#403 Amit Dhorda and folk music

By Faces of Rajkot, January 26, 2020

કહે છે કે મોરનાં ઈંડા ચીતરવા ન પડે પણ, અમે તો ચીતરી બેઠા. લોકસંગીતને કોઈ સ્નાન સૂતકનો પણ સંબંધ નહી એવા પરિવારમાં જે દિવસ રાત ખાલી બિઝનેસ વિશે જ વિચારતું હોય એવા પરિવારમાં લોક સંગીત ક્ષેત્રે નામ કાઢવું એ ખરેખર ઈંડાને ચીતરવા જેવું જ છે.

અમિત ધોરડા, પરિવાર સોની કામના વ્યવસાયમાં પણ મને તો લોકસંગીત નાનપણથી જ વળગી ગયું. માત્ર 10 વર્ષની ઉંમરે મેં ગાવાનું શરુ કરી દીધેલું અને 12 વર્ષની ઉંમરે મેં મારુ પહેલું સ્ટેજ પરફોર્મન્સ આપેલું. મારાં સ્વર્ગીય ગુરુએ મને કહેલું કે રોજનું મીનીમમ 10 કલાકનો રિયાઝ જરૂરી છે પણ ભણવાની સાથે રિયાઝ કરવાનો સંગમ થતો જ નહોતો. એટલે કોલેજ શરુ કરી પણ ભણવાનું છોડીને માત્ર લોકસંગીત પર જ ફોકસ કરું છું.

10 કલાક તો પણ નહિ પરંતુ હાલમાં 8 કલાક રિયાઝ કરું છું અને પ્રયત્ન તો એવો જ રહે છે કે 10 કલાક થાય. TGES આઇડોલમાં હું 2nd રનર અપ રહ્યો છું. પરંતુ અલગ અલગ સ્ટેજ પર રેગિંગનો ઘણો જ અનુભવ રહી ચુક્યો છું. મોન્સૂન ફેસ્ટ, યુથ ફેસ્ટિવલમાં પણ નામ ગજવી ચુક્યો છું પણ મારી ઉમર માત્ર 20 વર્ષ અને મારી ઉંમર જેટલો તો ગાવાનો અનુભવ લઈને સ્ટેજ પર આવતાં હોય એમને એક વાર તો એવું થાય જ કે આ છોકરો ગાશે અને એ પણ અમારી પહેલાં ! એમને પણ અચરજ થતું. ઘણા સારાં સારાં કલાકારોએ મને સ્ટેજ પર ઘણો જ પ્રોત્સાહિત કર્યો છે. લલીતાબેન ઘોડાદ્રા, બિહારીભાઇ જેવાં ગજાના કલાકારોએ મને બિરદાવ્યો છે. મારાં દાદાના સમયમાં આ બધા કલાકારોનું મારા ઘરમાં આવવું જવું સામાન્ય હતું. કદાચ એમની જ સંગતનો આ જાદુ છે જે આજે મારા અવાજ સાથે ચાલી રહ્યો છે.

ઘણા લોકો મને કહે છે કે આટલો સારો અવાજ છે તો હિન્દી સોન્ગ્સ કેમ નથી ગાતો? પણ મને એમ લાગે છે કે મારો જન્મ તો ગુજરાતી લોકસંગીત માટે જ થયેલો છે એવું લાગે છે અને લોકસંગીત સિવાય મને કશું જ યોગ્ય નથી લાગતું. જન્મીને તરત જ ઘાતક સર્જરીનો સામનો કરીને આ દુનિયામાં આવ્યો છું અને મારો ધ્યેય લોકોને મારે કબીરવાણી, કબીર ગ્રંથ અને સાહિત્યને ઘરે ઘરે પહોંચાડવાની ઈચ્છા છે. હું કબીર સાહિત્યને લોકસંગીત સાથે જોડીને નવી જનેરશન સમક્ષ રાખવી છે.

રાજકોટને કહેવું છે કે બધા સંગીતને પૂરતું માન આપો ભલે એ મેઘાણી હોય કે માઈકલ જેક્શન હોય પરંતુ તમારી માટીના ભોગે નહિ. તમારા મૂળને ભૂલીને કે અવગણીને કશું જ ઉપર નથી માટે લોકસંગીતને દિલના કોઈ ખૂણે તો ગાંઠમાં બાંધીને જ ચાલવું.