જંપવું.

જગતનું ન સાંભળ, એ કાયમ નડે છે.
અહીં તો બહેરા જ પર્વત ચડે છે.
હિમાલયમાં પણ ના મળ્યો સાધુઓને,
ને માણસને માણસમાં ઈશ્વર જડે છે.
– પાર્થ પ્રજાપતિ